શાપરમાં બીજા માળે ફોન પર વાત કરતા સમયે પગ લપસતા યુવક નીચે પટકાયો; સારવાર દરમિયાન મોત | While talking on the phone on the second floor in Shapar, a young man slipped and fell down; Death during treatment

Spread the love

રાજકોટ2 કલાક પહેલા

  • કૉપી લિંક

રાજકોટ નજીક શાપરમાં મહેક ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાની બાજુમાં શેડમાં રહેતાં રાજેન્દ્રભાઇ ભગવનભાઈ મંડલ (ઉં.વ.30) ગઈકાલે રાતે શેડ પર બીજા માળે ફોનમાં વાત કરતા હતા. ત્યારે ત્યાંથી તેનો પગ લપસતા નીચે પટકાયો હતો. જેમાં યુવકને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું ટૂંકી સારવારમાં મોત નીપજ્યું હતું. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે નોંધ કરી શાપર પોલીસને જાણ કરી મૃતદેહનું પોસમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

સાયબર ફ્રોડનો ભોગ બનેલા બે અરજદારોને રૂપિયા પરત મળ્યાં
રાજકોટ પોલીસે સાયબર ફ્રોડનો ભોગ બનેલા વધુ બે અરજદારોને રૂપિયા પરત અપાવ્યા છે. રાજકોટમાં રહેતા રવિ ખીમજીભાઈ ધધાણીયા કે જેણે યુ-ટયુબમાં જાહેરાત જોઈ ઓનલાઈન શોપિંગ કર્યું હતું. એના બદલામાં તેણે રૂ.25,000 લિંક મારફતે ટ્રાન્સફર પણ કર્યા હતા, પરંતુ તેણે ઓર્ડર આપેલી વસ્તુ નહીં મળતાં તેણે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે એકાઉન્ટ ફ્રિઝ કરાવીને તમામ રકમ પરત અપાવી છે. જ્યારે બીજા બનાવમાં અરજદાર વત્સલ સંજયભાઈ પટેલે ગૂગલમાં સર્ચ કરી હોટેલનું બૂકિંગ કરાવ્યું હતું. જેના બદલામાં 40,000નું ચુકવવામાં આવ્યા હતા, પરંતુ તેની કોઈ જ રિસિપ્ટ નહીં મળતાં છેતરપિંડી થયાનું ખુલતાં જ પોલીસ ફરિયાદ નોંધી આગળ તપાસ કરી છેતરપિંડીમાં ગયેલ રકમ પણ પરત અપાવી છે.

એસટી બસ સ્ટેન્ડમાંથી એક બાળકી મળી આવી
ગઇકાલ વહેલી સવારે 4.30 વાગ્યાની આસપાસ એસટી બસ સ્ટેન્ડમાં એક બાળકી મળી આવેલી છે, તેવું 181માં ફોન કરીને એક જાગૃત નાગરિક દ્વારા જાણ કરવામાં આવી હતી. જેથી કાઉન્સિલર વૈશાલીબેન તથા કોન્સ્ટેબલ પૂનમબેન તથા પાયલોટ સનીભાઈ સાથે તાત્કાલ ઘટનાસ્થળે પહોંચી પૂછપરછ કરતા બાળકીની ઉંમર 6 વર્ષની હોવાનું અને બાળકી ખૂબ ગભરાયેલી હોવાનું જણાયું હતું. બાળકીના કાઉન્સિલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, બાળકી તેના પરિવાર સાથે લીમડીથી ધ્રોલના એક ગામડામાં વાડીઓમાં કામ કરે છે. બાળકી એ જણાવેલ કે, તેઓ ચાર બેન ભાઈ છે.

181ની ટીમે બાળકીને સુરક્ષિત પિતાને સોંપી
પરિવાર સાથે બાળકી બસમાં બેઠેલી હતી, પરંતુ રાજકોટ બસ સ્ટેન્ડ આવતા રસ્તામાં તેમના પરિવારના બધા વ્યક્તિઓ સૂઈ ગયા હતા અને બાળકી રાજકોટ બસ સ્ટેન્ડમાં એકલી બસમાંથી ઉતરી ગઈ હતી. બાળકીની સાથે ઉતરેલા પેસેન્જરો પાસેથી બસનો નંબર જાણી તે બસનો કંડકટરનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ કંડક્ટરે તેમના પરિવારને તેની બાળકી ગુમ થયેલ છે તેમ જાણ કરી હતી. કંડકટર પાસેથી બાળકીના પિતાનો નંબર મેળવી વાત કરેલ ત્યાર બાદ બાળકીના પિતા જ્યાં હોટલે ઉતરેલા હતા, ત્યાં જઈને બાળકીને સુરક્ષિત તેમના પિતાને સોંપવામાં આવી હતી.

અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો
ગુનાહીત ઈતિહાસ ચેક કરી નામચીન ભાવેશ ઉર્ફે કચ્છો ધીરૂ જાદવ (ઉં.વ.23) અને જય ઉર્ફે કાળુ કીરણ ચાવડા (ઉં.વ.29) વિરૂદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી પોલીસ કમિશ્નરને મોકલાતા તેને દરખાસ્ત મંજૂર કરી ભાવેશ ઉર્ફે કચ્છોને વડોદરા મધ્યસ્થ જેલ અને જય ઉર્ફે કાળુને અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આરોપી ભાવેશ ઉર્ફે કચ્છો વિરૂધ્ધ રાયોટીંગ, મારામારી, દારૂ, જાહેરનામા ભંગ, સહીતના નવ જેટલા ગુના અને એક વખત પાસામાં પણ જઈ આવેલ છે. તેમજ જય ઉર્ફે કાળુ વિરુદ્ધ પણ દારૂ, જાહેરનામા ભંગ સહિતના ગુના અને તે પણ પાસામાં જેલની હવા ખાઈ આવેલ છે.

હત્યા-દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો
રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ ટિમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ચોકકસ બાતમીના આધારે હત્યા અને દારૂના ગુનામાં એકાદ વર્ષથી ફરાર રાજુ પોલા કોડીયાતર (ઉં.વ.25)ને નવાગઢ ચોકડી પાસેથી દબોચી કાયદેસરની કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી રાજુ રબારી વિરૂદ્ધ 6 માસ પહેલા પાટણવાવ પોલીસ મથકમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. તેમજ એકાદ વર્ષ પહેલા ભાણવડમાં દારૂનો ગુનો નોંધાયો હતો. પોલીસે હાલ તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *