વલસાડએક કલાક પહેલા
- કૉપી લિંક
- સરકાર દ્વારા નિયુક્ત એજન્સીએ રિપેરિંગનો સામાન પૂરો ન પાડતાં મોકાણ ઉભી થઇ
વલસાડ નગરપાલિકાના મોગરાવાડી ઝોન કચેરીના વિસ્તારોમાં છેલ્લા 2 માસથી 31 જેટલા સ્થળોએ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં પડી છે.શહેરીજનોને હાલમાં ચોરીના કેટલાક બનાવો સામે આવતા ચિંતા સતાવી રહી છે.મોગરાવાડી પંથકમાં સ્ટ્રીટલાઇટ બંધ હોવાના કારણે અંધકારની પરિસ્થિતિમાં વોર્ડ નં.3 અને નં.4ના સ્થાનિક રહીશો વિપક્ષના માજી સભ્યોને વારંવાર ફરિયાદો કરી લાઇટો ચાલૂ કરાવવા આજીજી કરી રહ્યા છે.
વિપક્ષના માજી નેતા ગીરીશ દેસાઇ અને સ્થાનિક પૂર્વ સભ્યો દ્વારા નગરપાલિકાને વારંવાર આ બંધ સ્ટ્રીટલાઇટો કાર્યરત કરવા મોખિક રજૂઆતો કરવા છતાં કોઇ પ્રતિસાદ નહિ મળતાં છેવટે બુધવારે વિપક્ષના સભ્યો સામૂહિક સહિ સાથે ચીફ ઓફિસર દશરથસિંહ ગૌહિલને મોગરાવાડીમાં 31 સ્થળોની યાદી સુપરત કરી સ્ટ્રીટલાઇટો બંધ હોવાના પુરાવા આપ્યા છે.આ લાઇટો તાત્કાલિક ચાલૂ કરવા દાદ માગી છે.
2 માસ પછી કોન્ટ્રાક્ટ પૂરો થશે
વલસાડમાં સ્ટ્રીટલાઇટ અને મેઇન્ટેનન્સનો કોન્ટ્રાકટ માટે સરકાર દ્વારા ઇએસએલ એજન્સીને નિયુક્ત કરવામાં આવી હતી.પરંતું આ એજન્સી દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી સામે અનેક ફરિયાદો ઉઠી છે.પાલિકાના સભ્યોએ સામાન્ય સભામાં આ એજન્સીને છૂટી કરવા માગ કરી હતી.
પરંતું તેનો કોઇ નિકાલ હજી આવ્યો નથી.પાલિકા દ્વારા જ સ્ટ્રીટલાઇટની કામગીરી કરવામાં આવે તેવી લાંબા સમયથી સભ્યો માગ કરી રહ્યા છે.જો કે હવે 2 માસમાં આ એજન્સીનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પાલિકા જાતે આ કામગીરી હાથ ધરશે તેવું જાણવા મળ્યું છે.
.