સુરત3 કલાક પહેલા
- કૉપી લિંક
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા બે ત્રણ દિવસથી પત્રિકા કાંડને લઈને રાજકીય રીતે આંતરિક ગરમાગરમી જોવા મળી રહી છે. સી. આર. પાટીલના વિરોધમાં ભ્રષ્ટાચારના મુદ્દે પત્રિકા વહેતી કરવાનો મુદ્દાને લઈને ક્રાઈમ બ્રાન્ચમાં 84 વિધાનસભા બેઠકના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કેસમાં આરોપીઓને કોર્ટમાં હાજર કરતા ત્રણેય આરોપીને કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે.
આરોપીને 10 હજારના જામીન પર મુક્ત કરાયા
સી. આર. પાટીલ બદનામી કેસમાં આજે મહત્ત્વનો નિર્ણય લેવાયો હતો. આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. દીપુ યાદવ, રાકેશ સોલંકી અને ખુમાનસિંહની ગઈકાલે ધરપકડ હતી. ચૌર્યસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈ દ્વારા ગઈકાલે સુરત ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને આજે કોર્ટમાં ત્રણેય આરોપીને રજૂ કરવામાં આવ્યા હતા. જે પ્રકારનો ગુનો હતો તે જામીનપાત્ર હોવાને કારણે નામદાર કોર્ટ આગળ તમામ હાઇકોર્ટના જજમેન્ટ રજૂ કરવામાં આવ્યા હતા. જેને નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખતા ત્રણેય આરોપીના 10 હજારના જામીન ઉપર મુક્ત કરાયા હતા.
બદનાક્ષીનો કોઈ ગુનો બનતો નથીઃ અજય ગોસ્વામી
બચાવ પક્ષના વકીલ અજય ગોસ્વામીએ જણાવ્યું હતું કે, તપાસ એજન્સી દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. જે આરોપી દ્વારા જે પોસ્ટ કરવામાં આવી હતી, તે પોસ્ટ ઓફિસમાં લઈ જવાની વાત કરવામાં આવી હતી. આ પત્રિકા કોને કોને મોકલી છે તે અંગેની તપાસ કરવાની હતી. તેમજ જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, તે કોમ્પ્યુટરની શોધખોળ માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં કોઈપણ પ્રકારનો બદનામ કરવાનો કેસ બનતો નથી. આ માત્ર પ્રાઇવેટ કોમ્યુનિકેશન હતું. કોઈપણ પ્રકારની પત્રિકા જાહેર મૂકવામાં આવી નથી.