રાજકોટ41 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટ મહાનગરપાલિકાનાં વિવિધ વિભાગો દ્વારા હાલ જુદા-જુદા મુદ્દે સઘન કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં એસ્ટેટ વિભાગ દ્વારા લાંબા સમયથી ભાડા નહીં ભરતા વધુ 33 આસામીઓની દુકાનો સીલ કરવામાં આવી હતી. જોકે 10 દુકાનદારે 16.80 લાખ ભરી દેતા આ સિવાયની 23 દુકાનોને સીલ કરી દેવામાં આવી હતી. બીજીતરફ સિંગલ યુઝ પ્લાષ્ટીક વિરોધી ઝુંબેશ અંતર્ગત 105 વેપારીઓ પાસેથી કુલ 11 કિલો પ્લાષ્ટીક જપ્ત કરવામાં આવ્યું હતું. અને રૂ. 35,500નો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
વ્યાજ સહિતની 16.80 લાખની રકમ ભરી દીધી
પ્રાપ્ત વિગત મુજબ મનપાના 6 શોપીંગ સેન્ટરમાં દુકાન ધરાવતા 33 દુકાનધારકો લાંબા સમયથી ભાડુ ભરતા ન હતા. તાજેતરમાં ભાડુ ભરવાની અંતિમ નોટીસ આપીને સીલની ચેતવણી આપવામાં આવી હતી. આથી દસ દુકાનદારે બાકી ભાડાની વ્યાજ સહિતની રૂા. 16.80 લાખની રકમ ભરી દીધી છે. જયારે 23 દુકાનદારોએ બાકી ભાડાની રકમ નહીં ભરતા તેને સીલ મારી દેવામાં આવ્યા હતા. તેમજ આ દુકાનદારોને કાનુની નોટીસ આપવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે જગ્યાએ સીલ મારવામાં આવ્યા તેમાં ઢેબર રોડ પીજીવીસીએલ કચેરી પાસેનાં શોપીંગ સેન્ટરની 5 દુકાન, ગેલેકસી સામેના શોપીંગ સેન્ટરમાં 5, જયુબીલી લોટરી બજારમાં 11, ગુમાનસિંહજી શોપીંગ સેન્ટર અને ત્રિકોણબાગ પાસેના શોપીંગ સેન્ટરમાં એક-એક દુકાનો સામેલ છે.
પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ સામે ઝુંબેશ
બીજીતરફ શહેરમાં ચા-પાનની દુકાનો અને છુટક સામાનની દુકાનોમાં ઉપયોગમાં લેવામાં આવતા ઝબલા, કોથળી સહિતના પ્રતિબંધિત પ્લાસ્ટીકના ઉપયોગ સામે ઝુંબેશ આગળ વધી છે. જેમાં વધુ 105 વેપારીઓને ત્યાંથી 11 કિલો પ્લાસ્ટીક પકડી રૂા.35,500નો દંડ કરવામાં આવ્યો હતો. જેમાં વોર્ડ નં.2, 3, 7, 13, 14 તથા 17માં બજરંગવાડી, જામટાવર, કસ્તુરબા રોડ, ઢેબર રોડ, કનક રોડ, યાજ્ઞિક રોડ, રેલ્વે સ્ટેશન રોડ, જયુબેલી રોડ, કૃષ્ણનગર મેઇન રોડ, મવડી રોડ, ગોંડલ રોડ, કોઠારીયા રોડ, કેનાલ રોડ, ગાયત્રીનગર મેઇન રોડ અને સહકાર રોડ વિસ્તારમાં 41 આસામીે પાસેથી 3.9 કિલો ઝબલા જપ્ત કરી રૂ.13,300નો વહીવટી ચાર્જ વસુલ્યો હતો.
પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી ચાર્જ વસુલાયો
આ ઉપરાંત વોર્ડ નં.1, 8, 9, 10, 11 તથા 12માં 150 ફુટ રીંગ રોડ, બાલાજી હોલ, મવડી ચોક, નાનામવા રોડ, રાજનગર ચોક, રૈયા ચોક, યુનિવર્સીટી રોડ, કાલાવડ રોડ વિસ્તારમાં 42 આસામીઓ પાસેથી 4.5 કિલો ઝબલા પકડી રૂ.15,250 જેટલો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. અને વોર્ડ નં.4, 5, 6, 15, 16 તથા 18માં મોરબી રોડ, દુધસાગર રોડ, સંતકબીર રોડ, ભાવનગર રોડ, 80 ફુટ રોડ, કોઠારીયા મેઇન રોડ પર 22 આસામીઓ પાસેથી 2.550 કિલો જેટલુ પ્રતિબંધિત પ્લાસ્ટીક જપ્ત કરી રૂ.7,250નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો.
.