મુંબઈ44 મિનિટ પહેલા
- કૉપી લિંક
- શ્વેતપત્રમાં પ્રકલ્પ રાજ્ય બહાર ગયો તેનો દોષ આઘાડીને અપાયો
વેદાંત- ફોક્સકોન પ્રકલ્પ રાજ્યમાં આવે તે માટે મહાવિકાસ આઘાડી સરકાર અને તે પછી આવેલી શિંદે- ફડણવીસ સરકાર દ્વારા પ્રયાસ કરાયા, પરંતુ આઘાડીના કાર્યકાળમાં 17 માર્ચ, 2022ના રોજ થયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વેદાંત- ફોક્સકોનનો મુદ્દો જ સામેલ કરાયો નહીં હોવાનું કહીને સરકારે આ પ્રકલ્પ ગુજરાતમાં ગયાનો દોષ મહાવિકાસ આઘાડી સરકારને આપ્યો છે. આ સાથે પ્રકલ્પ રાજ્યમાં ઊભો કરવા સરકાર સાથે કોઈ સમજૂતી કરાર થયા નહીં હોવાથી તે ગુજરાતમાં ગયો એવું કહેવાનું ઉચિત નહીં રહેશે, એમ ઉદ્યોગમંત્રી ઉદય સામંત દ્વારા આજે રાજ્ય વિધાનમંડળના સભાગૃહમાં રજૂ કરેલા શ્વેતપત્રમાં જણાવાયું છે.
મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ મહામંડળના અહેવાલના આધારે અન્ય રાજ્યમાં ગયેલા વેદાંત- ફોક્સકોન, એરબસ, સેફ્રન અને બલ્ક ડ્રગ પાર્ક પ્રકલ્પ બાબતે શ્વેતપત્ર ઉદ્યોગ વિભાગ દ્વારા વિધાનમંડળનાં બંને ગૃહમાં રજૂ કરવામાં આવ્યો.મહાવિકાસ આઘાડી સરકારના કાર્યકાળમાં એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ મગાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તે જ મહિનામાં રોકાણ માટેનો પ્રસ્તાવ પણ મોકલવામાં આવ્યો હતો. 24થી 28 જાન્યુઆરીમાં એમઆઈડીસી દ્વારા વેદાંતના ઈરાદાપત્ર અનુસાર તેમના પ્રશ્નોના ઉત્તરો આપવામાં આવ્યા. વેદાંતે આ જ વર્ષે ફેબ્રુઆરીમાં તલેગાવ ખાતે 1100 એકર જમીનનું નિરીક્ષણ કર્યું. આ જગ્યાનું સંપાદન કરીને આપવાની તૈયારી પણ સરકારે બતાવી. ફોક્સકોનના શિષ્ટમંડળે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ મે મહિનામાં કર્યું. 5 મેના રોજ એમઆઈડીસી દ્વારા કંપીઓને સમજૂતી કરાર કરવાની વિનંતી પણ કરવામાં આવી.વેદાંતના પ્રતિનિધિઓએ ઉદ્યોગમંત્રી અને પર્યાવરણ મંત્રીની મુલાકાત લઈને ચર્ચા પણ કરી હતી.
વેદાંતે 14 મેના રોજ રોકાણ માટે એમઆઈડીસી પાસે અરજી કરી અને સરકારના ટેકાની વિનંતી કરી. તેમાં ફોક્સવેગન સાથે 60:40 ભાગીદારીનો ઉલ્લેખ કર્યો.24મી મેના રોજ થયેલી દાવોસ ખાત આર્થિક પરિષદમાં તત્કાલીન પર્યાવરણ મંત્રીને કંપનીના અધ્યક્ષ અનિલ અગરવાલે મહારાષ્ટ્ર રોકાણ માટે આદર્શ રાજ્ય હોવાનું જણાવ્યું. 4 જૂનના રોજ એમઆઈડીસીને રોકાણ માટે કરાર બાબતનો મુસદ્દો મોકલવામાં આવ્યો. તેમાં સેમીકંડ્કટરનો ઉલ્લેથ હતો. ફોક્સકોનના અધ્યક્ષ સાથે તત્કાલીન ઉદ્યોગમંત્રીની નવી દિલ્હીમાં 24 જૂનના રોજ બેઠક થઈ હતી.
શિંદે- ફડણવીસ સરકારના કાળમાં 14 જુલાઈના રોજ મુખ્ય મંત્રીએ ફોક્સકોનના અધ્યક્ષ યંગ લિઉને પુણે મુલાકાત માટે નિમંત્રિત કર્યા. મુખ્ય સચિવની અધ્યક્ષતા હેઠળ 15 જુલાઈએ ઉચ્ચાધિકાર સમિતિની બેઠક થઈ. આ બેઠકમાં 38,000 કરોડના મૂડી પ્રોત્સાહનનો ઉલ્લેખ કરાયો. વેદાંતે પ્રકલ્પનું 26 જુલાઈના પ્રસ્તુતિકરણ કર્યું.કંપનીના શિષ્ટમંડળે 27 જુલાઈના રોજ તલેગાવ ખાતે જગ્યાનું નિરીક્ષણ કર્યું. ઉપ મુખ્ય મંત્રીએ વેદાંતના અધ્યક્ષ અગરવાલની 5 ઓગસ્ટના રોજ મુલાકાત લઈને તેમને રાજ્યમાં રોકાણ માટે અનુરોધ કર્યો. એમઆઈડીસી દ્વારા વેદાંત સમૂહને સમજૂતી કરાર માટે 5 સપ્ટેમ્બરના રોજ આમંત્રિત કરાયા. જોકે તે પછી મંત્રીમંડળ ઉપ સમિતિની બેઠક થવા પૂર્વે જ કંપનીએ આ પ્રકલ્પ ગુજરાતમાં ઊભો કરવાનો નિર્ણય લીધો, એમ શ્વેતપત્રમાં જણાવાયું છે.
મોટા પ્રકલ્પનો ઉલ્લેખ કેમ નહીઃ આદિત્ય
એરબસ કંપનીએ એમઆઈડીસી સાથે સમજૂતી કરાર કર્યા નહોતા અને સેફ્રન બાબતે પણ એમઆઈડીસીના સંરક્ષણ વિભાગ સાથે કરાર, પત્રવ્યવહાર થયા નહોતા. બલ્ક ડ્રગ પાર્ક બાબતનો રાજ્યનો પ્રસ્તાવ મંજૂર થઈ શક્યો નહીં. આ પ્રકલ્પ સ્વભંડોળમાંથી કરવાનું નિયોજિત હોઈ તે માટે ભૂસંપાદનની કાર્યવાહી ચાલી રહી છે, એમ શ્વેતપત્રમાં જણાવાયું છે. દરમિયાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે આ શ્વેતપત્ર વર્તમાન સરકારની બેદરકારી અને ઉદ્યોગો પર બિલકુલ વિશ્વાસ નથી તેની સાક્ષી આપે છે. સરકારે કહ્યા મુજબ વેદાંત કરતાં પણ મોટો પ્રકલ્પ મહારાષ્ટ્રમાં આવવાનો હતો, તેનો શ્વેતપત્રમાં ઉલ્લેખ કેમ નથી?
.