વડોદરામાં રસ્તા પર દોડતી ગાયે ટુ-વ્લીર પર જતા દંપતિને ઉલાળ્યું, બંને લોહીલુહાણ થયા, માથામાં ગંભીર ઇજાઓ પહોંચી | A cow running on a road in Vadodara mauled a couple on a two-wheeler, leaving both bloodied, with severe head injuries.

Spread the love

વડોદરા23 મિનિટ પહેલા

  • કૉપી લિંક

વડોદરા શહેરમાં રસ્તા ઉપર રખડતી ગાયોનો ત્રાસ હજુ પણ યથાવત છે. શહેરીજનોને વાહન અકસ્માતના ડર કરતા રખડતી ગાયોનો ડર વધારે સતાવી રહ્યો છે. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં રસ્તે રખડતી ગાયે ટુ-વ્હીલર ઉપર પસાર થઇ રહેલા દંપતિને અડફેટે ચઢાવ્યા હતા. હવે આ સમગ્ર ઘટના CCTV સામે આવ્યા છે. જેમાં રસ્તા પર દોડતી ગાયે દંપતિને ઉલાળ્યું એ ઘટના સ્પષ્ટ જોવા મળે છે. આ ઘટનામાં બંનેને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી અને ગાયની અડફેટે આવી ગયેલા દંપતિને લોહીલુહાણ હાલતમાં સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આવી હોય સ્માર્ટ સિટી?
સ્માર્ટ સિટી વડોદરાના શાસકો શહેરના માર્ગો ઉપર રખડતી ગાયોના ત્રાસમાંથી શહેરીજનોને છૂટકારો અપાવવામાં ધરાર નિષ્ફળ ગયું છે. નોંધનીય છે કે, પાલિકા તંત્ર રખડતા પશુઓ પર કાબૂ મેળવવા ત્રણ શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી કરી રહ્યું છે તેમછતાં શહેરના માર્ગો ઉપર રખડતી ગાયો ઉપર અંકુશ મેળવી શકી નથી. પરિણામે અવાર-નવાર ગાયોના કારણે લોકોને ભોગ બનવાનો વખત આવે છે.

દંપતિ લોહીલુહાણ થઇ ગયું
વડોદરા શહેરના ગોત્રી સૂર્યનગર સોસાયટીમાં રહેતા અને ઓનલાઈન કંપનીના ડિલિવરી બોય તરીકે નોકરી કરતા કુલદીપ રાઠવા અને મોલમાં નોકરી કરતાં તેમનાં પત્ની ધારાબેન દશામાની સ્થાપના કરી હોવાથી વિસર્જન બાદ રજા ઊપર હતાં. દરમિયાન ગઇકાલે ગુરૂવારે બપોરે 3 વાગ્યાના અરસામાં તેઓ નાસ્તો લઈને ટુ વ્હીલર પર ઘરે જઈ રહ્યાં હતાં. આ સમયે ગોત્રી સાયન્સ સ્કૂલ સામે રોડની સામેથી દોડતી આવેલી ગાયે અડફેટે લેતાં ટુ વ્હીલર ડિવાઇડર સાથે અથડાયું હતું. જેને પગલે બંને લોહીલુહાણ થઇ ગયા હતા,

સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા
આ ઘટનામાં દંપતીને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમને સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતાં. જોકે પરંતુ તેમને વધુ સારવારની જરૂર હોવાથી સયાજી હોસ્પિટલ ખાતે રિફર કરાયાં હતાં. બનાવને પગલે ઘટના સ્થળે ટોળા ઊમટી પડ્યાં હતાં. બીજી બાજુ ઇજાગ્રસ્તના સ્વજનોને જાણ થતાં તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

સ્થાનિક લોકોમાં રોષ
મળેલી માહિતી પ્રમાણે અકસ્માત એટલો ગંભીર હતો કે, પટકાયેલા બંનેને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને લોહી નીકળતું હતું. બંનેને લોહી નીતરતી હાલતમાં જ સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં હાલ તબક્કે બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. આ ઘટનાએ વધુ એક વખત પાલિકાતંત્રની પોલ ખુલ્લી પાડી છે અને તંત્ર સામે સ્થાનિક લોકોએ પાલિકા સામે રોષ ઠાલવી રખડતી ગાયોથી મુક્તિ અપાવવા માંગ કરી હતી.

આ મામલે પગલા ભરવા જોઇએ
સામાજિક કાર્યકર કમલેશ પરમારે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં રખડતા ઢોરોની અડફેટે લોકો ઇજાગ્રસ્ત થતા હોય છે અને લોકોના મોત પણ થતાં હોય છે. આ મામલે હાઇકોર્ટની ટકોર હોવા છતાં પાલિકાના પેટનું પાણી હલતુ નથી. આજે એક દંપતિને ગાયે અડફેટે લીધું છે. જેમાં તે ઇજાગ્રસ્ત થયા છે. જેથી આ બાબતે મેયર અને મ્યુનિસિપલ કમિશરને તાત્કાલિક પગલા લેવા જોઇએ.

માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ છે
નોંધનીય છે કે, વડોદરા શહેરના માર્ગો પર રખડતી ગાયો શહેરીજનો માટે જોખમરૂમ પુરવાર થઇ રહી છે. વડોદરા મહાનગરપાલિકાની ઢોરપાર્ટી દ્વારા ગાયો પકડવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ કોર્પોરેશનની ઢોરપાર્ટી પોલીસ-બંદોબસ્ત સાથે ગાયો પકડવા જાય છે, ત્યારે ગૌપાલકો પોતાની ગાયોને ઢોરપાર્ટીથી બચાવવા માટે બાઇકો પર લોકોના જીવ જોખમમાં મુકાય એ રીતે નીકળી પડે છે.

રખડતી ગાયોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા
અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે સ્માર્ટ સિટીની વાતો કરતા શાસક ભાજપ 25 વર્ષ કરતા વધુ સમયથી કોર્પોરેશનમાં સત્તા ભોગવી રહ્યો છે. વડોદરામાં રસ્તે રખડતી ગાયોને કારણે અનેક લોકોએ પોતાના જીવ પણ ગુમાવ્યા છે. આમ છતાં કોર્પોરેશનમાં સત્તાધારીઓ શહેરીજનોને રસ્તે રખડતી ગાયોના ત્રાસમાંથી મુક્તિ અપાવી શક્યું નથી. શહેરીજનોને રસ્તે રખડતી ગાયોથી મુક્તિ અપાવવા માટે મોટી વાતો થાય છે,પરંતુ તેનો કોઇ અમલ થતો નથી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *