વડોદરા24 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
વડોદરા નજીક આવેલા સરાર ગામ પાસે નાળામાં નાહવા પડેલા યુવાનને મગર ખેંચી ગયા હોવાનો કોલ મળતા ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. બે કલાક સુધી શોધખોળ બાદ પણ યુવાનનો કોઈ પતો લાગ્યો નથી.
ખેતરથી ઘરે જતા રસ્તામાં નાળામાં નાહવા પડ્યો
વડોદરા નજીક આવેલા સરાર ગામમાં રહેતો દિલીપ જગદીશભાઈ પરમાર આજે બપોરે ખેતી કામ માટે ખેતરમાં ગયો હતો. ત્યાંથી ઘરે પરત કરતી વખતે ગામ નજીક આવેલા નાળામાં નાહવા માટે પડ્યો હતો. આ દરમિયાન તેને મગર ખેંચી ગયો હતો, જેથી આસપાસના લોકો દોડી ગયા હતા અને તુરંત વડોદરા ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
આવતીકાલે ફરી યુવકની શોધખોળ હાથ ધરાશે
વડોદરા ફાયરબ્રિગેડના ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું હતું કે, સરાર ગામ પાસે મગર યુવાનને ખેંચી ગયા હોવાનો કોલ મળતા જ મારી ટીમ દોડી ગઈ હતી અને યુવાનની શોધખોળ શરૂ કરી હતી. નાળામાં ઘાસ અને બાવળિયા ખૂબ જ નીકળ્યા હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં ખુબ જ મુશ્કેલીઓ ઊભી થઈ હતી. અમે સતત બે કલાક સુધી યુવાનની શોધખોળ કરી હતી. જોકે, અંધારું થતાં રેસ્ક્યૂ ઓપરેશન રોકવામાં આવ્યું હતું. હવે આવતીકાલે યુવાનની શોધખોળ કરવામાં આવશે.
.