મહેસાણાએક કલાક પહેલા
- કૉપી લિંક
- તબેલામાલિક જાગી જતાં ઝપાઝપી કરી બાઇક લઈ ત્રણ જણાં નાસી છૂટ્યા હતા
- એલસીબીએ ગામના જ બેને પકડી બાઇક કબજે કર્યું, ત્રીજા સાગરિતની શોધખોળ
આજથી 18 દિવસ પૂર્વે 13 જુલાઈના રોજ વડનગર તાલુકાના ઉણાદ ગામે તબેલામાં લૂંટના ઇરાદે ખેડૂત પર હુમલો કરી નાસી છૂટેલા ત્રણ ચોરો પૈકી બેને મહેસાણા એલસીબીએ વલાસણા હાઇવે પરથી ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જ્યારે ઉણાદના ત્રીજા શખ્સની શોધખોળ હાથ ધરી છે
વડનગર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી મહેસાણા એલસીબીની ટીમને બાતમી મળી હતી કે જીજે 09 સીઇ 2128 નંબરનું બાઇક લઈ બે શંકાસ્પદ શખ્સો વલાસણા હાઇવેથી સિપોર તરફ આવી રહ્યા છે. જેને આધારે પોલીસે સિપોર ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી બાઇક લઈને આવતાં ઉણાદ ગામે રહેતા ઠાકોર રાકેશજી કડવાજી સરદારજી (મૂળ રહે. ગોલવાડા, તા. ઇડર) અને ઠાકોર મિતેશજી અમરતજી લાલાજીને પકડી પૂછપરછ કરતાં 13 જુલાઈની રાત્રે ઉણાદ ગામે બનેલ લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો હતો. એલસીબીની પૂછપરછમાં બંને જણા ગામના જ તેમના મિત્ર ઠાકોર યુવરાજ પ્રવીણજી સાથે મળી બાઇક લઈ ચૌધરી દિપકભાઈ અભેરાજભાઇના તબેલામાં ચોરી કરવા ગયા હતા. તેઓ અડદ ભરેલા કોથળા ઉપાડીને તબેલાની બહાર લઇ જતા હતા,
તે સમયે દીપકભાઈ જાગી જતાં અંધારામાં ઝપાઝપી કરી ભાગતાં દિપકભાઇએ પીછો કરતાં ત્રણેય જણા તેમના બાઇકને લાત મારી પાડી દઈ નાસી છૂટ્યાની કબૂલાત કરી હતી. પોલીસે બંનેની ધરપકડ કરી તેમની પાસેથી લૂંટમાં વપરાયેલ બાઇક અને મોબાઈલ મળી રૂ.18 હજારનો મુદ્દા માલ કબજે કરી ફરાર યુવરાજ ઠાકોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
.