વડોદરા27 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીમાં આજે સિન્ડિકેટની બેઠક મળી હતી. સિન્ડિકેટની બેઠક પહેલા હંગામી કર્મચારી કર્મચારીઓએ આઉટસોર્સિંગના વિરોધમાં દેખાવો કર્યાં હતા અને જો આઉટસોર્સિંગનું ટેન્ડર મંજુર કરાશે તો યુનિવર્સિટી જડબેસલાક બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આ ઉપરાંત વિદ્યાર્થી સંગઠનોએ વિદ્યાર્થી સંઘની ચૂંટણી જાહેર કરવાની ઉગ્ર માંગ કરી હતી અને ભારે સૂત્રોચ્ચારો કર્યાં હતા.
સરકાર કે યુનિવર્સિટીના પેટનું પાણી હલતુ નથી
ગુજરાત રાજ્ય પછાતવર્ગ-બક્ષીપંચ કર્મચારી મંડળના પ્રમુખ ઠાકોર સોલંકીએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં 25 કરતા વધુ સમયથી હંગામી કર્મચારીઓ કામ કરે છે. એ લોકોને કાયમી કરવાની માંગણીનું આંદોલન સતત ચાલી રહ્યું છે. જેમાં વિવિધ સંગઠનો જોડાયા છે અને જેના માટે મહાસંઘ બનાવવામાં આવ્યું છે, પરંતુ, સરકાર કે યુનિવર્સિટીના પેટનું પાણી હલતુ નથી.
યુનિવર્સિટી જડબેસલાક બંધ કરીશું
આઉટ સોર્સિંગનું ટેન્ડર આજે ખોલવાની વાત હતી. લગભગ ખૂલી પણ ગયું હશે અને સિન્ડિકેટની બેઠકમાં મંજૂર કરવામાં આવનાર છે, જેનો અમે આજે વિરોધ કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં જો આ ટેન્ડર ખુલશે અને તેને પાસ કરવામાં આવશે તો યુનિવર્સિટી જડબેસલાક બંધ કરી દેવામાં આવશે. એવો અમારો મક્કમ નિર્ધાર છે.
વિદ્યાર્થી સંઘની ચૂંટણી જાહેર કરવા માગ
વિદ્યાર્થી નેતા પંકજ જયસ્વાલ જણાવ્યું હતું કે, આજે વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ મળીને આજે સિન્ડિકેટમાં બેઠકમાં રજૂઆત કરી છે કે, યુનિવર્સિટીની ઓળખ છે એવી વિદ્યાર્થી સંઘની ચૂંટણીની જાહેરાત કરવામાં આવે. છેલ્લા 3 વર્ષથી ચૂંટણી યોજાઇ નથી. જેથી જલ્દી જ ચૂંટણી નહીં જાહેર થાય તો અમે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
.