વલસાડ37 મિનિટ પહેલા
- કૉપી લિંક
વલસાડ જિલ્લા કક્ષાના ૭૪માં વન મહોત્સવની ઉજવણી રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં વાપીના નામધા ખાતે રોફેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કરવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈએ વન મહોત્સવના પ્રણેતાને યાદ કરી જણાવ્યું કે, વર્ષ 1950માં જ્યારે કનૈયાલાલ માણેકલાલ મુન્શીએ વન મહોત્સવની શરૂઆત કરી હતી. ત્યારે કલાઈમેટ ચેન્જ કે વાયુ પરિવર્તનનો કોઈ અણસાર ન હતો પરંતુ તેમ છતાં તેમની દીર્ઘદ્રષ્ટીના કારણે આ વિચાર અમલમાં મુકયો જે બદલ તેમને નમન છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે આ મહોત્સવ માત્ર ગાંધીનગર પૂરતો જ સીમિત ન રહે પરંતુ રાજ્યના દરેક જિલ્લામાં ઉજવાય તે માટે નિર્ણય લીધો હતો. વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં 2 વાર રાજ્ય કક્ષાનો વન મહોત્સવ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલ અને વિજયભાઈ રૂપાણીના કાર્યકાળ દરમિયાન ઉજવાયો હતો. આપણા જિલ્લાને બાલચોંડી અને કલગામમાં 2 સાંસ્કૃતિક વનની ભેટ મળી હતી. જેને લઈ લોકોમાં વૃક્ષો પ્રત્યેની આસ્થા વધતા ઠેર ઠેર વૃક્ષારોપણ થઈ રહ્યું છે. ગુજરાતના 33% ભાગમાં વૃક્ષો આચ્છાદિત થયા છે, ત્યારે આપણે સૌ આ ભગીરથ કાર્યમાં જોડાઈએ એવી મંત્રીએ અપીલ કરી હતી.
કલાઈમેટ ચેઈન્જ અંગે મંત્રીએ કહ્યું કે, સમગ્ર વિશ્વ કલાઈમેટ ચેઈન્જના ઓથા હેઠળ છે. કાર્બન ઉત્સર્જનના કારણે વાયુ પરિવર્તન થઈ રહ્યું છે. જે માનવજાત માટે ખતરારૂપ છે. કોરોના કાળ બાદ ઓક્સિજન પાર્ક અને વન બનાવવામાં આવ્યા છે. જીનીવા ખાતે વડાપ્રધાનની ઉપસ્થિતિમાં યોજાયેલા સંમેલનમાં વર્ષ 2070 સુધીમાં સમગ્ર વિશ્વમાં ઝીરો કાર્બન કરવાનું આયોજન કર્યુ છે તેમાં ગુજરાત સૌથી આગળ છે. ઊર્જા વિભાગમાં વિન્ડ પાવર ક્ષેત્રે 10 હજાર મેગા વોટ સાથે ગુજરાત દેશમાં નંબર વન છે.
સોલાર પાવરમાં 9300 મેગા વોટ સાથે ગુજરાત બીજા નંબરે છે. જેમનો યશ વડાપ્રધાનને જાય છે. તેમણે સોલાર પોલિસી અને વિન્ડ પોલીસી બનાવી હતી. આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આપણી લાઈફ સ્ટાઈલ કેવી હોવી જોઈએ તે અંગે તેમણે મિશન લાઈફની ટીપ્સ આપી છે. જેમાં વાતાવરણને પ્રદૂષિત ન કરવુ, પર્યાવરણ સાચવવુ, મિલેટ્સ (જાડા ધાન્ય)નો ઉપયોગ, જળચર પ્રાણીઓ માટે મિસ્ટી પ્રોજેક્ટ હેઠળ મેન્ગ્રુવના ઝાડ ઉગાડવા સહિતની કામગીરી પર ભાર મુકાયો છે. ગુજરાતની કોઈ પણ જીઆઈડીસીઓમાં એટલા વૃક્ષો નહી હશે જેટલા વૃક્ષો વાપી GIDCમાં છે જે અભિનંદનને પાત્ર છે.
.