વડોદરા26 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડોદરા શહેરમાં લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના ડાયરેક્ટરના નામે વિદેશમાં કેનેડા, યુકે અને આયર્લેન્ડ માટે વર્ક પરમીટ વીઝા આપવાના નામે ઠગાઈ આચરનાર ત્રણ ઇસમોની માંજલપુર અને સમા પોલીસ સ્ટેશનમાં વધુ 32 લાખની ઠગાઇની બે ફરિયાદો નોંધાઈ છે.
વર્ક પરમીટ વિઝા ન કરાવી આપ્યા
વડોદરાના માંજલપુરમાં રહેતા શર્મિલાબેન શર્માએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કેનેડા અને યુકેના પરમીટ વર્ક વીઝા અપાવવાનો વિશ્વાસ આપીને આરોપીઓએ વર્ક પરમીટ વિઝાની પ્રોસેસિંગ ફી પેટે અલગ-અલગ તારીખ અને સમયે એડવાન્સ રૂપિયા મેળવી, એગ્રીમેન્ટ કરી આપી વર્ક પરમીટ ન મળે તો આપેલ તમામ રૂપિયા પરત આપવાનું જણાવી. ઘણો લાંબો સમય થવા છતાં વર્ક પરમીટ વિઝા નહિં કરાવી આપ્યા. મારી પાસેથી કુલ 17.20 લાખ રૂપિયા મેળવી આજ દિન સુધી પરત આપ્યા નથી.
15 લાખ રૂપિયા આપ્યા પણ વિઝા ન મળ્યા
ન્યુ સમા રોડ પર રહેતા અમિતકુમાર પંડિતે સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, કેનેડા તથા યુ.કે. માટે વર્ક પરમીટ વીઝા અપાવવાનો વિશ્વાસ આપી વિઝાની પ્રોસેસીંગ ફી પેટે અલગ – અલગ તારીખ અને સમયે 15 લાખ રૂપિયા એડવાન્સ લીધા હતા અને પરમીટ ન મળે તો આપેલ તમામ રૂપિયા પરત આપવાનું જણાવ્યું હતું પરંતુ, વિઝા ન અપાવીને 15 લાખ રૂપિયા પણ પરત આપ્યા નથી.
ભોગ બનનાર 150 લોકોએ સંપર્ક કર્યો
વિદેશમાં જવા માટે વર્ક પરમીટના નામે છેતરપીંડી આચરનાર ત્રણે ઈસમો હાલમાં કસ્ટડીમાં છે. મુખ્ય ફરિયાદીએ ફરિયાદ બાદ એક બે નહીં પરંતુ હાલમાં 150 લોકો માંજલપુર પોલીસનો સંપર્ક કર્યો હતો. હાલમાં દરેક વ્યક્તિ પાસેથી આરોપીઓએ એક લાખ લીધા છે, એટલે કે 1.5 કરોડ રૂપિયાની હાલ સુધીમાં ઠગાઈ આચારી હોવાનું સામે આવ્યું છે. હાલમાં પણ ઠગાઈનો ભોગ બનનાર માંજલપુર પોલીસ સ્ટેશનમાં પહોંચી રહ્યા છે.
શુ હતો સમગ્ર મામલો?
ગત 20 ઓગસ્ટનાં રોજ વિદેશમાં વર્ક પરમિટ અપાવવાના નામે ઠગાઇનો ગુનો માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. આ ગુનામાં લક્ષ મેનેજમેન્ટ કન્સલ્ટન્સીના ડાયરેક્ટર મેનેજર અને રિલેશનશિપ મેનેજર વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ લોકો ન્યુઝપેપર, બેનર્સ અને સોશિયલ મીડિયામાં કેનેડા અને આયર્લેન્ડમાં વર્ક પરમિટની જાહેરાત કરીને ઠગાઈ કરતા હતા. જે લોકો તેમની ઓફિસે આવે તેમને વિદેશમાં વર્ક પરમિટ અપાવવાનો વાયદો કરતા હતા અને તેની પ્રોસેસિંગ ફી પેટે 1 થી 2 લાખ રૂપિયા ચેક અને રોકડેથી લેતા હતા. તેઓ ગ્રાહકો સાથે એગ્રીમેન્ટ કરીને વાયદો કરતા હતા કે, જો 60 દિવસમાં તમને વર્ક પરમિટ નહીં મળે તો તમને રૂપિયા પરત આપીશું. ઘણા બધા લોકો પાસેથી રૂપિયા લઇને તેઓએ પરત આપ્યા નથી. આ પૈકી તુષારભાઇ ગોસાઇએ માંજલપુર પોલીસ સ્ટેશન આવ્યા હતા અને રજૂઆત કરતા ગુનો નોંઘાયો હતો.
પોલીસે વધુ તપાસ હાથ ધરી
માંજલપુર પોલીસે ઠગાઈ આચરનાર ત્રણ ઈસમોના રિમાન્ડ બાદ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. જેમાં (1) કુણાલ દિલિપરાવ નિકમ (રહેવાસી, એફ-112, પરમપાર્ક સોસાયટી, સાઇ ચૌકડીની બાજુમાં, માંજલપુર, વડોદરા), (2) આશિષભાઇ જયચંદ ગવલી (રહેવાસી, શંકરવાડી, પંડ્યા હોટલ પાસે, નવાયાર્ડ છાણી રોડ, વડોદરા), (3) વિકાસ તુલસીદાસ પટેલ (રહેવાસી ,મ.નં 126, દર્શનમ એન્ટીકા, બંસલ મોલની પાછળ, તરસાલી દંતેશ્વર રોડ, વડોદરા) કસ્ટડીમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે. આ ઠગાઈમાં અન્ય કોઈ ઇસમ છે કે કેમ? તે દિશામાં તપાસ ચાલી રહી છે.
.