જૂનાગઢએક મિનિટ પહેલા
- કૉપી લિંક
નિષ્ણાંત- અજય પુરોહિત
- પૂર હોનારતને આજે 12 દિવસ પુરા થયા છતાં એ જળપ્રલય નાગરિકો ભૂલી શકતા નથી, ફરીથી આવું ન બને એ માટે ભાસ્કરે કરી નિષ્ણાંત સાથે વાતચિત
- સિંચાઇ વિભાગનાં નિવૃત્ત ઇજનેર સાથે ચર્ચા વિચારણા બાદ આ ઉપાયો સૂચવાયા
નિમિષ ઠાકર
22 જુલાઇના દિવસે ગીરનારના જંગલમાં માત્ર 2 કલાકમાં 24 ઇંચ વરસાદને પગલે કાળવામાં જે પુર આવ્યું અને તેનાથી ખાનાખરાબી સર્જાઇ એવી સ્થિતિ બીજી વખત ઉભી ન થાય અને પુર ફરીથી ન આવે એ માટે શું કરી શકાય ? એ બાબતે સિંચાઇ વિભાગનાં નિવૃત્ત નાયબ કાર્યપાલક ઇજનેર અજય પુરોહિતે ભાસ્કર સાથે વિસ્તૃત વાત કરી હતી.
ગીરનાર પર્વતમાંથી પુરનો કેચમેન્ટ એરિયા નક્કી કરી અને ક્યુબિક મીટર પર સેકન્ડ મુજબ હાઇ ફ્લડ લેવલની ગણતરી કરવી પડે. એના વગર પુરની સ્થિતિ ઉભી ન થવા દેવાના ઉપાયો કે યોજનાઓની અમલવારી શક્યજ નથી. એના આધારે આગળના સ્ટ્રક્ચરોની ડિઝાઇન નક્કી થઇ શકે. લોકોને હાઇ ફ્લડ લેવલ કેટલું છે એની ખબર પડે એ માટે તેનું માર્કીંગ જેતે સ્થળે કરવું પડે. કાળવાની સ્થિતિ એ છેકે, પુરને સમાવી શકવાની ક્ષમતા વોંકળા પરના દબાણોને લીધે ઘટી ગઇ છે. અને તેને ઉંડો પણ ઉતારી શકાય એમ નથી. કારણકે, તેના તળિયામાં તો હાર્ડ રોક એટલેકે, સખત પથ્થર આવી ગયો છે. કદાચ ઉંડો ઉતારે તો પણ એ પૂરતું નથી. દબાણો હટાવ્યા સિવાય છૂટકો નથી. આવું દર વર્ષે નહીં બને પણ દર 3-4 વર્ષે એકાદ વખત બની શકે. ગીરનાર જંગલમાંથી જે પુર આવે છે એમાંનું 90 ટકા કાળવામાંજ આવે છે. જો એ 50 ટકા થઇ જાય તો સ્થિતિ નિયંત્રણમાં રહે. આ માટે એ પાણીને સોનરખ નદી તરફ વાળવું પડે. એ માટે એક સ્ટ્રકચર બનાવવું પડે. કાળવામાં આવતા પાણીને સોનરખ અને પાતાપુર તરફ ડાયવર્ટ કરાય તો ભવિષ્યમાં ફરી આવી સ્થિતિ પેદા ન થાય. આ માટે સિંચાઇ વિભાગના પ્રોજેક્ટ ડિવીઝનની મદદ જૂનાગઢ મનપાએ લેવી જોઇએ.
વિલિંગ્ડન ડેમમાંથી કાંપ કાઢી ઉંડો ઉતારાશે
વિલિંગ્ડન ડેમમાં ભરાયેલા કાંપને કાઢવા માટે પણ મનપા દ્વારા તજવીજ હાથ ધરાઇ છે. જોકે, આ માટે તેમાં વસતા જળચરોનું બીજે શીફ્ટીંગ કરવું પડે. વળી હાલ વોર્ડ નં. 9 અને 10 ના જે વિસ્તારોમાં વિલીંગ્ડન ડેમમાંથી પાણી અપાય છે એ વિસ્તારોને ઉપરકોટથી જોડાણ આપી બાદમાં આ કામ થશે.
કાળવાની પ્રોટેક્શન વોલ હવે ઉંચી બનાવાશે
22 જુલાઇના રોજ આવેલા પુર જેવી સ્થિતી ફરી ઉભી ન થાય એ માટે હવે કાળવાના કાંઠે પ્રોટેક્શન વોલ ઉંચી બનાવવાનું આયોજન કરાયું હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. જોકે, સત્તાવાર આ અંગે કોઇ બોલવા તૈયાર નથી.
વિલિંગ્ડનનું પાણી હવે ભવનાથને પણ અપાશે
વિલિંગ્ડન ડેમમાંથી કાંપ કાઢવાની કામગીરી પૂર્ણ થયા પછી ડેમમાંથી ભવનાથ વિસ્તારને મનપા પાણી વિતરણ કરશે. આ માટે ફિલ્ટર પ્લાન સહિતની યોજના બનાવાઇ છે.
અત્યાર સુધી પાણી નરસિંહ સરોવરમાં ફંટાઇ જતુ હતું
કાળવામાં આવતું પુર અત્યાર સુધી પુલ પાસેથી ફંટાઇ જતું હતું. એક ફાંટો નરસિંહ મહેતા સરોવરમાં જતો હતો. એ આ વખતે દરવાજા બંધ રાખવાને લીધે પુરનું પાણી ફંટાયું નહીં એટલે કાશી વિશ્વનાથ સોસાયટી, રાયજીનગર સહિત બધે પાણી ગયું અને સ્થિતિ વધુ ખરાબ થઇ.
.