અમદાવાદ27 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદના શાહીબાગમાં આવેલી રાજસ્થાન હોસ્પિટલના ભોંયરામાં વહેલી સવારે અચાનક આગ લાગી છે. જેને લઇને ફાયર વિભાગની કુલ 31 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. આગના કારણે હોસ્પિટલના ભોંયરામાં પડેલા તમામ વાહનો બળીને ખાખ થઈ ગયા છે. જ્યારે આગના કારણે 100 જેટલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જોકે, આ આગની ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.

500 મીટરના રોડ રસ્તા બંધ કરવામાં આવ્યો
અમદાવાદમાં બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના તમામ સ્ટાફ અને સાધનોની મદદથી આગને કાબુમાં લેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. હોસ્પિટલ તરફનો 500મીટરના રોડ રસ્તા બંધ કરવામાં આવ્યો છે. આગ સાથે ધુમાડો ખૂબ જ હોવાથી ફાયરના જવાના અંદર ગયા હતા, પરંતુ ધુમાડાને કારણે લાંબો સમય અંદર રહી શક્યા નહિ. આગ ઓછી છે પરંતુ ધુમાડો વધારે હોવાથી અંદર જઈ શકાય તેવી સ્થિતિ નથી. ફેન વડે ધુમાડો બહાર કાઢવામાં આવી રહ્યો છે. જરૂર પડે હોસ્પિટલના પાર્કિગની છત તોડવામાં આવી શકે છે.

દર્દીઓને ઓસવાલ અને BAPSમાં ખસેડાયા
હોસ્પિટલમાં 100 દર્દીઓ હતા જેમાંથી 6 દર્દી ICUમાં હતા. તેમને સામે આવેલી આનંદ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. બાકીના દર્દીઓને ઓસવાલ અને BAPS હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

મારી માતાને ધર્મશાળામાં ખસેડવામાં આવ્યા
દર્દીના સગા મનોજ કુમાવતે જણાવ્યું હતું કે, મારા માતાને ડાયાબિટીસ હોવાથી હું ગઈકાલે તેમને રાજસ્થાનથી અમદાવાદ લાવ્યો હતો. રાજસ્થાન હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. આજે સવારે આગ લાગતા હોસ્પિટલ દ્વારા બાજુમાં આવેલી ધર્મશાળામાં મારી માતાને ખસેડવામાં આવ્યા છે. ત્યાં પણ તેમની સારવાર સારી રીતે કરવામાં આવી રહી છે. મારું વાહન અત્યારે બેઝમેન્ટમાં છે જેના માટે હું પાછો હોસ્પિટલ આવ્યો છું.

.