અમરેલી34 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમરેલી જિલ્લાના રૂલર વિસ્તારમાં ઘરફોડ ચોરી અને વાહન ચોરીના બનાવો સતત વધી રહ્યા હતા, જેને પગલે એસપી દ્વારા ચોરીના ગુનાનો ભેદ ઉકેલવા માટે કડક સૂચના આપવામાં આવી હતી, જેના આધારે અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચોરીના લાખો રૂપિયાના મુદામાલ સાથે એક ત્રિપુટીને ઝડપી લીધી હતી. બંધ મકાનોમાં ઘરફોડ ચોરી કરનાર સીકલીગર ગેંગના ત્રણ સભ્યોને સોના ચાંદીના દાગીના સહીત કુલ કિં. રૂ.5,50,629/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.
અમરેલી અને રાજકોટ જિલ્લાના ચોરીઓના ગુનાઓ ડિટેક થયા છે. આરોપીઓએ અલગ અલગ વિસ્તારમાં કરેલી ચોરીઓની કબુલાતો આપી છે. બગસરા શહેરના નટવરનગરમાં રહેતા અનવરભાઇ ગુલાબભાઇ સેતા તા.07/08/2023ના રોજ પોતાના રહેણાક મકાનને તાળા મારી પોતાના પરીવાર સાથે બહાર ગામ જતા તે દરમિયાન ગઇ તા.08/08/2023ની રાત્રીના અજાણ્યા ચોર ઇસમો અનવરભાઇના મકાનમા ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઘરના કબાટના તાળા તોડી રૂ.17,500/- ની ચોરી કરી હતી. જે અંગે બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
અમરેલી તાલુકામાં આવેલ મોટા આંકડીયા ગામમાં રહેતા પંકજભાઇ ચંદુભાઇ ટાંકોદરાના રહેણાંક મકાનમાં તા.10/08/2023ના રોજ તાળા મારી પોતાના પરીવાર સાથે હોસ્પિટલના કામથી બહાર ગામ ગયા હતા આ દરમિયાન ગઇ તા.12/08/2023ની રાત્રીના મકાનના ડેલાનો તથા દરવાજાનો લોક તોડી ઘરમાં પ્રવેશ કરી ઘરના કબાટમાં રાખેલ રોકડ રોકમ સોના ચાંદીના દાગીના સહિત રૂ.1,99,900ની ચોરી કરી તેમજ હાર્દિકભાઇ મનુભાઇ સૈજાણીના બંધ મકાનના તાળા તોડી રોકડા રકમ તથા દાગીનાની ચોરી કરી તેમજ હિરાલાલ પાનસુરીયાના રહેણાંક મકાનમાંથી ચોરી કરી આમ એક જ રાત્રેના ત્રણ મકાનના ઘરફોડ ચોરી કરી હતી ત્યારબાદ પંકજભાઇએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી હતી.
બગસરાના જુના વાઘણીયા ગામે રાત્રીના 13/08/2023ના ઘનશ્યામભાઇ રાણાભાઇ બાલધા રહેણાંક મકાનને તાળા મારી પોતાના પરીવાર સાથે બહાર ગામ જતા આ વચ્ચે તા.14/08/2023ની રાત્રીના રહેણાંક મકાનના ડેલાનુ અજાણ્યા ઇસમોએ તાળુ તોડી મકાનમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી ઘરના રૂમના કબાટમાં રાખેલ રોકડ રકમ ચાંદી સોના દાગીના સાથે કુલ રૂ.3,35,500ની ચોરી થયાની બગસરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો.
અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તસ્કર ગેંગને પકડવા રાત દિવસ દોડધામ કરી હતી. અમરેલી જિલ્લામાં વધતા જતા ચોરીના બનાવ બનતા અટકાવવા ખાસ પ્લાન બનાવ્યો હતો ગુનાના અજાણ્યા આરોપી અંગે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. બનાવ વાળી તમામ જગ્યાની આજુ બાજુના તેમજ એન્ટ્રી એક્ઝિટ પોઇન્ટ તમામના સી.સી.ટી.વી. ફુટેજો ચેક કરવામાં આવ્યા અને સી.સી.ટી.વી.માં દેખાતા શકમંદ ઇસમોની શોધખોળ હાથ ધરી હતી. જેમાં અમરેલી રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમા આંકડીયા ગામે કુંકાવાવ રોડ ઉપરથી મોટર સાયકલમાં ત્રણ ઇસમોને શંકાસ્પદ હાલતમાં ચોરીના સાધનો સાથે ઝડપી પાડ્યા હતા.
આ ઇસમોની લોકલ ક્રાઇમ બ્રાન્ચની કચેરી ખાતે સઘન પુછપરછ કરતા બગસરા, મોટા આંકડીયા, વાઘણીયા તેમજ ગોંડલની ચોરીઓની કબુલાત આપતા ચોરીમાં ઉપયોગ કરેલ મોટર સાયકલ સાધનો અને ચોરીમાં ગયેલ રોકડ રકમ, સોના ચાંદીના સહિતનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો છે. ઝડપાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી કરવા માટે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમા હાલ સોંપવામાં આવ્યા છે.
ત્રણ આરોપી પાસેથી સોના ચાંદીનો સૌથી વધુ મૂદામાલ રિકવર થયો છે. (1) ગોવિંદ બાવરી (સીકલીગર), ઉં.વ.24, રહે.વડોદરા, ઘાઘરેટીયા, ઇન્દ્રનગર, સોમાતળાવ, હાલ રહે.મોટી કુંકાવાવ (2) ગુરૂમુખીંગ ટાંક (સીકલીગર), ઉ.વ.29, રહે.વડોદરા, વારસીયા, પાપલોર બેકરીની પાછળ, બીમા દવાખાના પાછળ,વડોદરા, હાલમા રહે. મોટી કુંકાવાવ (3) સુરેન્દ્રસીંગ ડાંગી (સીકલીગર), ઉં.વ.29, રહે.ગોંડલ, જામવાડી જિ.રાજકોટ આ ત્રણેય આરોપી પાસેથી મુદામાલ કબજે કર્યો હતો.
પોલીસે કુલ રૂ.5,55,629નો મુદામાલ કબજે કર્યો છે. ચોરી કરનારા આરોપીઓની સઘન પુછપરછ કરતા ત્રણેયે સાથે મળી અનેક જગ્યાએ ચોરી કર્યાની કબુલાતો આપી છે, અમરેલી તાલુકાની બગસરા શહેર અને બગસરા તાલુકામાં થયેલી ચોરીઓ અને અગાવ રાત્રીના ગોંડલ વડોદરા શહેરમાં પણ બાઇક ચોરી ઘરફોડ ચોરીઓ કર્યાની કબુલાતો આપી છે. આરોપીઓ ચોરી સાથે ભુન્ડ પકડવાનો ધંધો કરતા હતા ઝડપાયેલા આરોપીઓ કુંકાવાવ ગામે ભાડાના મકાનમાં રહેતા અને કોન્ટ્રાકટ બેજ ઉપર ભૂંડ પકડવાનો વ્યવસાય કરતા હતા તેમજ ફુગા વેચવાનો ધંધો કરતા હતા અને રાત્રી દરમિયાન પોતાની ઓળખ છુપાવવા માથા તથા મોઢા ઉપર બુકાની બાંધી મોટર સાયકલ લઇ કુંકાવાવથી નિકળી આજુ બાજુમાં ગામડાઓમાં આંટા ફેરા મારતા અને જે બંધ મકાન હોય તેને પહેલા ટાર્ગેટ કરી ઘરફોડ ચોરીને અંજામ આપતા હતા.
આરોપીઓ રાત્રી દરમિયાન ઘરફોડ ચોરી કરવા માટે ચોરીના સાધનો સાથે નીકળ્યા હતા ફરી આરોપીઓ વધુ ચોરીને અંજામ આપે તે પહેલા જ આરોપીઓને અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલ.સી.બી. ટીમે ઝડપી પાડી ઘરફોડ ચોરીમાં ઉપયોગ કરેલ બાઇક તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો. આરોપીઓએ બગસરામાં ત્રણ મકાનો, બગસરા તાલુકાના વાઘણીયા ગામે ત્રણ મકાનો તથા એક તબેલામાં તથા અમરેલી તાલુકાના આંકડીયા ગામે ત્રણ મકાનો તેમજ ગોંડલમાં એક મકાન તથા બે મોટર સાયકલો મળી 11 મકાનો તથા 1 મોટર સાયકલ મળી કુલ – 13 ચોરી/ઘરફોડ ચોરીઓના ગુનાઓને અંજામ આપ્યાની કબૂલાત આપી છે.