રાજકોટ12 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટના રૈયા રોડ પર આવેલા પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના ઘરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. રાજકોટ LCB ઝોન-2ની ટીમે વિજય ઉર્ફે ગલ્લો નામના શખસની ધરપકડ કરી ચોરીમાં ગયેલ સોના-ચાંદીના દાગીના સહિત કુલ 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઘરમાં રિનોવેશન કામ ચાલુ હતું, ત્યારે 23 જુલાઇથી 27 જુલાઇના સમય દરમિયાન ચોરી થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં પૂર્વ મેયરના પુત્રએ નોંધાવી હતી. રાજકોટ ગ્રામ્ય LCBએ શખસને ઝડપી 19 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી 3 વખત પોલીસે ચોપડે ચડી ચુક્યો છે.
પૂર્વ મેયરના ઘરમાં થયેલી ચોરીમાં એકની ધરપકડ
રાજકોટના પૂર્વ મેયર ગોવિંદ સોલંકીના ઘરમાં 19 લાખ રૂપિયાની ચોરી થયાની ફરિયાદ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાતા રાજકોટ શહેર પોલીસ દ્વારા ચોરીનો ભેદ ઉકેલવા અલગ અલગ ટિમો સાથે તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રાજકોટ શહેર LCB ઝોન-2ની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, ચોરીમાં રાજકોટના કુબલિયાપરા વિસ્તારમાં રહેતા વિજય ઉર્ફે ગલ્લો ધાંધલપરીયા (ઉં.વ.25)ની સંડોવણી છે. જેથી પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા તેને ચોરી અંગે કબૂલાત આપી હતી. તેના ઘરે તપાસ કરતા ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી પોલીસે 19 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉપરાંત ચોરીમાં અન્ય કોઈની સંડોવણી છે કે, કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ શખસ અગાઉ પણ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 3 વખત પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
મજૂરોની અમારા ઘરમાં અવરજવર રહેતી
રાજકોટના પૂર્વ મેયરના પુત્ર મોહીતભાઈ ગોવિંદભાઈ સોલંકી (ઉં.વ.44)એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, અમારા ઘરમાં છેલ્લા ત્રણેક મહિનાથી રિનોવેશનનું કામકાજ ચાલતુ હતું. જેથી અમારા ઘરે મારા પિતા એક જ હાજર રહેતા અને બીજા પરિવારના સભ્યો અમારા ઘરની બાજુમાં અમારી માલિકીનું બીજુ મકાન આવેલ છે, ત્યાં રહેતા હતા. અમારા ઘરમાં રિનોવેશન કામગીરીને લઈને કોન્ટ્રાકટર તથા બીજા મજૂરોની અમારા ઘરમાં અવરજવર રહેતી હોય છે. અમારા મકાનનુ રિનોવેશનનુ કામ ચાલું હતું અને મારા અમારા ઘરમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં મારા માતા-પિતાનો બેડરૂમ આવેલ છે. તથા અમારા ઘરે રીનોવેશનનું કામ ચાલુ હોય જેથી રસોડામાં અને પ્રથમ માળે બેડરૂમમાં બારીની લોખંડની ગ્રીલ પહેલેથી જ કાઢી નાખેલ છે તથા અમારા ઘરે ફળીયામાંથી ઉપરના માળે જવા માટે લોખંડની સીડી છે. જેમાંથી અમારા ઘરે અંદર-બહાર જઈ શકાય છે.
કબાટના દરવાજાનો લોક તુટેલો જોવા મળ્યો
ગઈ તા.22.07.2023ના રોજ સવારના આશરે 11 વાગ્યાની આસપાસ મારા માતા ભગવતીબેન પોતાના ઘરેણા જે પોતાના રૂમના લાકડાના કબાટમાં મુકેલ હતા. તેમાંથી જરૂરીયાત મુજબ ઘરેણા પહેરી અને બીજા ઘરેણા અંદર મુક્યાં હતા અને કબાટને લોક કર્યો હતો. બાદ તા.27.07.2023ના રોજ સવારના આશરે 10 વાગ્યે મારા માતા ભગવતીબેને પોતાના ઘરેણા પહેરવા માટે પોતાના રૂમમાં ગયેલ તો કબાટનો દરવાજો ખાલી આડો દીધેલો હતો. કબાટના દરવાજાનો લોક તુટેલો જોવા મળતા મારા માતાએ કબાટનો દરવાજો ખોલતા તેમાં જે ઘરેણાઓ કાપડની પોટલીમાં મુકેલ હતા, તે જોવામાં આવેલ ન હતા. જેથી મારા માતાએ મને બોલાવતા હું તાત્કાલિક આવી ગયો હતા અને મને મારા માતાએ જણાવેલ કે, કબાટમાં થોડા દિવસ પહેલા જે ઘરેણા મુકેલ હતા તે હાલ નથી.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
આ પછી મેં કબાટમાં સોનાના ઘરેણા ન હોવા બાબતની જાણ મારા પિતા ગોવિંદભાઈને કરી હતી. મારા પિતા આવી જતા અમારા ઘરેણા બાબતે અમારા ઘરમાં આજુબાજુ તપાસ કરતા મારા માતાના રૂમના કબાટમાં મુકેલ સોનાના દાગીનાની કોઇ ભાળ મળેલ નહિ. જેથી ચોરી થયેલ હોવાનું જણાતા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી.
.