રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટ જિલ્લાની 106 ગ્રાન્ટેડ માધ્યમિક શાાળાઓમાં આચાર્યની ખાલી પડેલી જગ્યા માટે આજથી ભરતી પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. વિરાણી હાઇસ્કુલ ખાતે આ ભરતી કેમ્પ શરૂ કરાયો હતો. આજે પ્રથમ દિવસે સાત જેટલી શાળાઓના આચાર્યની જગ્યા માટે ઉમેદવારોને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવ્યા હતા. જેમાંથી માત્ર બે શાળાના આચાર્યની પસંદગી કરવામાં આવી હતી. બાકી શાળાઓ માટે આગામી દિવસોમાં આચાર્યની પસંદગી કરવામાં આવશે. આચાર્યની ભરતી કેમ્પના પ્રથમ દિવસે ઉદઘાટન કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કેલા, તેમજ જિલ્લા માધ્યમિક શાળાઓના સંચાલકો અને ઉમેદવારો હાજર રહ્યા હતા.
જિલ્લામાં 30 જુલાઈ સુધી વાદળછાયું અને વરસાદી વાતાવરણ રહેવાની સંભાવના
રાજકોટ જિલ્લામાં આગામી 30 જુલાઈ સુધી હુફાળું, ભેજવાળું, વાદળછાયું વાતાવરણ રહેવાની શકયતા છે. બે દિવસ છૂટાછવાયા વિસ્તારમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30-32 ડિગ્રી સેલ્સીયસ અને રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાન 24-25 ડિગ્રી સેલ્સીયસ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ 60થી 68 ટકા તેમજ મહત્તમ ભેજનું પ્રમાણ 79 થી 85 ટકા રહેવાની સંભાવના છે. પવનની દિશા પશ્ચિમની અને નેઋત્યની રહેવાની, ઝાટકા સાથે પવનની ઝડપ 24 થી 34 કી.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા હોવાનું જૂનાગઢ કૃષિ યુનિવર્સીટી, તરઘડિયાની યાદીમાં જણાવાયુ છે.
જિલ્લાનાં 3 ડેમમાં છેલ્લા 24 કલાકમાં પાણીની આવક
રાજકોટ જિલ્લાના ડેમોમાં છેલ્લા 24 કલાકમાં પાણીની આવક થઇ છે. જેમાં ઘેલા સોમનાથ ડેમમાં 1.02 ફૂટ, માલગઢ ડેમ 0.33 ફૂટ, ખોડાપીપર ડેમમાં 0.16 ફૂટનો પાણીમાં વધારો નોંધાયો છે. આ સાથે રાજકોટ જિલ્લાના જળાશયોના કેચમેન્ટ વિસ્તારમાં નોંધાયેલ વરસાદ વેરી ડેમમાં 90 મી.મી., છાપરવાડી-1 ડેમમાં 35 મી.મી., ભાદર ડેમમાં 9 મી.મી., વાછપરી ડેમમાં 5 મી.મી., ફોફળ ડેમમાં 4 મી.મી. વરસાદ થયો હોવાનું રાજકોટ સિંચાઈ પુર વર્તુળ એકમની યાદીમાં જણાવાયું છે.
.