ભુજ43 મિનિટ પેહલા
- કૉપી લિંક
વાણિયાવાડ ચોક,કામ પ્રગતિમાં.
- છેલ્લા બે વર્ષમાં 35 કરોડથી વધુના રસ્તાની મંજૂરી મળી છે : મુખ્ય રસ્તાઓ માટે ગ્રાન્ટ ન પહોંચતી હોવાના આક્ષેપ
- લોકોની સુખાકારી માટે પાલિકાની બેદરકારી : રસ્તાઓ બન્યાના થોડા જ મહિનામાં ખખડધજ થતાં ગુણવત્તા તરફ શંકા
રસ્તા માટેની ફાળવવામાં આવતી ગ્રાન્ટ ‘સારે રસ્તે’ વપરાવાને બદલે ‘ખાડા’માં જતી હોવાની લાગણી ન માત્ર શહેરીજનો પરંતુ તાલુકા, જિલ્લા અને રાજ્યભરના લોકોમાં છે. ભુજની વાત કરીએ તો, શહેરની સુખાકારી માટે સ્થાનિક વેરાની આવક ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા મળતી ગ્રાન્ટમાંથી રસ્તા, પાણી, ડ્રેનેજ, લાઈટ જેવી મુખ્ય માળખાકીય સુવિધાઓ માટે કરોડોની ગ્રાન્ટ વપરાય છે, પરંતુ રસ્તાઓ બન્યાના થોડા જ મહિના કે એકાદ વર્ષમાં ફરીથી ખાડા પડી જવા તે ગુણવત્તા તરફ શંકા ઉપજાવે છે. તસવીરમાં ભુજના એ રસ્તાઓ છે કે, જ્યાં થોડા સમયમાં ખાડા પડી ગયા છે અથવા ધોવાઈ ગયા છે.
તો અમુક મુખ્ય રસ્તાની એવી જગ્યા કે જ્યાં મોટા ખાડાઓ તાત્કાલિક પુરવા જોઈએ. યુડીપીની ફિક્સ પાંચ કરોડ ઉપરાંત વિવિધ મથાળા હેઠળ એક કરોડથી દસ કરોડ સુધીની ગ્રાન્ટ રાજ્ય સરકારને યોગ્ય લાગે તો ફાળવે છે.
બસ સ્ટેશન ભંગાર રસ્તો.
ભુજમાં છેલ્લા બે વર્ષમાં 35 કરોડથી વધુના રસ્તાની મંજૂરી મળી છે. જેમાં શહેરની અંદરના નગરપાલિકાની હદમાં તેમજ હદ બહારના રીલોકેશન સાઇટ વગેરે માટેના રસ્તાનું નવીનીકરણ કરવાના ઉદેશથી રાજ્ય સરકારે મોટી રકમ મંજૂર કરી છે. સૂત્રોનું માનીએ તો નગરસેવકો દ્વારા તેમના વિસ્તારમાં આંતરિક રસ્તાઓ બનાવવા માટે દબાણ કરી અને કામ કરાવવાની ઈચ્છા મુખ્ય રસ્તાઓ સુધી ગ્રાન્ટને પહોંચવા દેતી નથી.
શરાફ બજારમાં પ્રાથમિક દૃષ્ટિએ સારો બનેલો રસ્તો.
જોકે, આ બાબતે સુધરાઈ પ્રમુખ ઘનશ્યામ આર. ઠક્કર જણાવે છે કે, ભુજના એવા રસ્તા કે જે 20 વર્ષમાં નથી થયા તેના માટે પણ શહેરી અને વિકાસ મંત્રાલયમાં રજૂઆત કરીને મોટી રકમ મેળવી છે. થોડા રસ્તા બની ગયા તો બાકીના કામ ટૂંક સમયમાં શરૂ થશે.
સ્ટ્રોમ વોટર ડ્રેનેજની બાજુમાં જોખમી ખાડા.
નગરપાલિકાને દર વર્ષે નિયમિત મળતી ગ્રાન્ટમાંથી અર્બન ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પાંચ કરોડ, 15 માં નાણાપંચ અંતર્ગત અંદાજે બે કરોડ, ભારે વરસાદ બાદ મળતા મરમ્મત માટેના અઢી કરોડ, આ વર્ષે રિલોકેશન રીસર્ફેસિંગ તેમજ શહેર અંદરના રસ્તાઓ માટે નવ કરોડ મંજૂર કરાવ્યા છે જે કામ પ્રગતિમાં છે, આઉટ ગ્રોથ રોડ એટલે કે નગરપાલિકાની હદ બહાર પરંતુ ગટર અને પાણી પૂરું પાડવામાં આવતા હોય તેવા વિસ્તાર માટેના રસ્તાઓ માટેની ગ્રાન્ટ તેમજ સાંસદ અને ધારાસભ્ય તરફથી મળતી રકમ ગણવામાં આવે છે.
અનમરિંગ રોડને જોડતો ભંગાર રોડ.
અધિકારીઓનું જવાબ આપવા ચલકચલાણુ
ભુજ નગરપાલિકા હસ્તક ચાલતા કરોડોના કામોની વિગત અધિકારી પાસે જરૂર હોય પરંતુ જવાબો આપવામાં મુખ્ય અધિકારીથી માંડીને તેના નીચેના કર્મચારીઓએ જવાબદારીની ખો આપી હતી. ભુજના માર્ગો માટે વાર્ષિક ખર્ચ અંગે મુખ્ય અધિકારી જીગર પટેલને પૂછતા તેઓ રજા પર હોવાનું કહી, બાંધકામના ઇજનેર વિશાલ ઠક્કરનો સંપર્ક કરવા જણાવ્યું, તેઓ બે મહિનાથી જ આ શાખામાં જોડાવાની વાત કહી, ભરત પીપરાણીને મળવા કહ્યું, તેમણે રેકર્ડ જોઈને આંકડા આપવા જણાવ્યું. અંતે સુધરાઇ પ્રમુખે માર્ગો માટેની અંદાજિત ગ્રાન્ટ અને ખર્ચ વિશે જણાવ્યું હતું.
.