ભરૂચ11 મિનિટ પહેલા
- કૉપી લિંક
ભરૂચના વોર્ડ નંબર 2 માં બનાવેલ અંડર ગ્રાઉન્ડ ડ્રેનેજનો STP પ્લાન્ટમાંથી આસપાસ હવામાં ઉડતા ફીણ 4 થી 5 હજાર લોકો માટે મુસીબતનો પહાડ બની રહ્યાં છે. સ્વાસ્થ્યને જોખમ સાથે બાળકો જલ્દી બીમારીનો શિકાર બનવાને લઈ માતા-પિતા ભયભીત બન્યાં છે.
ભરૂચ શહેરની અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ યોજના વર્ષોના વહાણા બાદ સાકાર થઈ રહી છે. નગરમાં ભૂગર્ભ ગટર યોજના માટે પાઇપલાઇન બિછાવી દીધા બાદ 5 જેટલા પંપિંગ સ્ટેશનનું નિર્માણ પણ સંપન્ન કરાયું હતું.શહેરના ગંદા પાણીને ટ્રીટ કરી તેને ઉધોગોને વપરાશ માટે આપવાની ભવિષ્યની આ યોજના માટે STP પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયો છે.ગત 15 જુલાઈએ શહેરના 43 હજાર ઘરોને જોડાણ આપવાના કામનું ભૂમિપૂજન પણ કરાયું હતું. હવે જોડાણો આપવાનું શરૂ કરાતા એક વિકટ સમસ્યા સામે આવી છે.શહેરના વોર્ડ નંબર 2 માં બનાવેલ STP પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ માટે આવતું ડ્રેનેજના પાણીને લઈ ફીણ બની રહ્યું છે. આ ફીણ બબલ્સ રૂપે હવામાં ઉડી નજીક આવેલા હબીબપાર્ક સોસાયટી સહિત અન્ય વિસ્તારોમાં પ્રસરી રહ્યાં છે.
સોસાયટીમાં ફીણ ઉડતા બાળકોને તો મજા પડી રહી છે. પણ તેમના આરોગ્યને નુકશાન થઈ રહ્યું છે. વારંવાર બાળકો બીમાર પડતા સ્થાનિક મહિલાઓ પ્લાન્ટ પર ફરિયાદ કરવા પોહચી હતી. જ્યાં જાણવા મળ્યું હતું કે, ફીણમાં રહેલા કેમિકલ્સથી ચામડીના રોગો થઈ શકે છે.હવે પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈ સ્થાનિકો ભયભીતને ચિંતાતુર બની ગયા છે. સોસાયટી, શરીઓ, ગલીઓ, ઘરો અને દીવાલો પર ઉડતું આ ફીણ ચીપકી રહ્યું છે. અને બાળકો તેની સાથે સ્વાસ્થ્યના જોખમે રમી રહ્યાં છે. ત્યારે મહિલાઓએ સત્વરે પ્લાન્ટમાંથી હવામાં સતત ઉડતું ફીણ બંધ થાય તેવી કાર્યવાહી કરવા માંગ કરી છે.
આ બાબતે ભરૂચ નગરપાલિકાના ડ્રેનેજ કમિટી ના ચેરમેન ચિરાગ ભટ્ટે જણાવ્યું હતું કે શહેર ની તમામ ગટર લાઈન ને એક સાથે જોડાણ અપાતા પાણી નો ફ્લો વધી જતાં આ સમસ્યા નું નિર્માણ થયું છે જે બાબતે ટેકનિકલ કર્મચારીઓ સાથે ચર્ચા વિચારણા કરી ટૂંક જ સમયમાં આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવશે.