ગાંધીનગરએક કલાક પહેલાલેખક: દિનેશ જોષી
- કૉપી લિંક
- પત્રિકાકાંડમાં ટોચની શૈક્ષણિક સંસ્થાના પૂર્વ વડાની ભૂમિકા, એસઓજીના દુરુપયોગનો દાવો
ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ આખરે રાજીનામું આપ્યું હોવાનું સ્વીકાર્યું છે. અંગત કારણોસર તેમણે અઠવાડિયા પહેલા રાજીનામું આપ્યું હતું અને તે સ્વીકારાઇ ગયું હોવાની પુષ્ટિ અન્ય પ્રદેશ મહામંત્રી રજની પટેલે કમલમ ખાતેથી કરી આપી. આગામી સમયમાં ગુજરાત ભાજપનું સમૂળગું સંગઠન બદલાઇ જાય તેવા મજબૂત સંજોગો છે. આ કિસ્સામાં અધ્યક્ષ સી આર પાટીલની ટર્મ પણ પૂરી થયેલી ઘોષિત કરાય તો નવાઇ નહીં.
પ્રદીપસિંહે અંગત કારણોસર જવાબદારીમાંથી મુક્તિ માગી હોવાનું કહ્યું છે. તેમણે ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું કે થોડા જ સમયમાં ધૂંધળું વાતાવરણ સ્પષ્ટ થશે અને પરત ફરશે. તેમની પર લાગેલા આક્ષેપોમાંથી તેઓ સ્વચ્છ થઇને બહાર આવશે. વાઘેલાનો આ કિસ્સો પ્રકાશમાં આવ્યો તે પાછળની એક ઘટના જવાબદાર છે, જેમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેલા મુકેશ શાહ અને જીમિત શાહે બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેનો દુરુપયોગ કરવાની ફરિયાદ નોંધાઇ હતી. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે તેમની ધરપકડ કર્યાં બાદ તેવું જાણમાં આવ્યું છે કે આ પિતા-પુત્ર પ્રદીપસિંહ વાઘેલાની સામે પડેલા હતા. તેઓએ પ્રદીપસિંહ વિરુદ્ધ કેટલીક પત્રિકાઓ છપાવીને ફરતી કરી હતી અને તે વાત છેક હાઇ કમાન્ડ સુધી પહોંચી ગઇ હતી. મુકેશ શાહ અગાઉ અમદાવાદ જિલ્લા પંચાયતના ઇજનેર હતા અને તેમણે નિવૃત્તિ પહેલાના પોતાના હોદ્દાના નકલી સિક્કા બનાવડાવ્યા હતા.
ભાજપના સૂત્રો જણાવે છે કે પ્રદિપસિંહે કેટલીક એવી ગતિવિધી કરી હતી કે જેથી ભાજપના એક ખૂબ ઊંચા ગજાના નેતાના પરિવારને સીધી તકલીફ થાય. આ બાબતની ગંધ આ નેતાને આવી જતા તેમણે પ્રદિપસિંહ પોતાના એક સમયના ખૂબ અંગત હોવા છતાં તેમને સંગઠનમાંથી દૂર કરાવવા સીધી ભૂમિકા ભજવી હતી. હવે આ સંજોગોમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 12 ઓગસ્ટે ગુજરાત આવી રહ્યા છે. તેઓ કચ્છમાં એક ઔપચારિક કામ પતાવીને ભાજપની આ બબાલ સુલટાવવાના કામે લાગશે. આ પછી 13 તારીખે ત્રણેક દિવસના રોકાણ અર્થે પાટીલ પણ ગાંધીનગર આવી રહ્યા છે. હાલ ભાજપના સંગઠનમાં આ ઘટનાને લઇને સદંતર સોપો વ્યાપી ગયો છે. કમલમ કાર્યાલય પર શનિવારે યોજાયેલી એક પ્રેસ કોન્ફરન્સમાં પણ આ મુદ્દો જ ચર્ચાયો.
SOGએ પણ બારોબાર તપાસમાં ઝંપલાવ્યું અને દિલ્હી સુધી વાત પહોંચી
વાઘેલાને પોતાના વિરુદ્ધની પત્રિકાની મૌખિક તપાસ કરાવવા જતા રાજીનામું આપવાની નોબત આવી
એસઓજીના ડીસીપીનો દાવો, અમે યુનિ.ના પૂર્વ વડાની પૂછપરછ કરી નથી
ભા જપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું માગી લેવાયું, તેની પાછળ આંતરિક રાજકારણ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (ક્રાઇમ બ્રાંચ)નો દુરુપયોગ કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા અને પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તત્કાલીન વડાએ પત્રિકા બનાવી આ જ સંસ્થાની કર્મચારીના ભાજપ સાથે જોડાયેલા પતિને ફરતી કરવા આપી હતી. મહિલા કર્મચારીના પતિએ આ પત્રિકા દિલ્હીના નેતાઓ સાથે સીધા સંપર્કમાં રહેતા ભાજપના જ એક યુવા કાર્યકરને આપી હતી. ખરેખર આ ઘટનાક્રમ સાચો હતો કે ખોટો તે પ્રદીપસિંહને પણ ખબર ન હતી, પણ તેમણે સરકારના એક મંત્રીનો સંપર્ક સાધ્યો. ત્યાર બાદ તેમની સીધી સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ કે જેનું કામ ડ્રગ્ઝ કે ફેક કરન્સી જેવા રેકેટ પકડવાનું છે, તેણે પત્રિકા યુદ્ધની તપાસ મંત્રીની મૌખિક સૂચનાથી શરૂ કરી દીધી.
સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના વડા અધિકારીએ એક પછી એક શૈક્ષણિક સંસ્થાના પૂર્વ વડા, મહિલા કર્મચારી અને તેમના પતિ સહિતનાને બોલાવી પૂછપરછ શરૂ કરી. એક તરફ પોલીસે આ દોર ચાલુ રાખ્યો અને બીજી તરફ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે દિલ્હીના નેતાઓ સાથે સીધો સંપર્ક ધરાવતા યુવા કાર્યકર જિમિત શાહના ઘરે દરોડો પાડયો. અહીંથી પોલીસને પત્રિકાને લગતી સામગ્રી તો ન મળી, પરંતુ તેના ઘરેથી નકલી રબર સ્ટેમ્પ મળ્યાં.
આ અંગે એસઓજીએ જિમિત શાહ અને તેના પિતા સામે ગુનો નોંધી ધરપકડ પણ કરી. પત્રિકાની તપાસ કરતા નવો ગુનો નોંધાયો, પરંતુ આખા કિસ્સામાં એસઓજીની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા અને આ માહિતી પણ દિલ્હી સુધી પહોંચી ગઈ. આ અગાઉ પણ પ્રદીપસિંહ વાઘેલા સામે જમીનની ફરિયાદો દિલ્હી સુધી ગઈ હતી અને તેમાં ઉક્ત બાબતોનો ઉમેરો થયો અને ત્યાર બાદ તેમનું રાજીનામું માગી લેવાયું હોવાનું મનાઈ રહ્યું છે. જોકે એસઓજી ડીસીપી જયરાજસિંહ વાળાને ‘gnews24x7’એ ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ હિમાંશુ પંડ્યા, મનીષ શાહ અને તેમની પત્નીની પૂછપરછ કરી છે કે નહીં તે અંગે પૂછતા તેમણે કહ્યું કે, અમે હિમાંશુ પંડ્યા, મનીષ શાહ કે તેમની પત્નીને કોઈ પણ બાબતે પૂછપરછ માટે બોલાવ્યા નથી.
આંતરિક કાપાકાપી માટે ભાજપના અલગ-અલગ જૂથો જવાબદાર, ટૂંક સમયમાં મોટી સર્જરીની તૈયારી
ભા જપ શિસ્તબદ્ધ પાર્ટી હોવાનું લેબલ કેટલાંય સમયથી લાગેલું હતું અને તેમાં પણ ગુજરાત ભાજપના સંગઠનના તો દેશ સ્તરે દાખલાં અપાતાં હતાં. પરંતુ છેલ્લા કેટલાંક સમયથી અને તેમાંય પાછલાં ત્રણેક વર્ષમાં ગુજરાત ભાજપમાં કિન્નાખોરી અને જૂથવાદ ખૂબ વકર્યો છે. સરકાર અને સંગઠન એક જ પક્ષની હોવા છતાં સમાંતર રીતે ચાલવાને બદલે એકબીજાને ટકરાઇ રહ્યા છે.
આ બધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતમાંથી દિલ્હી ગયા બાદ શરૂ થયું હતું, પરંતુ આ ટકરાવ આટલો મોટો ન હતો, જેટલો છેલ્લાં ત્રણેક વર્ષમાં વધ્યો. ભાજપની સરકારના મંત્રીઓ વચ્ચે પણ એટલો ભાઇચારો નથી, તો સંગઠનમાં ભંગાણ કેટલાંય સમયથી ચાલી રહ્યું છે. પહેલા સંગઠન મહામંત્રી ભીખુ દલસાણિયાની હકાલપટ્ટીથી શરૂ થયેલી આ વાત વિજય રૂપાણી સરકારના પતન અને તે પછી હવે મહામંત્રીઓ ભાર્ગવ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાના રાજીનામાં સુધી પહોંચી છે. આ આંતરિક કાપાકાપી માટે ભાજપનાં અલગ-અલગ જૂથો જવાબદાર છે. ભાજપમાં અગાઉ ક્યારેય આટલો જૂથવાદ ન હતો જે હવે વકર્યો છે.
આગળ શું? નવનિયુકત નેતાઓના કારનામા જૂના ભાજપીઓએ જ દિલ્હી પહોંચાડયા
ભાજપે પ્રદેશ માળખાના બે નેતાઓના રાજીનામાં લીધાં, હજુ વધુ 5ના લેવાશે
જેમણે ભાજપ ઊભો કર્યો તેવા નેતાઓએ જ પાર્ટીની ઇમેજ બગાડતા નવનિયુકત નેતાઓ સામે જંગ છેડ્યો
પ્રદેશ ભાજપના નેતાઓ પાર્ટી પ્રથમને બદલે પોતે જ પ્રથમ અને પાર્ટી પછી તેવું વલણ અપનાવતા છેલ્લા કેટલાક સમયથી ભાજપ જેમણે ઉભો કર્યુ છે તેવા નેતાઓ નારાજ હતા. આ નેતાઓએ નવાસવા પદાધિકારી બનેલા ભાજપના નેતાઓ પર વોચ ગોઠવતા તેમના કારનામાં બહાર આવ્યા હતા. આ કારનામાને પરિણામે સીધા દિલ્હી પહોંચાડવામાં આવતા એક પછી એક રાજીનામાં પડી રહ્યા છે. ભાજપ પ્રદેશ આઇટી સેલના સહ-કન્વીનર મહેશ મોદીનું રાજીનામું અને પછી પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું લેવાઇ ગયું. અત્યાર સુધી પ્રદેશ કક્ષાએથી 2ના રાજીનામાં લેવાયા, હજુ વધુ 5ના રાજીનામાં લેવાશે.
પ્રદેશ ભાજપના માળખામાં સ્થાન મેળવનાર કેટલાક નેતાઓના વલણ, અહંમ અને વ્યવહારથી છેલ્લા કેટલાક સમયથી મૂળ ભાજપી નેતાઓ નારાજ હતા. પણ, સમસમીને બેઠા હતા. તેઓ સમસમીને બેસી ગયા પણ તેમણે પ્રદેશ માળખામાં મુકાયેલા નવનિયુતકત નેતાઓની ઊંડાણપૂર્વકની ખબર રાખવાનું છોડયું નહીં. બીજી ભાષામાં કહીંએ તો જાસૂસી છોડી નહીં. આ નેતાઓના વ્યવહાર અને વિવાદને બારીકાઇથી જોઇને તમામના પુરાવાઓ એકઠા કર્યા.
આ પુરાવારને આધારે દિલ્હી બેઠેલા મોવડી મંડળ સમક્ષ રજૂઆત કરી કે, આમના વલણ અને વ્યવહારથી ભાજપને નુકસાન થશે. આથી આંધળા વિશ્વાસે જે લોકોને નિયુકત કર્યા તેમના કારનામાથી દિલ્હીની નેતાગીરી પણ ચોંકી ગઇ. તેમણે સાફસફાઇ હાથ ધરી દીધી. આ સાફસફાઇના ભાગરૂપે મહેશ મોદીનું રાજીનામું 15 દિવસ પહેલા લેવાઇ ગયું. જો કે, તેઓ નાના કદના નેતા હોવાથી કોઇએ નોંધ લીધી નહીં, પણ મહામંત્રી સુધી વાત આવી એટલે સૌ ચોંકી ગયા.
પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું પણ રાજીનામું લઇ લેવામાં આવ્યું. હવે હજુ પ્રદેશ માળખામાં પેસી જનાર 5 વધુ નેતાઓનું રાજીનામું લેવાની તૈયારીઓ થઇ ગઇ છે, તેમાં તો મીડિયા સેલ સાથે સંકળાયેલા એક નેતાનું રાજીનામું લેવાઇ ગયું તેવી વાત બહાર આવી છે. જો કે, આ મુદ્દે સત્તાવાર રીતે પ્રદેશના નેતાઓ પણ કશું કહેવા તૈયાર નથી. આવા સંજોગોમાં ભાજપના સૂત્રોનું જ કહેવું છે કે હજુ 5 નેતાઓના રાજીનામાં લેવાશે. સાફસફાઇ એવી હાથ ધરવામાં આવશે કે આગામી લોકસભાની ચૂંટણી પહેલા પાર્ટી કરતા પોતાને મોટા ગણતા નેતાઓને ઘરે બેસાડવામાં આવશે.
.