રાજકોટ43 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર
- રૂડા ટ્રાન્સપોર્ટનગર પ્રયાગ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં ચોરનો તરખાટ
- ચડી-બનિયાનધારી ટોળકી પકડાઇ તો સ્થાનિક તત્ત્વોનો પડકાર
રાજકોટ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં તસ્કરોની રંજાડ વધી છે. ત્યારે તસ્કરોએ શહેરની ભાગોળે રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં એક જ રાતમાં ચાર કારખાનાને નિશાન બનાવી રૂ.1.60 લાખની રોકડનો હાથફેરો કરી ગયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે.
વૃંદાવન સોસાયટી-2માં રહેતા સાગરભાઇ કાનજીભાઇ વેકરિયા નામના કારખાનેદારે નોંધાવેલી ફરિયાદ મુજબ, તે નવાગામ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં પ્રયાગ ઇન્ડસ્ટ્રિયલ પાર્કમાં એસ.કે. ઇન્ડસ્ટ્રીઝના નામથી કારખાનું ધરાવે છે. શુક્રવારે રાબેતા મુજબ રાત્રીના 10 વાગ્યે કારખાનું બંધ કરીને ગયા હતા.
ત્યારે કારખાનાના ઉપરના માળે રહેતા કારીગરે શનિવારે સવારે ફોન કરી કારખાનાના તાળાં તૂટ્યાની જાણ કરી હતી. જેથી પોતે તુરંત કારખાને દોડી ગયા હતા. તપાસ કરતા કારખાનાની ઓફિસનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું. ટેબલના ખાનાના લોક પણ તૂટેલા હોય અને તેમાં રાખેલા રોકડા રૂ.1.50 જોવા મળ્યાં ન હતા.
ચોરી થયા અંગે આસપાસના કારખાનેદારો સાથે વાત કરતા હતા. ત્યારે બાજુમાં જ નેવિલ એન્ટરપ્રાઇઝ નામનું કારખાનું ધરાવતા અશ્વિનભાઇ ઝાપડાએ પણ તેની ઓફિસના શટરનું લોક તૂટ્યાનું અને તેમને ત્યાંથી કંઇ ચોરાયું ન હોવાનું જણાવ્યું હતું.
બાદમાં બાજુની શેરીમાં શિવમ એગ્રોટેકના નામનું કારખાનું ધરાવતા સુરેશભાઇ ચીખલિયા પણ આવી પોતાની ઓફિસની બારીની ગ્રીલ તોડી અંદર ઘૂસેલા તસ્કરો રોકડા રૂ.2 હજાર ચોરી ગયાનું અને એન.એન. સેલ્સ નામનું કારખાનું ધરાવતા જયેશભાઇ ભૂપતાણીએ તેના કારખાનાની ઓફિસની બારી તોડી ઓફિસમાંથી રોકડા રૂ.8 હજાર ચોરી ગયાની વાત કરી હતી.
એક જ રાતમાં ચાર-ચાર કારખાનાને તસ્કરોએ નિશાન બનાવ્યાની કુવાડવા રોડ પોલીસને જાણ કરતા પોલીસ દોડી આવી હતી અને ફરિયાદ નોંધી ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટના નિષ્ણાતની મદદથી તેમજ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરી તસ્કરોનું પગેરું મેળવવા તપાસ શરૂ કરી છે.
.