અમદાવાદ6 કલાક પહેલા
- કૉપી લિંક
અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન મેટ્રો ટ્રેનના રૂટ ઉપર આવેલા રોડ તૂટી જવા અને પડેલા ખાડાને પગલે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને મેટ્રો રેલના અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. શહેરના મેટ્રો રેલ રૂટ ઉપર અનેક જગ્યાએ પડેલા ખાડાનું સમારકામ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મેટ્રોના અધિકારીઓ સાથે સંકલન કરી અને તમામ આવા રોડ ઉપર ઝડપથી પેચવર્ક અને નવા રોડ બનાવવા અંગેની સૂચના આપવામાં આવી હતી. મેટ્રો રેલના પિલ્લર ઉપરથી વરસાદી પાણી નીચે પડે છે, જેના કારણે રોડ ઉપર પાણી ભરાઈ જાય છે અને ખાડા પણ પડે છે.
મેટ્રોના ઉપરનું પાણીના યોગ્ય નિકાલની સૂચના
મ્યુનિસિપલ કમિશનર અને કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ તેમજ મેટ્રો રેલના અધિકારીઓ સાથે આજે થયેલી બેઠકમાં મેટ્રો રેલના પિલ્લર અને ઉપરના ભાગેથી નીચે પાણી ન ટપકે તેના માટે થઈ અને યોગ્ય નિકાલ કરવા માટે પણ મેટ્રો રેલના અધિકારીઓને જણાવવામાં આવ્યું હતું. વરસાદી પાણીના નિકાલ માટે ત્યાં કેચપીટ બનાવવા માટેની પણ સૂચના તેઓને આપી હતી. દર વર્ષે મેટ્રો રેલના રૂટ ઉપર ખાડા પડે છે જે ખાડા પડવાના કારણે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડે છે. કોર્પોરેશન અને મેટ્રો રેલના સંકલનના અભાવના કારણે કામગીરી થતી નથી, જેને લઇ આજે આ બેઠક કરવામાં આવી હતી અને અધિકારીઓએ સંકલન કરી અને ઝડપથી કામગીરી કરવા જણાવ્યું હતું.
AMC કમિશનરની રીવ્યુ બેઠક
મ્યુનિસિપલ કમિશનર દ્વારા આજે રીવ્યુ બેઠક કરવામાં આવી હતી. જેમાં એસ્ટેટ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અને સીએનસીડી વિભાગના અધિકારીઓની કામગીરી સામે સખત નારાજગી વ્યક્ત કરી હતી. શહેરમાં ગેરકાયદે દબાણો અને પાર્કિંગ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ટકોર કરવામાં આવે છે, છતાં પણ એસ્ટેટ વિભાગની કામગીરી યોગ્ય કરવામાં આવતી નથી. રખડતાં ઢોરને લઈને પણ સીએનસીડી વિભાગના અધિકારીઓ સામે નારાજગી વ્યક્ત કરતા તેઓએ જણાવ્યું હતું કે, રોડ ઉપર અનેક જગ્યાએ રખડતા ઢોર જોવા મળે છે. ઠેર ઠેર રોડ ઉપર ઢોર હોવા છતાં પણ યોગ્ય કામગીરી કરવામાં આવતી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના નેતાઓ અને અન્ય રાજકારણીઓ એસ્ટેટ અને સીએનસીડી વિભાગની કામગીરીથી નાખુશ છે.
સોલિડ વેસ્ટ વિભાગ સામે નારાજગી
વરસાદ બાદ શહેરમાં રોડ ઉપર સફાઈ અને કાદવ કીચડને લઈને પણ મ્યુનિસિપલ કમિશનરે સોલિડ વેસ્ટ વિભાગ સામે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે, વરસાદ બંધ થયા બાદ પણ હજી અનેક જગ્યાએ કાદવ કીચડ અને ગંદકી જોવા મળે છે. જેથી રોડ ઉપર જ્યાં પણ આવા કાદવ કિચન હોય ત્યાં ઝડપથી સફાઈ કરાવો અને ત્યાં દવાનો છંટકાવ કરવો જોઈએ જેનાથી રોગચાળો ન ફેલાય. રોડ ઉપર સફાઈ થવી જોઈએ તે થતી નથી.
.