અરવલ્લી (મોડાસા)10 મિનિટ પહેલા
- કૉપી લિંક
ચોમાસુ આવે એટલે વરસાદના કારણે રસ્તા, પ્રોટેક્શન વોલ વગેરે સરકારી કામગીરીની ગુણવત્તા બાબતે કેટલી યોગ્યતા કામમાં જળવાઈ છે એ બાબતનો ખ્યાલ આવી જાય છે. ત્યારે ભિલોડાના સુનસરથી ખાપરેટા તરફના 3.5 કિલોમીટર રોડના કામમાં તંત્રની પોલ ખુલવા પામી છે.
ભિલોડાના સુનસરથી ખાપરેટા તરફનો રોડ આ વિસ્તારના ગ્રામજનો મહા મુશ્કેલીથી મંજૂર કરાવી લાવ્યા હતા અને તંત્ર દ્વારા ડામરનો રોડ બનાવ્યો પણ ખરો. પરંતુ લગભગ પોણા બે કરોડના ખર્ચે બનેલા પેવર રોડ પર પણ મોટા મોટા ભુવા પડ્યા છે. રોડની એક તરફ તૂટીને નીચે લગભગ પાંચ ફૂટ જેટલું પોલાણ જોવા મળ્યું હતું. પેવર રોડ બનાવતી વખતે નીચે કોઈ જાતનું મટિરિયલ નાખ્યું જ નથી જેથી આ રોડ પર મોટા ભુવા પડ્યા છે. લગભગ ત્રણથી ચાર જગ્યાએ ભુવા પડેલા જોવા મળ્યા હતા. ત્યારે તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.
ખાપરેટા જતા આસપાસ જંગલનું સામ્રાજ્ય છે. મોટા મોટા ડુંગર આવેલા છે. જેથી ડુંગર પરથી પાણીનો મારો સીધો રોડ પર ના આવે એ માટે તંત્ર દ્વારા પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી હતી. જે હલકી ગુણવત્તાવાળું કામ હોવાના કારણે તૂટી ગઈ છે. આ પ્રોટેક્શન વોલ રોડના એક છેડેથી પાંચથી સાત ફૂટ જેટલી ખસી ગઈ છે. ત્યારે આ કામમાં પણ તંત્રની પોલ ખુલી છે. આમ આઝાદી પછી પહેલીવાર આ વિસ્તારના લોકોને ડામર રોડની સુવિધા પ્રાપ્ત થઈ પણ તંત્રની બેદરકારીના કારણે રોડ તૂટી ગયો છે. ત્યારે આ રોડ ઝડપી ગુણવત્તા સભર રીપેર થાય એવી સ્થાનિકોની માગ છે.