- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- In Rajkot In 2000, Terrorists Kidnapped Two Hundred Traders And Demanded 20 Crores, Police Killed A Terrorist, Terrorist Organizations Threatened.
રાજકોટ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગુજરાત ATS દ્વારા રાજકોટની સોની બજારમાંથી 3 આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૂળ પશ્ચિમ બંગાળના 3 આતંકવાદી ઝડપાતાની સાથે જ બે દાયકા પહેલાના રાજકોટ સહિત દેશભરમાં ચકચાર જગવાનાર ભાસ્કર અને પરેશ અપહરણ કેસની યાદ તાજી થઈ છે. રાજકોટમાં 2000માં બે સોની વેપારી ભાસ્કર અને પરેશનું આતંકીઓએ અપહરણ કરી 20 કરોડની ખંડણી માગી હતી. જેમાં પોલીસે બન્ને અપહૃતને મુક્ત કરાવ્યા હતા. આ કેસમાં પકડાયેલ આરોપી આસીફ રઝાખાન ઉર્ફે રાજન આતંકવાદી સંગઠન સાથે સંકળાયેલો હતો. તે પણ મૂળ પશ્ચિમ બંગાળનો હતો. બાદમાં રઝાખાનનું પોલીસે રાજકોટમાં એકાઉન્ટર કર્યું હતું. આથી આતંકવાદી સંગઠનોએ રાજકોટમાં આતંક મચાવવાની ધમકી આપી હતી.
31 જુલાઈની રાતે રાજકોટમાંથી 3 આતંકી ઝડપાયા
ગુજરાત ATSના DYSP હર્ષ ઉપાધ્યાયને ગુપ્ત બાતમી મળી હતી કે, પશ્ચિમ બંગાળના વતની અમન સિરાજ, શુકર અલી અબ્દુલ્લા અને સૈફ નવાઝ નામના માણસો હાલમાં રાજકોટ સોની બજારમાં નોકરી કરે છે. આ ત્રણેય પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાયેલા છે અને રાજકોટમાં આ તંજીમનો પ્રચાર કરે છે. એટલું જ નહીં આ ત્રણેય આરોપીઓ રાજકોટમાં રહેતા બંગાળના અન્ય યુવાનોને આ તંજીમમાં જોડાવવા પ્રેરિત કરે છે. જેને લઈ અલગ અલગ બે ટીમ બનાવી છેલ્લા 10 દિવસથી સતત વોચ ગોઠવી ત્રણેય આતંકવાદીને 31 જુલાઈની રાત્રિના સમયે ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ ત્રણ આતંકીને ગુજરાત ATSએ પકડ્યા છે.
પોલીસે ત્રણેય આતંકીના 14 દિવસના રિમાન્ડ મેળવ્યા
ગુજરાત ATSએ ગત 31 જુલાઈના રોજ મૂળ પશ્ચિમ બંગાળના અને રાજકોટમાં રહી આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલા અબ્દુલ શુકરઅલી હજરત શેખ, અમન સિરાઝ મલીક અને સૈફ નવાઝ અબુ શાહીદની ધરપકડ કરી 14 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે. આ ત્રણેય આતંકી મૂળ પશ્ચિમ બંગાળના છે અને સોનીબજારમાં રહી અન્યોને આતંકી પ્રવૃત્તિમાં જોડાવવા કામ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલે એવું કહી શકાય કે, બે દાયકા બાદ ફરી આતંકવાદીઓનું રાજકોટની સોની બજાર કનેક્શન સામે આવ્યું છે. કારણ કે બે દાયકા પહેલા મૂળ પશ્ચિમ બંગાળના આરોપી અને આતંકી પ્રવૃત્તિ સાથે જોડાયેલ આસિફ રઝા ખાન અને અન્ય તેમની સાથેના આરોપીઓ દ્વારા સોની વેપારી ભાસ્કર પારેખ અને પરેશ શાહનું અપહરણ કરી ખંડણી માગવામાં આવી હતી.
2000માં બનેલી સમગ્ર ઘટના શું હતી?
આંતરરાષ્ટ્રીય માફિયા ફઝલ ઉર રહેમાનના ઇશારે રાજકોટના ઝવેરી પુત્ર ભાસ્કર પારેખનું 12 નવેમ્બર 2000ની રાતે અપહરણ થયું હતું. તેની સાથે તેના મિત્ર પરેશ શાહનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું. આ કેસમાં તત્કાલીન પોલીસ કમિશનર સુધીરકુમાર સિન્હાએ બ્રિટિશ અને ઇંગ્લેન્ડ પોલીસની મદદથી આરોપીઓના નામ ખોલાવ્યા હતા. તેમજ ભરૂચના થવા ગામે એક દિલધડક ઓપરેશન પાર પાડી અપહ્યત પરેશને મુક્ત કરાવ્યો હતો. આ ઓપરેશનમાં એક અપરાધી રાજસી હાથિયા મેર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો. જ્યારે આતંકી સંગઠન માટે કામ કરતો આસીફ રઝાખાન ઉર્ફે રાજન રાજકોટમાં પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર થયો હતો. જેને પગલે આતંકવાદી સંગઠનોએ રાજકોટમાં આતંક મચાવવાની ધમકી પણ આપી હતી. નોંધનીય છે કે, આસીફ રઝાખાનનો ભાઈ (IM) એટલે કે ઇન્ડિયન મુજાહિદીન સંસ્થાનો વડો છે.
રાજકોટની સોની બજારમાં 23 વર્ષમાં બીજી વખત આતંકી કનેક્શન ઝડપાયું.
રાજકોટના બે સોની વેપારીનું અપહરણ કરી 20 કરોડની ખંડણી માગી હતી
લંડન રહેતો જૈશ-એ-મહોમંદ આતંકવાદી ગ્રુપનો સિનિયર કમાન્ડન્ટ શેખ મહમંદ ઓમરે ભારતમાં ત્રાસવાદ ફેલાવવા આતંકવાદી સંગઠન રચવા માટે આફતાબ અહેમદ અંસારીને જવાબદારી સોંપી હતી. જો કે, આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવવા માટે ભંડોળ એકઠું કરવાની આસીફ રઝા ખાનને જવાબદારી સોંપાઈ હતી. આસીફે દિલ્હીના 4થી 5 યુવકને ગેંગમાં સામેલ કર્યા હતા. 12 નવેમ્બર, 2000ના રોજ રાજકોટમાં જ્વેલર્સની દુકાન ધરાવતા પરેશ શાહ અને ભાસ્કર પારેખનું અપહરણ કરાયું હતું. બંને અપહૃતોને 12થી 26 નવેમ્બર સુધી રાજપીપળાના ધર્મેન્દ્રસિંહ વસાવાના ઘરમાં ગોંધી રાખ્યા હતા. ઓમાર શેખે આપેલા લંડનના કાર્ડથી ફોન કરી આસિફે રૂ.20 કરોડની ખંડણી માગી હતી. જે પૈકી રૂ.1.50 કરોડ ચૂકવાયા હતા.
ત્રણ આતંકી રહેતા ત્યાં દીવાલ પર આ ફોટો લાગેલો હતો.
ફાયરિંગમાં આરોપી રાજશી હાથિયા મેરનું મૃત્યુ થયું હતું
દરમિયાન આ કેસની તપાસ કરી રહેલી રાજકોટ પોલીસે ખંડણી માટેના ફોન ટ્રેસ કરતાં લોકેશન રાજપીપળા આવતા ધર્મેન્દ્રસિંહના મકાનને ઘેરી અપહૃતોને છોડાવ્યા હતા. ફાયરિંગમાં આરોપી રાજશી હાથિયા મેરનું મૃત્યુ થયું હતું. બીજી તરફ 2001માં રાજપીપળામાં થયેલા એન્કાઉન્ટરમાં આસીફ રઝા પણ મોતને ભેટ્યો હતો.
31 જુલાઈએ 3 આતંકી ઝડપાયા ત્યારે લોકોના ટોળા એકત્ર થયા હતા.
પછીના વર્ષોમાં ભારતમાં શ્રેણીબદ્ધ બોમ્મ ધડાકા થયા
પછીના વર્ષોમાં આતંકવાદી સંગઠનોએ ભારતીય શહેરોમાં અનેક શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા કર્યા હતા, જેમાં 2007 ઉત્તર પ્રદેશ બોમ્બ ધડાકા, 2008 જયપુર બોમ્બ વિસ્ફોટ, 2008 અમદાવાદ બોમ્બ વિસ્ફોટ, 2008 દિલ્હી બોમ્બ વિસ્ફોટ, 2010 પુણે બોમ્બ વિસ્ફોટ, 2011 મુંબઈ બોમ્બ વિસ્ફોટ, 2011 દિલ્હી બોમ્બ વિસ્ફોટ, 2013 પટના બોમ્બ વિસ્ફોટ, 2013 હૈદરાબાદ વિસ્ફોટો અને 2013 બોધ ગયા બોમ્બ ધડાકા કર્યા હતા.
.