- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- The Prime Minister Thanked The Prime Minister For Bringing Back The Stranded Indians In Sudan Through The ‘Hum Hindustani’ Programme
રાજકોટ7 કલાક પહેલા
- કૉપી લિંક
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુદાનમાં ફંસાયેલા 3,862 ભારતીયોને હેમખેમ સ્વદેશ પરત લાવ્યા હતા. જેમાં 800 જેટલા લોકો માત્ર રાજકોટનાં હતા ત્યારે આજરોજ PM મોદીના ઋણ સ્વીકારનો એક કાર્યક્રમ યોજાયો હતો. અરવિંદ મણિયાર જન કલ્યાણ ટ્રસ્ટ અને હિન્દુ ઇકોનોમિક ફોરમ દ્વારા ‘હમ હિન્દુસ્તાની’ નામનાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં હેમખેમ પરત ફરનાર ભારતીયોનાં પરિવારે વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે મંત્રી પુરુષોત્તમ રૂપાલા, સાંસદ મોહન કુંડારિયા અને રામ મોકરિયા ઉપરાંત રાજકોટના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં હેમખેમ પરત ફરેલા લોકોએ આપવીતી જણાવી હતી.
3,862 ભારતીય નાગરિકોને સ્વદેશ પરત લવાયા
ઓપરેશન કાવેરી અંતર્ગત સુદાનનાં ભયંકર ગૃહયુધ્ધમાં મૃત્યુનાં મુખમાં ફસાયેલા 3,862 ભારતીય નાગરિકોને ભારત સરકાર દ્વારા યુદ્ધના ધોરણે ત્વરિત પગલા ભરી સંપૂર્ણ સલામતીપૂર્વક સ્વદેશ પરત લાવવામાં આવ્યા છે. બધા જ લોકો જયારે પોતાનું સર્વસ્વ સુદાનમાં મૂકીને જીવ બચાવી પરત આવ્યા ત્યારે તેમને માટે રહેવા, ખાવા-પીવા, મેડીકલ તથા ટ્રાવેલ અંગેની દરેક જરૂરિયાત ભારત સરકારે મા-બાપની જેમ પૂરી પાડી દરેકને પોતાના ઘર સુધી સુખરૂપ પહોંચાડી દીધા હતા. આ દરેક નાગરિકોનાં પરીવારો દ્વારા દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારનું ઋણ સ્વીકાર કરવા ‘હમ હિન્દુસ્તાની’ કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટની પેટ્રીયા હોટલમાં કાર્યક્રમનું આયોજન
આ તકે પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશમાં પણ ભારતીયોને કોઈ મુશ્કેલી ન પડે તેનો સતત ખ્યાલ રાખ્યો છે. આ પહેલા રશિયા-યુક્રેન યુદ્ધ સમયે પણ યુદ્ધ અટકાવીને ત્યાં રહેતા ભારતીયોને પરત લાવવામાં આવ્યા હતા. જ્યારે સુદાન ખાતે અરાજકતા સર્જાઈ ત્યારે પણ વડાપ્રધાન મોદીએ ત્યાં રહેતા 3800 જેટલા ભારતીયોને હેમખેમ લાવવા માટે ઓપરેશન કાવેરી હાથ ધર્યું હતું. આ પૈકીના 800 કરતા વધુ પરિવારો રાજકોટનાં હોવાથી આ કાર્યક્રમનું રાજકોટની પેટ્રીયા હોટલમાં આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સહભાગી થવા બદલ ગર્વની લાગણી અનુભવું છું.
સરકાર દ્વારા ફ્લાઇટમાં ભારત પરત ફર્યા
ઓપરેશન કાવેરી અંતર્ગત સુખરૂપ ભારત પરત આવેલ ભાવનાબેન શાહે જણાવ્યું કે, તેઓ પોતાના પુત્રો અને અન્ય સભ્યો સાથે સાથે ઓમદુરમાન ખાતે રહેતા હતા. ફાઇટર જેટના અવાજો અને ભય ઉપજાવતી સ્થિતિમાં એક અઠવાડિયું રહ્યા બાદ તેઓ ત્યાંથી દામર નામના ગ્રામ્ય વિસ્તારમાં સંબંધીને ત્યાં જતાં રહ્યા અને લગભગ 20 દિવસ ત્યાં રહ્યા. આ દિવસો દરમિયાન નિયમિતરૂપે ભારતીય દૂતાવાસ દ્વારા તેમના ખબર-અંતર અને સલામતી માટે વિવિધ સૂચનો કરવામાં આવતા હતા. ત્યાંથી 10 કલાકની મુસાફરી કરીને પોર્ટ સુદાન પહોંચ્યા ત્યાંથી સરકાર દ્વારા ફ્લાઇટમાં ભારત પરત ફર્યા હતા.
દૂતાવાસ દ્વારા સરકાર અમારી સાથે સતત સંપર્કમાં હતી
અંતિમ ફ્લાઇટમાં જ્યારે અમે પોર્ટ સુદાનથી દિલ્હી આવ્યા ત્યારે મારો પુત્ર અને એક દર્દી જયુભાઈ ગાંધી સાથે અમારા માટે ફ્લાઇટ ટિકિટો તેમજ રહેવા, જમવા સહિતની વ્યવસ્થા દિલ્હીમાં સરકાર દ્વારા કરાઈ હતી તેમજ ઘરે પહોંચવા માટેની પણ તમામ સુવિધાઓ સારી રીતે પૂરી પાડવામાં આવી હતી. આ ભયના માહોલમાંથી અમે નીકળી શક્યા કારણ કે, દૂતાવાસ દ્વારા સરકાર અમારી સાથે સતત સંપર્કમાં હતી. અમારા માટે આ ગૌરવભરી લાગણી હતી કારણ કે, અમારા દેશની સરકારના પ્રયત્નોથી અમે સુખરૂપ પાછા આવ્યા અને ગુજરાતી કહેવત ‘ધરતીનો છેડો ઘર’ સાથે અમારો મેળાપ કરાવવા બદલ સરકારનાં આભારી છીએ.
.