વડોદરા7 કલાક પહેલા
- કૉપી લિંક
ફાઇલ તસવીર
વડોદરા મહાનગર સેવા સદનના અંધેર વહીવટના કારણે શહેરના લોકોને દૂષિત પાણી પી રહ્યા છે. વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના તમામ ચાર ઝોનમાંથી પાણીના નમૂના લીધા હતા અને પાલિકાની લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા હતા. જે તમામ પાણીના નમૂના લેબોરેટરી દ્વારા નાપાસ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. શહેરમાં લોકો દૂષિત પાણી પીવાના કારણે કોલેરા સહિતના રોગચાળાનો ભોગ બની રહ્યા છે. દૂષિત પાણીના કારણે રોગચાળાએ માથું ઉંચકતા પાલિકાની આરોગ્ય વિભાગની ટીમે તાકીદની બેઠક બોલાવી હતી અને રોગચાળાને અટકાવવા માટેના મુદ્દાઓની ચર્ચા-વિચારણા કરી હતી.
દુષિત પાણીની બૂમો શરૂ થઇ
ચોમાસુ શરૂ થતાં જ શહેરના તમામ વિસ્તારોમાં દૂષિત પાણીની બૂમો શરૂ થઇ ગઇ છે. હાલ, કોર્પોરેશન અંતર્ગત આવતો એવો કોઈપણ ઝોન કે વિસ્તાર નહીં હોય કે જ્યાં ગંદા પાણીની તકલીફ ન હોય. તેટલું જ નહીં, હવે તો પબ્લિક હેલ્થ લેબોરેટરીએ તમામ ઝોનમાંથી લીધેલા નમૂના નાપાસ થયા છે. જે પુરવાર કરે છે કે, કમરતોડ વેરાની વસુલાત કરતું કોર્પોરેશન શહેરીજનોને પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયું છે.
ધારાસભ્યોએ રજૂઆત કરી હતી
શહેરમાં ચોમાસાની ઋતુમાં દૂષિત પાણી વિતરણ થતાં અનેક વિસ્તારોમાં પાણીજન્ય રોગચાળો ફેલાઈ રહ્યો છે. દૂષિત પાણીના કારણે તમામ વોર્ડમાં દુર્ગંધવાળું અને દૂષિત પાણી વિતરણ થઈ રહ્યું છે તો કેટલાંક વિસ્તારોમાં કાળુ પાણી મળી રહ્યું છે. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરવા છતાં દૂષિત પાણીના પ્રશ્નો હલ કરવામાં પાલિકા નિષ્ફળ ગયું છે. તાજેતરમાં મળેલી સંકલન સમિતિમાં પણ ધારાસભ્યોએ દૂષિત પાણીના પ્રશ્ને રજૂઆત કરી હતી. તે પછી પણ પાલિકા દ્વારા કોઇ ગંભીર પગલાં ભરવામાં આવ્યા નથી.
રોગચાળો વકરે તેવી દહેશત
દૂષિત પાણી અંગે વિસ્તારના લોકો જ્યારે દૂષિત પાણી અંગે ફરિયાદ કરે છે ત્યાર પછી જ પાલિકા દ્વારા પાણીના નમૂના લેતું હોય છે. તાજેતરમાં દિવસોમાં કોર્પોરેશને જે નમૂના લીધા હતા, તેમાં એક પણ વોર્ડ એવો નહીં હોય કે જ્યાં દુર્ગંધવાળું, દૂષિત અને ગંદા પાણીની બૂમો ઊઠી ન હોય. કોર્પોરેશને અલગ અલગ વિસ્તારમાંથી પાણીના લીધેલા નમૂનામાં અનેક જગ્યાએ ડ્રેનેજ મિશ્રિત પાણી લોકોને મળી રહ્યું છે. જેના કારણે લીધેલા સેમ્પલમાં ક્લોરીનની માત્રા જણાઇ નથી. પરિણામે આવનારા દિવસોમાં દૂષિત પાણીવાળા વિસ્તારોમાં રોગચાળો વકરે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી.
કયા વિસ્તારમાં દૂષિત પાણી આવે છે?
મળેલી માહિતી પ્રમાણે શહેરના ઉત્તર ઝોનના નાળિયાવાસ, બકરાવાડી., દક્ષિણ ઝોનના મનહર નગર-૧, જીઆઇડીસી રોડ, ઉમા નગર સોસાયટી, તળાવ રોડ. શ્રી તુલસી ટાઉનશીપ, વડસર રોડ. વડવાળું ફળિયુ, માંજલપુર ગામ., પૂર્વ ઝોનના સત્યનારાયણ નગર આજવા રોડ, સ્લમ ક્વાટર્સ, પાણીગેટ. વુડાના મકાન, કિશનવાડી. પ્રેશર પોઇન્ટ, એકતા નગર. અને પશ્ચિમ ઝોનના નારાયણ આવોરબીસ, અટલાદરા. અવધપુરા ગામ, હરીનગર રોડ. અંબિકા નગર, દિવાળીપુરા (કાળુ પાણી આવે છે). મુક્તિનગર સોસાયટી, તાંદરજા રોડ. સમૃદ્ધિ સોસાયટી, વાસણા રોડનો સમાવેશ થાય છે.
.