કચ્છ (ભુજ )27 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભચાઉ તાલુકાના સામખિયાળી નજીક કાર્યરત મેસર્સ હક્ક સ્ટીલ્સ એન્ડ મેટાલિક લી. કંપનીના વધુ એકમના પ્રારંભ અંતર્ગત આજે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લોક સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં આસપાસના ગામનાં સરપંચ અને ગ્રામજનો દ્વારા કંપની સામે ગૌચર દબાણ, પ્રદૂષણ ફેલાવો સહિતના વિવિધ મુદ્દે નારાજગી દર્શાવી ભારે વિરોધ દર્શાવ્યો હતો. આ તબક્કે યોગ્ય નિવારણ નહિ આવે તો વિવિધ ગામનાં અગ્રણીઓએ હાઇકોર્ટ નો સહારો લેવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. જોકે અનેક રજૂઆત બાદ જીપીસીબીના અધિકારીઓએ તપાસ કરવાની વાત કરી લોકોને સમજાવટ નો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
આ વિશે લાકડીયા ગામનાં ઉપ સરપંચ લાભશંકર ગામોટે રોષ પુર્વક જણાવ્યું હતું કે આજે યોજાયેલી લોક સુનાવણી દરમિયાન જીપીસીબી ની હાજરીમાં રજૂઆત કરી હતી. જેમાં હક્ક સ્ટીલ કંપની દ્વારા લાકડીયાની હદમાં આવેલી જમીન બ્રહ્મ સમાજના વડવાઓએ ગૌચર માટે નીમ મૂકી હતી. જ્યાં આજે પણ ગાયો માટે શહીદ થનાર દાદાની ખાંભી મોજૂદ છે. પરંતુ આ ગૌચર જમીન ઉપર એકમ દ્વારા ગેરકાયદે કબ્જો જમાવી દેવામાં આવ્યો છે, જે અંગે અનેક વખત તંત્રમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવી છે. આ સિવાય લાકડિયા ઘરાના અને સામખિયાળી ગામની હદ ધરાવતી કપનીએ ગાડા માર્ગ પણ બંધ કરી દીધા છે. તે માર્ગ ખુલ્લા કરવામાં આવે અને ગૌચર જમીન ખાલી કરી કંપની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે એવી માગ કરવામાં આવી હતી.
લોક સુનાવણી દરમિયાન સામખિયાળી, લાકડિયા, જંગી, લલીયાના અને આંબલીયારા ગામનાં અગ્રણીઓ પંચાયતના હોદેદારો પણ કપની સામે વિવિધ મુદ્દે નારાજગી દર્શાવી હતી. આ વિશે સામખિયાળી ગામનાં અગ્રણી મુરજી બાળાએ કહ્યું કે જીપીસીબી કે કપની દ્વારા કોઈ દાદ આપવામાં ના આવતા મોટા ભાગના લોકોએ સુનાવણીમાંથી ચાલતી પકડી હતી.
તો લલિયાના ગામનાં સરપંચ મહાવીર સિહ જાડેજાએ ગ્રામ પંચાયતના લેટર ઉપર કંપની સામે પ્રદૂષણ ફેલાવવામાં આવતું હોવાનો આક્ષેપ કરી, ખેતીમાં થઈ રહેલી નુકશાનીનો ચિતાર પત્ર દ્વારા રજૂ કર્યો હતો. સુનાવણી દરમિયાન લોકોના ભારે વિરોધના પગલે ભારે હોબાળો મચી ગયો હતો. લોકોએ નવા એકમ સામે ખુલીને વિરોધ નોંધાવ્યો હતો.
સામખિયાળી ખાતે યોજાયેલી લોક સુનાવણીમાં લોક વિરોધ વિશે જીપીસીબીના અધિકારી રાજેશ પરમાર સાથે વાત કરતા તેમણે કહ્યું કે, દરેક લોક સુનાવણી વખતે અમુક લોકો વિરોધ નોંધાવતા હોય છે, અમુક તરફેણ કરતા હોય છે એ પ્રમાણે આ સ્થળે પણ જોવા મળ્યું હતું. ગૌચર દબાણ આમતો કલેકટર કચેરી હસ્તક રેવન્યુ નો મુદ્દો છે, જે તપાસનો વિષય છે. ખાસ તો જે સ્થાનિક રોજગારીની વાત હતી તે કંપની આપતી હોય છે.