અમદાવાદ4 કલાક પેહલા
- કૉપી લિંક
ત્રણ દિવસમાં રૂપિયા ત્રણ ગણા રુપિયા કરી આપવાની લાલચ આપી લોકોના પૈસા ઠગનાર મહાઠગ અશોક જાડેજા તો પકડાઇ ગયો પરંતુ, તેના એજન્ટ તરીકે કામ કરતો ખેતરામ સાંસી છેલ્લા 14 વર્ષથી ભાગતો ફરતો હતો. હાલ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેકટર મિતેષ ત્રિવેદીની ટીમે તેને રાજસ્થાન બાડમેરથી ઝડપી લીધો હતો. પોલીસથી બચવા માટે તેણે પોતાનું નામ પણ અશોક કરી દીધું હતું. જોકે, તેના માથે સરકારે 20 હજારનુ ઇનામ પણ જાહેર કર્યું હતું અને હાલ તેની ધરપકડ કરી પોલીસે કાર્યવાહી હાથ ધરી.
જાડેજાનો ભાંડો ફૂટ્યો ત્યારે ગેંગનાં અનેક લોકો ઝડપાયા
મહાઠગ અશોક જાડેજા એન્ડ કંપનીએ સરખેજ-મકરબા નજીક પોતાના ઘર નજીક એક ખાડામાં બેસી માતાજીની કૃપાથી લોકોને ત્રણ ગણા રૂપિયા કરી આપતો હોવાની જાહેરાત કરી હતી. તેણે પોતાનું નામ પણ જય માડી કરી દીધું હતું. કુબેરનગર સરદારનગરથી મોટી સખ્યામાં લોકો તેની પાસે રોકાણ કરતા હતા. તે ચોક્કસ દિવસમાં રોકાણકારને રૂપિયા ત્રણ ગણા કરી આપતો હતો. જેને પગલે ત્યાં રૂપિયા આપવા માટે લાઇનો લાગતી હતો. રૂપિયા લેવા અને ગણીને પરત આપવા માટે 34 એજન્ટ રાખવામાં આવ્યા હતા. જયારે જાડેજાનો ભાંડો ફુટ્યો ત્યારે તેની સાથે તેની ગેંગના ઘણા લોકો ઝડપાયા હતા.
ઓળખ છૂપાવવા નામ બદલી નાખ્યું
જાડેજા માટે એજન્ટ તરીકેનું કામ કરતો ખેતારામ પુનમારામ સાંસી ( રહે. બાડમેર, રાજસ્થાન) ભાગી ગયો હતો. છેલ્લા 14 વર્ષથી પોલીસ તેને શોધી રહી હતી. ખેતારામ પોતાના ગામથી દૂર છૂટક મજુરી અને સ્ક્રેપ્ટનું કામ કરતો હતો. તેણે ઓળખ છુપાવવા માટે પોતાનું નામ અશોક કરી દીધું હતું. હવે આ ખેતારામ બાડમેર નજીક હોવાની વિગતો ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેકટર મિતેશ ત્રિવેદીને મળી હતી. જેને પગલે તેમની ટીમે તેને રાજસ્થાનથી ઝડપી લીધો હતો.
રૂપિયા લેવા માટે એજન્ટો 3 શિફ્ટમાં કામ કરતા હતા
અશોક જાડેજા જ્યારે લોકોને ચોક્કસ દિવસમાં ત્રણ ગણા રૂપિયા કરી આપતો હતો. ત્યારે તેની પાસે રોકાણ કરવા માટે લોકોની લાઇનો લાગતી હતો. રૂપિયા ગણીને લેવા માટે 34 એજન્ટો રાખ્યા હતા. જેઓ 3 શિફ્ટમાં 24 કલાક કામ કરતા હતા.
અશોક જાડેજા પાસેથી 100 કરોડ રોકડા મળ્યા હતા
લોકોને ચુનો લગાવી જાડેજાએ કરોડો રૂપિયા એકત્રિત કર્યા હતા. તેની ગેંગ પાસેથી 100 કરોડ રોકડા, બે કરોડનું સોનું, બે કરોડનું ચાંદી, 50થી વધુ લકઝુરીયસ કાર, 60થી વધુ બાઇક અને 450 કરોડ રૂપિયાની 186 વિઘા જમીનના ડોક્યુમેન્ટસ મળ્યા હતા. જે સીઝ કરવામાં આવ્યા હતા. જાડેજા વિરૂદ્ધ 111 ગુના પણ દાખલ કરવામાં આવ્યા હતા.
.