પોરબંદર14 મિનિટ પહેલા
- કૉપી લિંક
પોરબંદર સહિત ગુજરાતભરમાં માછીમારો માટે 2 મહિનાના વેકેશેન બાદ 1 ઓગસ્ટના રોજ નવી સિઝનની શરૂઆત થવા જઈ રહી છે, પરંતુ સિઝન શરૂ થાય તે પહેલા જ રાજ્યના ફીશીરીઝ વિભાગ દ્વાર પરિપત્ર કરી માછીમારોને દરીયો ન ખેડવા માટે સુચના આપવામાં આવી છે. ફીશરીઝ વિભાગ દ્વારા તમામ નાની-મોટી બોટ માલિકોને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે કે વડી કચેરી ગાંધીનગરની ટેલીફોનીક સૂચના તથા ભારતીય હવામાન વિભાગ અમદાવાદના બુલેટીન મુજબ તા.31/07/2023 થી તા.04/08/2023 સુધી દરીયો તોફાની બનવાની તથા વધારે વરસાદની સાથે ચક્રવાતની સંભાવના પગલે 31 જુલાઈથી 04 ઓગસ્ટ સુધી ફીશીંગ બોટોને માછીમારી માટે ટોકન આપવામાં નહીં આવે.
ઉલ્લેખનીય છે કે પોરબંદર સહિત રાજ્યભરના માછીમારો માટે છેલ્લા કેટલાક વર્ષોથી કુદરતી આપત્તિ, ડીઝલના ઉંચા ભાવો તેમજ દરીયામાં માછલીનો જથ્થો પુરતા પ્રમાણમા નહીં મળતા 80 ટકા જેટલી બોટો મંદીના કારણે બંધ પડી હતી. ત્યારે આ વખતે નવી આશા સાથે માછીમારો દ્વારા દરિયો ખેડવા તૈયારીઓ શરુ કરી હતી. પરંતુ ફીશીરીઝ વિભાગના પરિપત્રના કારણે સિઝન શરૂ થાય તે પહેલા જ તમામ બોટને ટોકન ઈશ્યું ન કરવાની સુચના આપવામાં આવતા માછીમારોમાં નિરાશા જોવા મળી રહી છે.