સુરેન્દ્રનગર11 મિનિટ પહેલા
- કૉપી લિંક
‘અમૃત ભારત સ્ટેશન’ યોજના હેઠળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે આજ રોજ દેશભરમાં વર્ચ્યુઅલ માધ્યમથી 508 જેટલા રેલવે સ્ટેશનોના પુનર્વિકાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.જે અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લાના સુરેન્દ્રનગર અને ધ્રાંગધ્રા સહિત ગુજરાતના કુલ 21 જેટલા સ્ટેશનો મુસાફરો માટે વધુ સુવિધાસભર બનાવવાના હેતુથી રીડેવલપ કરવામાં આવશે. વડાપ્રધાનના હસ્તે ઈ-લોકાર્પણ પ્રસંગે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન ખાતે પણ કેન્દ્રિય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાના અઘ્યક્ષસ્થાને તેમજ નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમા રેલ્વે સ્ટેશનના પુન: વિકાસનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
પ્રાસંગિક ઉદબોધન કરતા કેન્દ્રિય મંત્રી ડો.મહેન્દ્રભાઈ મુંજપરાએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશભરના 1309 રેલવે સ્ટેશનો પૈકી દેશના 508 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસિત કરવામાં આવી રહ્યા છે.જે આપણા માટે ગૌરવની વાત છે. આ સ્ટેશનોને રૂ.24,470 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે રિડેવલપ કરવામાં આવશે. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનને પણ રૂ. 35.13 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં આવશે.
મંત્રીએ સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનની સુવિધાઓ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે, આ રેલવે સ્ટેશન રિડેવલપ થશે અને પેસેન્જરોને મળતી હાલની સુવિધાઓમાં વધારો થશે. અમૃત ભારત સ્ટેશન યોજના અંતર્ગત રેલવે સ્ટેશનમાં બહેતર લાઇટિંગ, લિફ્ટ, પ્રવેશ અને નિકાસના અલગ અલગ દ્વાર,પરિભ્રમણ વિસ્તારો, પાર્કિંગની જગ્યાઓ, વિકલાંગો- પ્રેગનેન્ટ મહિલાઓ તેમજ બાળકોને અનુકૂળ આવે તેમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રીન એનર્જીનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ ઇમારતોનું નિર્માણ થશે. આ ઉપરાંત ‘વન સ્ટેશન, વન પ્રોડક્ટ’ના માધ્યમથી ઝાલાવાડની પ્રખ્યાત વસ્તુઓનું વેચાણ શક્ય બનશે.
હાલમાં થાનગઢ, લીંબડી, લખતર, હળવદ તાલુકાઓને અમૃત રેલવે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યા છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ રિડેવલપ થયેલ આ રેલવે સ્ટેશન સુરેન્દ્રનગર જિલ્લાના નાગરિકો માટે રેલવે મુસાફરી વધુ સુવિધાયુક્ત બનાવશે.લોકાર્પણ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે,અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 24 હજાર કરોડથી વધુના ખર્ચે 508 રેલવે સ્ટેશનોને રિડેવલપ કરવા રેલવે મુસાફરો અને નાગરિકોને વિશ્વસ્તરીય જાહેર પરિવહનની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની સરકારની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.
આ રેલવે સ્ટેશનના રીડેવલપ થવાથી યાત્રીકોને રેલવેની વધુ સારી સુવિધાઓ પ્રાપ્ત થશે. રેલ્વેની આંતર માળખાકીય સુવિધાઓમાં સતત કરાયેલા વધારા વિશે વાત કરતા નાયબ દંડકે દેશના રેલવે સ્ટેશનો એરપોર્ટ જેવી સુવિધાઓથી સજ્જ થયા છે.અને આ રીડેવલપમેન્ટના પરિણામે વધુ સ્ટેશનો આ પ્રકારની સુવિધાઓથી યુક્ત બનશે તેમ જણાવી યાત્રિકોને વધુમાં વધુ રેલવે સુવિધાઓનો લાભ લેવા જણાવ્યું હતુ.
સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન રીડેવલપ થયા બાદ વધુ સુવિધાઓથી સજ્જ થશે
અત્રે ઉલ્લેખનીય છે કે,અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ સુરેન્દ્રનગર સ્ટેશનને રૂ. લગભગ રૂ.35.13 કરોડના ખર્ચે રીડેવલપ કરવામાં થશે. રેલવે સ્ટેશન રીડેવલપમેન્ટ અંતર્ગત સ્ટેશન બિલ્ડિંગનો બાહ્ય દેખાવ વધુ આકર્ષક બનાવવો, એન્ટ્રી ગેટ સુધારવા તેમજ પોર્ટિકો કવર શેડ લગાવવા તેમજ સ્ટેશનના વેઇટિંગ રૂમમાં સુધારો કરવામા આવશે. આ ઉપરાંત સ્ટેશન પર મોડ્યુલર શૌચાલય બનાવવામા આવશે. પ્લેટફોર્મ પર વધારાના નવા કવર શેડ સ્થાપિત કરાશે. અને સ્ટેશન પર ટ્રેનના ઈંડિકેટર બોર્ડ લગાવવામાં આવશે તેમજ આ બોર્ડને ટ્રેન સંબંધિત માહિતી કોન્કોર્સ હોલ, પ્લેટફોર્મ અને વેઇટિંગ રૂમમાં પણ પ્રદર્શિત કરવામાં આવશે. વિશેષ 12 મીટર પહોળો ફૂટ ઓવર બ્રિજ બનાવવામાં આવશે. આ ઓવર બ્રિજ બનવાથી મુસાફરોને સર્ક્યુલેટિંગ એરિયા માંથી પ્લેટફોર્મ નંબર 1 અને 2 સુધી આવવા જવા માટે સરળતા થશે. આ ફૂટ ઓવર બ્રિજ પર નવી પેસેન્જર લિફ્ટની સુવિધાનો પણ વધારો કરવામાં આવશે.
સર્ક્યુલેટિંગ એરિયામાં પાર્કિંગની વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને ગ્રીન પેચ સાથે ગાર્ડન વિકસાવવામાં આવશે. સર્ક્યુલેટિંગ એરિયામાં સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે, જે મુસાફર માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. સ્ટેશન તરફ જતા રસ્તાઓને પણ નવા અને સારા બનાવવામા આવશે. રેલવે સ્ટેશન રીડેવલપ થવાથી રેલ્વે સ્ટેશન ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકાસ પામશે અને રેલવે મુસાફરોને વધુ સારી યાત્રી સુવિધા મળી રહેશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા “અમૃત ભારત સ્ટેશન યોજના” હેઠળ ભારતીય રેલવેના 508 રેલવે સ્ટેશનોના પુનઃવિકાસનો ઈ-શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગરના નાગરિકો વર્ચ્યુલ માધ્યમથી જોડાયા હતા. પ્રધાનમંત્રીના સંબોધન બાદ ઉપસ્થિત મહાનુભાવોએ સ્ટેશનના પુનઃ વિકાસ કાર્યની તકતીનું અનાવરણ કર્યું હતુ.
આ પ્રસંગે પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ, અગ્રણીઓ શંકરભાઈ વેગડ, નીલેશભાઈ, વૈભભાઈ ચોકસી, મનહરસિંહ રાણા, જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પ્રકાશ મકવાણા તેમજ રેલ્વે વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા.