ભુજ10 મિનિટ પહેલા
- કૉપી લિંક
અરબ સાગરમાં સર્જાયેલા ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યુ છે. હાલ ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 290 કિલોમીટર, જ્યારે જખૌ પોર્ટથી 340 કિલોમીટર દૂર છે. વાવાઝોડું હાલ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 15 જૂને વાવાઝોડું ત્રાટકી શકે છે. ત્યારે ગુજરાતના દરિયાકાંઠાના તમામ જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ બન્યું છે. હવામાન વિભાગે 15 અને 16 જૂનના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા માટે વરસાદને લઈ રેડ એલર્ટ જાહેર કર્યું છે, ત્યારે આજે સૌરાષ્ટ્રમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. ઓખાના દરિયામાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે, ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે ગઈકાલે દીવાલ ધરાશાયી થતા બે બાળકોના મોત નિપજ્યા હતા. જ્યારે એક વ્યકિત ઈજાગ્રસ્ત બની છે.
15 જૂનની સાંજે વાવાઝોડું જખૌ પાસેથી પસાર થશે
‘બિપોરજોય’ વાવાઝોડું જખૌથી 340 કીમી દૂર છે. આગામી તારીખ 15 જૂનની સાંજના જખૌ પાસેથી વાવાઝોડું પસાર થાય તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ત્યારે કચ્છ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ શરૂ થઈ ગયો છે. વાવઝોડાંની શક્યતાને પગલે કચ્છનું વહીવટી તંત્ર ખડેપગે છે. ભુજમાં પણ હાલ ધીમી ધારે વરસાદ શરૂ થતા માર્ગો ભીના થયા હતા. જ્યારે દયાપર સહિત લખપત તાલુકામાં ઝરમર વરસાદ વરસ્યો હતો. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા આજે કચ્છ જિલ્લાની મુલાકાત લેવા છે.
વન વિભાગનો સ્ટાફ એલર્ટ મોડમાં
સિંહોની સલામતી માટે વન વિભાગનો સ્ટાફ હાઈએલર્ટ પર છે. ‘બિપરજોય’ વાવાઝોડાંને લઇ વન વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે. 21 જેટલા કંટ્રોલરૂમ શરૂ કરાયા છે. ડીએફઓ, આરએફઓ સહિત 500 જેટલા વનકર્મીઓ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમરેલી, જાફરાબાદ, રાજુલા, જસાધાર તુલસીશ્યામમાં સિંહો પર વન વિભાગની નજર છે. પોરબંદર, માધવપુર સહિતના દરિયાઈ પટી વિસ્તારમાં સિંહોનો વસવાટ છે. સિંહોના વસવાટ વાળા વિસ્તારમાં વન વિભાગની ટીમોનું સતત પેટ્રોલિંગ શરૂ છે. લાયન એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહન, વેટરનરી ટીમ સાથે વન વિભાગ ખડે પગે છે.
છેલ્લા 7 દિવસમાં ગુજરાતમાં ‘બિપરજોય’ની ગતિ
તારીખ- 7 જૂન
દ્વારકાથી આશરે 1200 કિમી દૂર હતું, અરબી સમુદ્રમાં વાવાઝોડાની ગતિ તે સમયે 40 કિ.મી પ્રતિકલાક હતી
તારીખ- 8 જૂન
- ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 965 કિલોમીટર દૂર હતું
તારીખ-9 જૂન
- ‘બિપરજોય’ વાવાઝોડું પોરબંદરથી 830 કિલોમીટર દૂર હતું
તારીખ-10 જૂન
- વાવાઝોડું દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 580 કિલોમીટર દૂર હતું
તારીખ-11 જૂન
- વાવાઝોડું પોરબંદરથી 400 કિલોમીટર દૂર હતું, જ્યારે દ્વારકાથી 440 કિલોમીટર દૂર હતું
તારીખ-12 જૂન
- વાવાઝોડું પોરબંદરથી 310 કિલોમીટર દૂર છે, જ્યારે દ્વારકાથી 340 કિલોમીટર દૂર છે
તારીખ-13 જૂન
- વાવાઝોડું હાલ પોરબંદરથી 290 કિલોમીટર દૂર છે, જ્યારે જખૌથી 340 કિલોમીટર દૂર છે
બિપરજોયનું અત્યંત ગંભીરરૂપ
25 વર્ષ પછી ગુજરાતના દરિયા કિનારે જૂનમાં ચક્રવાતનું સંકટ આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જારી કરાયેલી આગાહી મુજબ બિપરજોય ગંભીર અથવા ઉચ્ચ શ્રેણીનું માત્ર પાંચમું ચક્રવાત છે. ડેટા સૂચવે છે કે 58 વર્ષમાં જૂનમાં અરબી સમુદ્રમાં વિકસિત થનારું બિપરજોય એકમાત્ર ત્રીજું અત્યંત ગંભીર ચક્રવાત છે.
આઇએમડી મુજબ,1891થી ગંભીર કેટેગરીના માત્ર પાંચ ચક્રવાત (પવનની ગતિ 89 – 117 કિલોમીટર /કલાક) જૂનમાં ગુજરાતમાં લેન્ડફોલ થયા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ 1900 પછીના છે. આ ગંભીર અથવા વધુ તીવ્રતાવાળા ચક્રવાત 1920, 1961, 1964, 1996 અને 1998 દરમિયાન આવ્યાં હતા. આઇએમડીના ડેટામાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા 132 વર્ષ દરમિયાન અરબી સમુદ્રમાં સર્જાયેલા 16 ડિપ્રેશન અને ચક્રવાતો ગુજરાતમાં પહોંચ્યા છે.
આઇએમડીના જણાવ્યા અનુસાર ડિપ્રેશન જૂનમાં ગંભીર ચક્રવાત અથવા તેનાથી વધુ તીવ્ર બનવાની સંભાવના લગભગ 35 ટકા છે. તે પણ સમગ્ર દેશમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રને એકસાથે મુકવામાં આવે છે. આ જ કારણ છે કે, અગાઉ માત્ર બે જ ચક્રવાતો આવ્યા હતા – 1977 અને 1998માં. જે અત્યંત ગંભીર શ્રેણીમાં તીવ્ર બન્યા હતા અને બિપરજોય આ યાદીમાં સામેલ છે.
નવસારી જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા નવસારીના સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાતમાં સંભવીત બીપોરજોય વાવાઝોડાને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં સરકારી મશીનરી કામ કરી રહી છે તેની ચકાસણી કરી હતી તેમજ ભાજપ સંગઠનના કાર્યકરો પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં જઈને લોકોની મદદ કરે તે માટે આહવાહન કર્યું હતું.
ભુજમાં ભારે પવનના કારણે દીવાલ પડતા પિતરાઈ ભાઈ-બહેનના મોત
ગત સાંજે ભુજના લખુરાઈ ચાર રસ્તા રહેણાક વિસ્તારમાં વંટોળિયા ના કારણે પસાર થતાં બે પિતરાઈ ભાઈ બહેનના ઈંટોની દીવાલ તળે દબાઈ જવાથી કરુણ મોત નીપજ્યા હતા. હતભાગી ચાર વર્ષીય મોહમ્મદ ઇકબાલ કુંભાર અને તેની છ વર્ષીય પિતરાઈ બહેન શહેનાઝ ફિરોજ કુંભાર દસ ફૂટ દૂર રહેલા ઘર તરફ જતા હતા ત્યારે ખાલી પ્લોટની બાઉન્ડ્રી વોલ પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે પવન સાથે વંટોળિયો સર્જાતાં દીવાલ પાસે ઊભા રહી ગયા હતા તે જ વેળાએ દીવાલ ધરાશાઈ થતા બંને બાળકો અને બત્રીસ વર્ષીય રોષનબેન કુંભાર ઈંટની દીવાલ તળે દબાઈ ગયા હતા , જેમને સારવાર માટે ખાનગી વાહન મારફતે જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બન્ને બાળકોનાં સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યા હતા જ્યારે મહિલાને ઇજા પહોંચતા હાલ સારવાર હેઠળ દાખલ છે. આકસ્મિક બનાવથી વિસ્તારમાં ગમગીની પ્રસરી જવા પામી હતી એવું લખુરાઇ વિસ્તાર ના પ્રમુખ ઈશા જૂમાં કુંભારે જણાવ્યું હતું.
માંગરોળમાં મકાન ધરાશાયી થતા બાળકી સહિત ત્રણ ઘાયલ
‘બિપરજોય’ વાવાઝોડાની અસરના પગલે દરિયાકાંઠામાં પવનની ગતિમાં વધારો થયો છે. ત્યારે ગઈકાલે પણ માંગરોળમાં ભારે પવન અને વરસાદના કારણે એક મકાન ધરાશાયી થતા એક બાળકી સહિત ત્રણ લોકો દટાયા હતા. સ્થાનિકો દ્વારા ત્રણેયને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. બે લોકોને ગંભીર ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.
કચ્છમાં તેમજ જામનગરમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે તેમજ કોટેશ્વર-નારાયણ સરોવર મંદિર તારીખ 13થી 15 સુધી બંધ કરવામાં આવ્યું છે. દરરોજ લાખો ટન કાર્ગો પરિવહન કરતું દેશનું સૌથી મોટું કંડલા પોર્ટ સૂમસામ બન્યું છે. હાલ વાવાઝોડાને લઇને કેન્દ્ર સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે. PM મોદીએ સમીક્ષા બેઠક કરી. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ આગામી 4 દિવસ સુધી દ્વારકા ન આવવા અપીલ કરી છે. પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો હતો. બીજી તરફ દ્વારકા, જામનગર અને કચ્છનાં તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે, જ્યારે પોરબંદરમાં નવ નંબરનું અતિભયસૂચક સિગ્નલ લગાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબંધિત મંત્રીઓને દરિયાકાંઠાના અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોંપી છે. કચ્છમાં વાવાઝોડાની આગાહીના પગલે પોર્ટ પરની કામગીરી બંધ કરી દેવામાં આવી છે, જેના કારણે પોર્ટ પર માલ ભરવા અને ઉતારવા માટે આવેલા ટ્રકચાલકો ફસાયા છે. હાલ ગાંધીધામમાં મોટી સંખ્યામાં ટ્રકોનાં પૈડાં થંભી ગયાં છે.
સલામતીને ધ્યાને રાખી પોર્ટ બંધ કરવાનો નિર્ણય
દરરોજ લાખો ટન કાર્ગો પરિવહન કરતું દેશનું સૌથી મોટું કંડલા પોર્ટ સૂમસામ બન્યું છે. કચ્છના કંડલા પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને તમામ એક્ટિવિટી બંધ કરી કાર્ગો હેન્ડલિંગ બંધ કરી દેવામાં આવ્યું છે. શિપની મૂવમેન્ટ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે જહાજ બધાં ખાલી કરી દેવાયાં છે. અંદાજે કંડલા પોર્ટ પરથી રોજ 30થી વધુ શિપની અવરજવર થતી, જે સંપૂર્ણ બંધ કરી દેવામાં આવી છે. જ્યારે આ તરફ અમરેલીના પીપાવાવ પોર્ટમાં પણ સલામતીને ધ્યાનમાં રાખી પોર્ટ બંધ કરી દેવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે સેફટી પ્રિકોશનના કારણે જેટી પણ બાંધી દેવા તેમજ પૂરતા સ્ટાફને સલામત રીતે હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
મુખ્યમંત્રીએ વાવાઝોડાની સ્થિતિની સમીક્ષા કરી
રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાના તોળાઇ રહેલા સંભવિત સંકટને પગલે સર્જાયેલી પરિસ્થિતિનો કયાસ કાઢવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરમાં સોમવારે સાંજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. દરિયાકાંઠા વિસ્તારોમાં વરસાદ, તીવ્ર ગતિએ પવન ફૂંકાવો તથા વાતાવરણમાં આવેલા બદલાવની સ્થિતિની સમીક્ષા તેમણે ઉચ્ચસ્તરીય બેઠકમાં કરી હતી.
દરિયાકાંઠાના વિસ્તારોમાં આવેલા 8 જિલ્લાઓના 25 તાલુકાઓના સમુદ્રથી 0થી પાંચ કિલોમીટર અને પાંચથી 10 કિલોમીટરમાં વસેલા 441 ગામોની અંદાજે 16 લાખ 76 હજાર જનસંખ્યાને આ વાવાઝોડાને પરિણામે સંભવિત વરસાદ, તીવ્ર પવન, દરિયાઈ મોજાંની સ્થિતિનો સામનો કરવો પડે તેમ છે. તેની વિસ્તૃત વિગતો મેળવી હતી. સુરક્ષા અને સલામતીના પગલાના ભાગરૂપે અત્યાર સુધી કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 6827 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ આઠ જિલ્લાઓમાં 6041 અગરિયા ભાઈબહેનો વસવાટ કરે છે, તેમાંથી 3243 અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
આ પણ વાંચો- રાજકોટમાં બિપરજોય ઇફેક્ટ જોવા મળી: ભારે પવન સાથે વરસાદ વરસ્યો, કંડલા પોર્ટને બંધ કરાયુંશીલ બંદરના કાંઠે દરિયામાં જોરદાર કરંટ માંગરોળ તાલુકાના શીલ બંદરના કાંઠે દરિયામાં જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રએ કહેવા છતાં કાંઠે વસતા સ્થાનિકોએ સ્થળાંતર કર્યું નથી. 700થી વધુ લોકો અહીં વસવાટ કરે છે.
જામનગરમાં ત્રણ દિવસ શાળા-કોલેજમાં રજા
વાવાઝોડાને કારણે તકેદારીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામનગર શહેર જિલ્લામાં આગામી તારીખ 13,14, 15 એમ ત્રણ દિવસ સુધી તમામ શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા કલેક્ટરે આદેશ કર્યો છે. વાવાઝોડાની શક્યતાને પગલે જામનગર અને અમરેલી જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. જામનગર શહેરમાં હળવો વરસાદની સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે તેમજ અમરેલી જિલ્લાના ધારી અને ખાંભા પંથકના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે. ધારીના જીરા, ડાભાળી, માધુપુર, સરસિયા તેમજ ગીર જંગલ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
તિથલ બીચને ખાલી કરાયો
વલસાડ જિલ્લાના તિથલ બીચ સહિતના વિસ્તારોમાં પવનની ગતિ વધી રહી છે. જિલ્લાનું વહીવટી તંત્ર તમામ ગતિવિધિઓ પર બાજનજર રાખી રહ્યું છે. ત્યારે લારી સંચાલકોને કોઈ નુકસાની ન થાય તેની તકેદારીના ભાગ રૂપે તિથલ બીચને હાલ ખાલી કરાવાયો છે. જિલ્લા પોલીસવડાએ આજે તિથલ બીચ પર કરેલા નિરીક્ષણ બાદ ગ્રામજનોને પોતાની લારીઓ તેમજ ખાણીપીણીના સ્ટોલને તાત્કાલિક અસરથી હટાવી લેવા માટે આદેશ કરતાં જ ગામ લોકો તિથલ કિનારા પર આવી બીચ પર બાંધેલા પોતાના સ્ટોલ તેમજ લારીઓ હટાવ્યાં હતાં.
કચ્છના કોટેશ્વર- નારાયણસરોવર મંદિર બંધ
સંભવિત વાવાઝોડાંને લઈ કચ્છના કોટેશ્વર- નારાયણ સરોવર મંદિર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. લોકોની સલામતી માટે જિલ્લા કલેક્ટર દ્વારા આગામી તા.13 થી 15 સુધી મંદિર બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. મંદિર દરિયાઈ વિસ્તાર નજીક હોય નિર્ણય લેવાયો છે. આ ઉપરાંત કચ્છનું સ્મૃતિવન ત્રણ દિવસ માટે બંધ રાખવામાં આવ્યું છે. આગામી તારીખ 13 જૂનથી 15 જૂન સુધી સ્મૃતિવન બંધ રાખવામાં આવ્યું છે.
પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો
પોરબંદરના કુછડી ગામે દરિયાનો પાળો તૂટ્યો હતો. દરિયાકિનારે આવેલી રેતીનો કાચો પાળો તૂટ્યો હતો. વધુ પવન સાથે દરિયાઇ મોજાં આવે તો ગામને ખતરો છે તેમજ ગામમાં દરિયાનું પાણી ઘૂસી શકે છે. દરિયામાં હાલપૂરતો પવન ઓછો થયો છે. વાવઝોડું હાલ પોરબંદરથી 320 કિલોમીટર દૂર છે તેમજ પોરબંદર પોર્ટ પર ભયસૂચક 9 નંબરનું સિગ્નલ લગાવાયું છે.
પોરબંદરની શાળામાં ત્રણ દિવસની રજા જાહેર
પોરબંદર જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વાવાઝોડાંની આગાહી સંદર્ભે ત્રણ દિવસની રજા જાહેર કરવામાં આવી છે. પૂર્વ તકેદારી અને જાનહાની ન થાય તે માટે વિદ્યાર્થીઓ માટે આ રજા જાહેર કરવામાં આવી છે. તારીખ 13,14 અને 15 જૂનના રોજ શાળાઓમાં રજા જાહેર કરાય છે, પરંતુ શાળાના શિક્ષકો આચાર્ય એ શાળામાં ફરજ બજાવવાની રહેશે.
સોલાર પેનલને લઈ લોકોમાં ચિંતા
કચ્છના શહેરી વિસ્તારોમાં ઘરોમાં લાગેલી સોલાર પેનલને લઈ લોકોમાં ચિંતા સતાવી રહી છે. ભગવાન ભરોસે પેનલ યથાવત્ રાખવા લોકો હાલ મજબૂર બન્યા છે. સોલાર પેનલ ઉતારવા લોકો માંગ્યા ભાવ આપવા તૈયાર છે, પરંતુ કારીગરોના અભાવથી વપરાશકર્તાઓ ચિંતામાં મુકાયા છે. એક કારીગર પાસે અત્યારે 6 થી 7 ઓર્ડર છે. જે મોડી રાત સુધી કામગીરી ચલાવી રહ્યા છે.
16 જૂન સુધી યાત્રાળુઓ દ્વારકાનો પ્રવાસ ન કરેઃ હર્ષ સંઘવી
દ્વારકા જિલ્લાની જવાબદારી ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને સોપવામાં આવી છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી દ્વારકા પહોંચ્યા હતા. જ્યાં તેઓએ દ્વારકાધીશનાં દર્શન કર્યા હતા. જે બાદ તેઓએ ભક્તોને 16મી જૂન સુધી દ્વારકા ન આવવા અપીલ કરી હતી. તેમજ તેઓએ જણાવ્યું કે, હાલ દરિયા કિનારાથી પાંચ કિલોમીટરના અંતરે આવેલાં 38 ગામડાઓ અને દરિયા કિનારાથી 10 કિલોમીટરના અંતરે આવેલાં 44 ગામડાઓમાં રૂબરૂ જઇ રાત સુધીમાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભાવનગરમાં દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો
ભાવનગરના ઘોઘા બંદરે 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. હાલ દરિયા કિનારે ‘બિપરજોય’ વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભાવનગરના દરિયા પર 5 થી 6 ફૂટ ઊંચાં મોજાં ઊછળી રહ્યાં છે. વાવાઝોડાની અસરથી 30 થી 35ની ગતિથી પવન ફુકાવાની શરૂઆત થઈ ચૂકી છે. દરિયામાં ભારે કરંટ જોવા મળતા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. ભાવનગરના દરિયાકાંઠે આવેલાં ઘોઘા અને કોળિયાક ગામોમાં સરકારી શાળાઓમાં લોકોને રહેવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
કચ્છમાં બચાવ કામગીરી માટે 4 ટીમ ફાળવાઈ
સંભવિત વાવાઝોડાને લઈને કચ્છને બચાવ કામગીરી માટે 4 ટીમ ફાળવવામાં આવી છે. કચ્છમાં 2 SDRF અને 2 NDRFની ટીમ ફાળવાઇ છે. SDRFની એક અને NDRFની એક ટીમ નલિયા ખાતે તહેનાત કરાઈ છે, જ્યારે NDRFની એક ટીમ માંડવી ખાતે તહેનાત કરાઈ છે. SDRFની 25 લોકોની એક ટીમ આજે સવારે ભુજ આવી પહોંચી છે. ભુજમાં SDRFની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. SDRF અને NDRFની ટીમ દ્વારા દરિયાઈ વિસ્તારમાં મુલાકાત લેવામાં આવી રહી છે. આ ઉપરાંત કચ્છમાં પ્રાથમિક, માધ્યમિક શાળાઓમાં અને કોલેજોમાં ત્રણ દિવસની રજા જાહેર કરાઈ છે.
કચ્છના તમામ બંદર પર 10 નંબરનું સિગ્નલ
નલિયાના પિંગ્લેશ્વર દરિયાકિનારે સમુદ્રી પાણી મર્યાદા ઓળંગી બહાર ધકેલાયું હતું. નલિયા મરીન કમાન્ડો ટાસ્કફોર્સ આસપાસના કાંઠાળપટ્ટીના લોકોની મદદ માટે સાધનસામગ્રી સાથે સજ્જ બની છે. નલિયાના જખૌ બંદર પર SDRFની ટીમે સમીક્ષા કરી હતી તેમજ નલિયા ખાતે લાગેલાં મોટા ભાગનાં બોર્ડ દૂર કરાયાં છે. કચ્છના મુન્દ્રા, કંડલા, માંડવી અને જખૌ પોર્ટ પર 10 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હાલ કચ્છના કાંઠાળ વિસ્તારમાં 40થી 50ની ગતિથી પવન ફૂંકાઈ રહ્યો છે. આજે કચ્છમાં દરિયાકિનારાના વિસ્તારમાં સાવચેતીના ભાગરૂપે વહીવટીતંત્ર દ્વારા કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
જામનગરના દરિયાકાંઠે અવર-જવર કરવા પર પ્રતિબંધ
જામનગર જિલ્લાના દરિયાકિનારાના વિસ્તારમાં ભારે વરસાદી ચક્રવાત, હાઈટાઈડ ભરતીના મોજાથી જાન- માલને નુકસાન થતું અટકાવવા, આગમચેતીના પગલાંરૂપે જિલ્લાના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં કોઈપણ વ્યક્તિઓએ અવર- જવર કરવા પર અને ત્યાં પશુઓને લઈ જવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ બી. એન. ખેર દ્વારા પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. આગામી તા. 16 જૂનના સવારના 06:00 કલાક સુધી આ હુકમ અમલમાં રહેશે. વાવાઝોડાંના સંભવિત ખતરાને પગલે આજે જામનગરમાં NDRFની એક ટીમ આવી પહોંચી છે. ત્યારે હજુ વધુ એક એનડીઆરએફની ટીમ જામનગર આવશે તેમજ SDRFની બે ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વાવાઝોડાંને પગલે જામનગરના બંદર પર 10 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જે અતિભયાનક વાવાઝોડાંની ચેતવણી આપે છે. તો બીજી તરફ પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાએ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને તૈયારીઓ તેમજ કામગીરી અંગે સમીક્ષા કરી હતી. જિલ્લામાં જાન માલનું ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ મોરચે વ્યાપક પગલાઓ લેવાઈ રહ્યા છે. સાવચેતી અને સલામતીના ભાગરૂપે તાલુકાવાર લાયઝન ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે.
પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ
પોરબંદર પોર્ટ પર ભયાનક 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સિગ્નલ બંદર વિસ્તાર તરફ વાવાઝોડું આવતું હોવાનું સૂચવે છે, પોરબંદર જિલ્લામાં લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. ‘બિપરજોય’ વાવાઝોડાંને પગલે ગઈકાલે પોરબંદરના વાતવરણમાં પલટો આવ્યો હતો. જે બાદ થોડીવાર માટે વરસાદી ઝાપટાં પડ્યાં હતાં. NDRFની એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાના પગલે પોરબંદરનો દરિયો તોફાની બન્યો છે. ચોપાટી નજીક દરિયામાં ઉંચા મોજાં ઊછળતાં જોવા મળ્યાં હતાં. પોલીસ દ્વારા સાવચેતીના ભાગરૂપે સ્થાનિકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. વાવાઝોડું પોરબંદરથી હાલ 340 કિલોમીટર દૂર છે.
લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી શરૂ
વાવાઝોડાંના પગલે માંડવી અને અબડાસાના કાંઠાળ પટ્ટીના 67 ગામોના 8300 લોકોને શેલ્ટર હોમ ખાતે સ્થાનાંતર કરવાની તૈયારી હાલ તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી રહી છે. ત્યારે આશ્રિત લોકો માટે માંડવી તાલુકાના મેરાઉ ગામે 2000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં સેવ બૂંદી અને ગાંઠિયાનો નાસ્તો પેક કરી મામતદાર કચેરી ખાતે આપવામાં આવશે. ગામનાં કાંતિલાલ રાજગોર દ્વારા વિનામૂલ્યે વાનગી બનાવી દેવામાં આવી હોવાનું કરછ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના સંચાલક અરવિંદ જોશીએ કહ્યું હતું.
ગુજરાતમાં વાવાઝોડાંની સ્થિતિનું PMOથી નિરીક્ષણ
બિપોરજોય વાવાઝોડું ત્રાટક્વાની સંભાવનાને પગલે વડાપ્રધાન કાર્યાલય (PMO) પણ સક્રિય બન્યું છે. એક અહેવાલ અનુસાર કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે કચ્છ જિલ્લામાં આવે તેવી સંભાવના છે. વાવાઝોડાંથી કચ્છના કાંઠાળ વિસ્તારોને ખતરો છે ત્યારે માંડવિયા કચ્છ પહોંચીને તંત્ર દ્વારા કરાયેલી સ્થિતિની સમીક્ષા કરશે તેમ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વાવાઝોડાંનો ખતરો જોવા મળી રહ્યો છે. 7 જૂનના રોજ વાવાઝોડું બિપરજોય દ્વારકાથી આશરે 1200 કિલોમીટર દૂર હતું. જે હવે ધીમે ધીમે આગળ વધી રહ્યુ છે. ત્યારે આજે હાલ આ વાવાઝોડું દ્વારકાથી 400 કિલોમીટર જ્યારે પોરબંદરથી માત્ર 360 કિલોમીટર દૂર છે. વાવાઝોડાને પગલે વહિવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયુ છે. દરિયાકાંઠાના તમામ ગામડાઓમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે પણ દરિયામાં ભારે તોફાન જોવા મળ્યું હતું. ખાસ કરીને હર્ષદ અને માંગરોળના દરિયા કિનારે ભારે કરંટ જોવા મળ્યો હતો. હર્ષદમાં તો દરિયાના પાણી ભરબજારમાં પહોંચી ગયા હતા. જ્યારે માંગરોળમાં પણ દરિયાકાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર આવ્યાં હતા.
વિવિધ મંત્રીઓને અલગ-અલગ જિલ્લાની જવાબદારી સોપાઈ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અલગ અલગ મંત્રીઓને દરિયાકિનારાના જિલ્લાઓની જવાબદારી સોંપી છે. જેમાં કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મૂળુભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લામાં જગદીશ વિશ્વકર્મા, ગીર સોમનાથ જિલ્લામાં પુરુષોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે.
બિપરજોય વાવાઝોડાંને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અલગ અલગ મંત્રીને સોંપેલા જિલ્લાઓમાં રાત્રે જ પહોંચી જવા આદેશ આપ્યો હતો. જેને લઇને ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ અને કનુ દેસાઇ મોડી રાત્રે રાજકોટ આવી પહોંચ્યા હતા. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તમામ પ્રકારની તૈયારી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા હાઇલેવલ બેઠક કરવામાં આવી છે.
માંગરોળના દરિયાકાંઠે પથ્થરો ઉછળીને બહાર આવ્યા
સંભવિત વાવાઝોડા પહેલા રવિવારે જૂનાગઢ જિલ્લાના માંગરોળના દરિયાનું રોદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. દરિયામાં 15 ફૂટ ઊંચા મોજા ઉછળતા દેખાયા હતા. દરિયામાં તોફાની મોજાના કારણે કાંઠા પરના પથ્થરો ઉછળીને બહાર આવ્યા હતા. કિનારા પર માછીમારોના દંગાઓમાં પાણી ફરી વળ્યા હતા. માંગરોળના શેરીયાજ બારા ગામમાં પણ દરિયાના પાણી ઘૂસ્યા હતા. દરિયાકાંઠે રહેતા લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જૂનાગઢ જિલ્લામાં વાવાઝોડા અને ભારે વરસાદની આગાહીના પગલે તંત્ર દ્વારા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં 12 અને 13 જૂન એમ બે દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જો કે, આ રજાઓ દરમિયાન શાળાના આચાર્ય અને સ્ટાફે હાજર રહેવાનું રહેશે.
ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ
વાવાઝોડાંની શક્યતાને પગલે હવામાન વિભાગે આગામી 15 અને 16 જૂને પવનની ગતિ અને વરસાદને જોતા ત્રણ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. જેમાં કચ્છ, જામનગર અને દ્વારકા જિલ્લાને રેડ એલર્ટ જાહેર કર્યા છે. આ ત્રણ જિલ્લામાં 125 થી135 કિલોમીટરની સ્પીડે ભારે પવન ફૂંકાશે તેમજ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
દ્વારકાની શાળાઓમાં બે દિવસની રજા જાહેર
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાંના કારણે તારાજી ન સર્જાય તે માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. આ સાથે જિલ્લાના શિક્ષણ તંત્ર દ્વારા સંભવિત વાવાઝોડાંની ગંભીર પરિસ્થિતિને ધ્યાને લઈને સોમવાર તારીખ 12 તથા મંગળવાર તારીખ 13 સુધી જિલ્લાની તમામ શાળાઓ વિદ્યાર્થીઓ માટે બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. જોકે, શિક્ષકોએ શાળામાં ફરજિયાત પણે હાજર રહેવાનું જણાવાયું છે. દ્વારકાની જવાબદારી ગૃહમંત્રી હર્ષ સંઘવીને સોંપાઈ છે.
જામનગરનું તંત્ર સજ્જ
જામનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે, તેમજ વાવાઝોડાની થોડી અસરો જોવા મળી રહી છે. ‘બિપરજોય’ વાવાઝોડાની સંભાવનાને લઈને જામનગરનાં બંદરો પર 9 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાડવામાં આવ્યું છે. જામનગરમાં ડિસ્ટ્રિક્ટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. તેમજ વાવાઝોડાંની સિસ્ટમ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. હાલ વહીવટી તંત્ર સંભવિત વાવાઝોડાને લઈને એલર્ટ મોડમાં જોવા મળ્યું છે. જામનગર મનપા દ્વારા શહેરના રસ્તાઓ પર જોખમી હોર્ડિગ્ઝ અને ક્રિઓસ્ક દૂર કર્યા હતા. સંભવિત વાવાઝોડાંના કારણે ભારે પવન આવતા જામનગરના લાલપુર તાલુકાના કાના શિકારી, નવાગામમાં ભારે નુકસાન થયું હતું. જેથી અસરગ્રસ્ત વિસ્તારનું સ્થળ ઉપર જઈ ધારાસભ્ય હેંમત ખવાએ નિરીક્ષણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, લાલપુર તાલુકાના 17 ગામોમાં 75 વીજ પોલ પડી ગયા હતા. જેથી અંધારપટ્ટ છવાયો હતો. જોકે, વિજતંત્ર દ્વારા તાત્કાલીક વીજ પુરવઠો ચાલુ કર્યો હતો.
દરિયા કિનારાના 6 જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયા કાંઠા વિસ્તારના જિલ્લાઓની સંભવિત વાવાઝોડા સામેની તૈયારીઓ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર સેક્ટર 19 ખાતેથી વીડિયો કોન્ફરન્સ યોજી હતી. રાજ્યમાં ‘બિપરજોય’ વાવાઝોડાની સંભવિત વ્યાપક અસરને અનુલક્ષીને દરિયા કિનારાના 6 જિલ્લાઓ દ્વારકા, પોરબંદર, કચ્છ, મોરબી, જામનગર અને જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ હાલ પૂરતો મોકૂફ રાખવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિર્ણય કર્યો છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ આ શાળા પ્રવેશોત્સવ હવે ત્રણને બદલે બે દિવસ એટલે કે 12 અને 13 જૂનના દિવસે યોજાશે. આજે સીએમની કચ્છ મુલાકાત પણ વાવાઝોડાની શક્યતાને પગલે રદ કરવામાં આવી છે. ખાવડાના કુરન ગામ ખાતે શાળા પ્રવેશ ઉત્સવમાં મુખ્યમંત્રી આવવાના હતા.
ભાવનગરના બીચ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ
‘બિપરજોય’ની આગાહીના પગલે કુડા, કોળિયાક, હાથબ અને ઘોઘાના બીચ પર લોકોની અવરજવર પર તંત્ર દ્રારા પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. દરિયાકાંઠા વિસ્તારમાં હાલ પવન ફૂંકાઈ રહ્યો છે. ત્યારે ભાવનગર પોલીસ દ્વારા દરિયાકાંઠા તરફ જતા રસ્તા પર બેરિકેટ મૂકી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તો ‘બિપરજોય’ વાવાઝોડાને લઈ કોળિયાક ગ્રામ પંચાયત દ્વારા બે સ્કૂલોમાં લોકોને સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. વાવાઝોડાને લઈ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના કે બનાવ ન બને તે માટે સાવધાની રાખવા તથા દરિયાકાંઠે જવાનું ટાળવા જે લોકોને સ્થળાંતર કરવાની જરૂર પડે તેઓ માટે આદર્શ પ્રાથમિક શાળા તથા કુમાર શાળામાં વ્યવસ્થા કરવામાં આવી છે, કોઈ અનિચ્છનીય ઘટના બને તો તુરંત જ કોળિયાક ગ્રામ પંચાયત કચેરીને જાણ કરવામાં આવે, તથા ઘોઘા ગામના લોકોએ દરિયા કિનારેથી દૂર રહેવું. તેમજ આજુબાજુ જર્જરિત મકાનની સાવચેતી રાખવા સ્થળાંતર જરૂર જણાય તો મચ્છીવાડા પ્રાથમિક શાળા તથા કેન્દ્રવતી પ્રાથમિક શાળા સ્થળાંતર કરવું. જ્યાં વ્યવસ્થા કરવામાં આવી છે. જરૂર જણાય તો ઘોઘા ગ્રામ પંચાયત તથા ઘોઘા મામલતદાર કચેરીનો સંપર્ક કરવા લોકોને સૂચના આપવામાં આવી રહી છે.
રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને સ્ટેન્ડબાય રખાયાં
‘બિપરજોય’ વાવઝોડું સૌરાષ્ટ્રના દરિયા કિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે. તમામ સરકારી અધિકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી સ્ટેન્ડબાય રહેવા આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે વધુ પડતી અસર થાય તો તેને પહોંચી વળવા માટે ખાસ કોસ્ટગાર્ડ દ્વારા રાજકોટ એરપોર્ટ ખાતે 2 હેલિકોપ્ટરને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યાં છે. જરૂર પડ્યે તેને જે તે સ્થળે મોકલવામાં આવશે.
કોસ્ટગાર્ડે જખૌ દરિયા વિસ્તારમાં વિશેષ સૂચના આપી
નલિયાના જખૌ દરિયા વિસ્તારમાં આજે કોસ્ટગાર્ડ દ્વારા ‘બિપરજોય’ વાવાઝોડાને લઇ વિશેષ સૂચના જાહેર કરવામાં આવી રહી છે. ભયનો અંદેશો દર્શાવતા દિશાસૂચક પણ બતાવવામાં આવી રહ્યાં છે. જોકે, મોટા ભાગના માછીમારો હાલ ઓફ સિઝનને લઇ પોતાના વતન પહોંચી ગયા છે. તંત્ર તમામ મોરચે સતર્ક બન્યું છે. વાગડના રાપર વિસ્તારમાં ગત મોડી રાત્રે ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ એક સ્થળે વીજળી પડતા ઝૂંપડું સળગી ઊઠ્યું હતું. રાપર તાલુકાના પ્રાથળ વિસ્તારમાં ભારે પવન અને કડાકા-ભડાકા સાથે વરસાદ થયો હતો. બાલાસરથી જાટાવાળા વચ્ચે અનેક વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થયાં હતાં. બાલાસરથી બેલાને જોડતો નેશનલ હાઇવે થોડાક કલાકો માટે બંધ પણ રહ્યો હતો. રાત્રે 10 વાગ્યે જખૌ પોર્ટ પર ‘બિપરજોય’ વાવાઝોડાને ધ્યાનમાં લેતા મોકડ્રિલ યોજવામાં આવી હતી. જેમાં જખૌ પોર્ટના PFSO વિનોદભાઈ જોષી દ્વારા પોર્ટ ઉપર આવેલા કર્મચારીઓ, સિક્યોરિટી તથા અન્ય સ્ટાફ ગણને ઈમર્જન્સી વખતે શું કરવું તથા વાવાઝોડા વખતે કયાં પ્રકારનાં પગલાં લેવા તે બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા.
શિયાળ બેટની બોટ સેવા બંધ
શિયાળ બેટ દરિયાઈ ટાપુ પર આવેલું છે અને દરિયાઈ માર્ગ હોવાને કારણે બોટ વ્યહાર ચાલતો હોય છે, જોકે, હાલ દરિયાની સ્થિતિ હાઈટાઇટ થતા બોટ વ્યવહાર બંધ કરાયો છે, જેથી શીયાળ બેટ ગામમાં અવર જવર બંધ થઈ છે.
રાજુલા માર્કેટીંગ યાર્ડ બંધ
રાજુલા માર્કેટીંગ યાર્ડ 11 જુનથી 14 જૂન સુધી બંધ રાખવામાં આવી છે. યાર્ડમાં વેચાણ માટે જણસી લાવતા દરેક ખેડૂતોને જાણ કરવામાં આવે છે કે નવી જાહેરાત ન થાય ત્યાં સુધી કોઈ પણ જણસી વેચાણ માટે લાવવી નહી.
ઈન્ડિયન કોસ્ટગાર્ડે માછીમારોને સાવચેત કર્યા
વાવાઝોડાની શક્યતાને પગલે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડે દરિયામાં માછીમારોને સાવચેત કર્યા છે તેમજ ઉત્તરપશ્ચિમ અને ગુજરાત, દમણ અને દીવના માછીમારોને જરૂરી સાવચેતી અને સલામતીનાં પગલાં લેવાની સલાહ આપવા માટે આઉટરીચ શરૂ કર્યું છે. ભારતીય કોસ્ટ ગાર્ડ એકમો જહાજો, એરક્રાફ્ટ અને રડાર સ્ટેશન દ્વારા સમુદ્રમાં જહાજોને નિયમિત સલાહ સૂચનો આપી રહ્યા છે. ભારતીય કોસ્ટ ગાર્ડની તમામ કોસ્ટ એસ્ટાબ્લિશમેન્ટ્સ ચક્રવાતને ધ્યાનમાં રાખીને પૂરતી સાવચેતી રાખવા એર ક્રાફટથી સૂચના આપવામાં આવી રહી છે. વાવાઝોડાંને લઇ વલસાડ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાનાં 28 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ મામલતદાર તેજલબેન પટેલે જણાવ્યું હતું કે સાવચેતીના ભાગરુપે 14 જૂન સુધી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે.
દરિયાકાંઠાનાં 42 ગામ પર સતત નજર
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાને લઈને અસર દેખાવા માંડી છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સાવધ રહેવા માટે સૂચન આપી દીધી છે. હાલ વહીવટીતંત્રને પણ એલર્ટ રાખ્યું છે. આ સાથે જ વહીવટી કચેરીઓના મુખ્ય અધિકારીઓને મુખ્ય મથક ન છોડવા સૂચના આપી દેવામાં આવી છે. દરિયાકાંઠાનાં 42 ગામ પર સતત નજર રાખી રહ્યા છીએ.
માંડવી બીચ 12 જૂન સુધી સદંતર બંધ કરાયો
અરબી સમુદ્રમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડુંની શક્યતાને પગલે માંડવી બીચને 9થી 12 તારીખ સુધી સદંતર બંધ કરાયો છે. દરિયાકિનારા પર ખાણીપીણી સહિતનો વેપાર કરતા લોકોને માલસામાન સાથે ત્યાંથી સ્થાનાંતર થવા તંત્રએ સૂચના આપી દીધી છે. આ ઉપરાંત કચ્છ વહીવટી તંત્ર દ્વારા જિલ્લાનાં તમામ નાનાં-મોટાં સાતેય બંદર પર બહાર લોકોની અવરજવર બંધ કરાવી છે. આગળની સૂચના ના મળે ત્યાં સુધી દરિયાકિનારા પર પ્રવેશ પ્રતિબંધ કરાયો છે.
વલસાડનો તિથલ બીચ સહેલાણી માટે બંધ, 28 ગામને એલર્ટ
વાવાઝોડાંને લઇ વલસાડ જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. વહીવટીતંત્ર દ્વારા શુક્રવાર વલસાડના તિથલને બીચ સહેલાણી માટે બંધ કરી દેવામાં આવ્યો છે. તિથલ બીચ પર આવેલી દુકાનો અને સ્ટોલ- સંચાલકોને એનો જરૂરી સામનો કાઢી લેવા માટે સૂચના આપવામાં આવી છે. બીચ પરથી સહેલાણીઓને દૂર કરવામાં આવ્યા છે અને તિથલ બીચ ઉપર પોલીસ- બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લાનાં 28 ગામને એલર્ટ આપવામાં આવ્યું છે. વલસાડ મામલતદાર તેજલબેન પટેલે જણાવ્યું હતું કે, સાવચેતીના ભાગરૂપે 14 જૂન સુધી બીચ સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવશે.
દમણમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
દમણના દરિયાકિનારે પણ 2 નંબરનું સિગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. શાળાઓમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને વાવાઝોડાની પરિસ્થિતિ દરમિયાન જરૂરી તકેદારી રાખવા અંગે જાણકારી આપી છે. વાવાઝોડાંમાં વધુ કરંટ જોવા મળે તો દરિયાકિનારાનાં ગામોમાં બનાવેલા સેલ્ટર હોમ પર પહોંચી જવા જાગૃતિ શાળાઓમાંથી શિક્ષકો દ્વારા સૂચના આપવામાં આવી રહી છે.
(અલંગથી મનીષ ડાભી, માંગરોળથી વનરાજ ચૌહાણ, માંડવીથી મયૂર ઠક્કર, જામનગરથી હિરેન હીરપરા, વલસાડથી ચેતન મહેતા, નવસારીથી હિતેષ સોનવણે, ભરૂચથી જિગર દવે, દ્વારકાથી સુભાષસિંહ, કંડલાથી નારણ મહેશ્વરી, ઉનાથી કિશન બાંભણિયા અને પોરબંદરથી અજય શિલુનો ગ્રાઉન્ડ રિપોર્ટ)