વડોદરા32 મિનિટ પહેલા
- કૉપી લિંક
વડોદરાના કલાભુવનના પિરામિતાર રોડ પર કાછિયા પોળમાં ભાડાનું ઘર ખાલી કરવાની મહેતલના આખરી દિવસે વોચમેનના પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પત્ની અને પુત્રનું મોત થયું હતું, જ્યારે બચી ગયેલા વોચમેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં 12 કલાકની સારવાર બાદ તેમનું મોત થયું હતું. આજે ત્રણેયના મૃતદેહો લેવા મૃતક મુકેશભાઇના બે ભાઈ આવ્યા હતા અને તેમને પોલીસે મૃતદેહો સોંપ્યા હતા. આ ઉપરાંત મૃતક નયનાબેનના ભાઈ સુરતથી વડોદરા આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા મારી બહેને મારો ફોન ઉઠાવ્યો હતો તો તેમના પરિવારે આ પગલું ના ભરવું પડ્યું હોત, હું તેમની મદદ જરૂર કરી હોત.
છેલ્લે ગત રક્ષાબંધનને મળ્યા હતા
મૃતક નયનાબેન પંચાલના ભાઈ કલ્પેશ સુથારે જણાવ્યું હતું કે, જમાનો અત્યારે મોંઘવારીનો છે. મને અત્યારે ખબર પડી કે, હાલ તેઓને પૈસાની તફલીક હતી. મેં દરેક વખતે મારી બહેનની મદદ કરી હતી, ખબર નહી આ વખતે મને કેમ ન કીધું કે, ભાઈ પૈસાની મારે જરૂર છે, મને કીધું હોત તો હું જરૂર મદદ કરી હોત. જ્યારે કામ હોય ત્યારે 6 કે, 12 મહિને ફોન કરતી હતી અને હું ફોન કરું તો તેમના ઘરનો નંબર કાયમ માટે બિઝી કે બંધ આવતો હતો. છેલ્લે બે ત્રણ દિવસ પહેલા કોન્ટેક્ટ કરેલો પણ કોઈ એ કોલ ઉપાડ્યો નથી. તેને કોલ ઉઠાવ્યો હોત તો હું કદાચ તેમને આ પગલું ન ભરવું પડ્યું હોત.
છેલ્લે રક્ષાબંધન પર હું મળ્યો હતો
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લે રક્ષાબંધન પર હું મળ્યો હતો. તે વખતે મેં નવો ફ્લેટ રાખ્યો હતો ત્યારે જોવા અને રક્ષાબંધન કરવા માટે આવ્યા હતા. હું સુરતમાં રહુ છું અને તે બરોડા જેથી તેઓના ઘરમાં શું ચાલતું હતું. તેની ખબર ન હોય. એનો છોકરો છેલ્લા બે વર્ષથી કઈ કામ ધંધો કરતો ન હતો. તેઓનો સ્વભાવ એવો હતો. બનેવીના બે સગા ભાઈ અને મારી બહેનના બે જેઠ છે તેઓની સાથે સંબંધ ન હતો તો મારી વાત તો બહુ દુરની રહીને. મને કોલ કર્યો હોત તો હુ ચોક્કસ મદદ કરતો.
તેમનું ઘર બચાવી શક્યા નથી તો હું શું કહું
મૃતક મુકેશ પંચાલના નાનાભાઈ સંજય પંચાલે જણાવ્યું હતું કે, મારા ભાઈના પરિવાર અંગે અમે કશું જાણતા નથી. છેલ્લા પંદર વર્ષની તેઓ અમારી સાથે વાત કરતા નહોતા. મારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખ્યા નહોતા. મારા મોટા ભાઈ હોવા છતાં તેઓએ મને એમનો મોબાઈલ નંબર પણ આપ્યો નહોતો. તેઓ પોતાનું ઘર જ બચાવી શક્યા નથી. તો હું શું કહું.
પોલીસે તપાસ શરૂ કરી
કાછિયા પોળમાં ભાડે રહેતા અને વોચમેનની નોકરી કરતા મુકેશ પંચાલ (ઉ.47), પત્ની નયનાબેન (ઉ.42) અને પુત્ર મિતુલે (ઉ.24) મંગળવારે વહેલી સવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં નયનાબેને પ્રથમ ઝેર પીધું હતું, પુત્ર મિતુલ ફાંસો ખાઈ પંખા પર લટકી ગયો હતો. જ્યારે મુકેશ પંચાલે ઝેર પીધા બાદ ગળા પર બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન નીચેના માળે રહેતી વાસંતી સિન્હાએ તેમને જોઈ જતાં બૂમાબૂમ કરતાં લોકો એકઠા થયા હતા. પાડોશીઓએ 108 એમ્બ્યુલન્સને ફોન કરતાં મુકેશભાઈને સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જોકે સારવારના 12 કલાક બાદ સાંજે એમઆઇસીયુમાં તેમનું પણ મોત થયું હતું. ઘટનાને પગલે સવારે ટોચના પોલીસ અધિકારીઓએ સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળેથી સુસાઈડ નોટ લખેલી ડાયરી કબજે કરી હતી.
પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં શું આવ્યું?
મિતુલ અને નયનાબહેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પેનલ પીએમ કરાયું હતું. પીએમ કરનાર ડો. દીપક વ્હોરાએ કહ્યું કે, મિતુલ અને નયનાબહેનના મૃત્યુના સમયમાં ઝાઝો ફરક નથી. ખૂબ નજીકના સમયમાં બંનેનાં મૃત્યુ થયાં હશે અને અડધી રાતે આત્મહત્યા કરી હતી. નયનાબહેનને ઝેરી દવા પીધી હતી અને ઓઢણી વડે ટૂંપો ખાધો હતો. જોકે તેઓનું મોત ઝેરી દવાથી થયું છે અને મિતુલનું મૃત્યુ ફાંસો ખાવાથી થયું છે. મિતુલના હાથ બંધાયેલા હતા
જે લોકો મરવા જ માગતાં હોય તે આવું કરે- તબીબ
તે અંગે તબીબે જણાવ્યું હતું કે, જે લોકો મરવા જ માગતાં હોય તે આવું કરે છે. ભૂતકાળમાં ઘણા મૃતદેહો અમારી પાસે આવ્યા હતા. તેઓ પહેલાં ગળે દોરીનો ગોળિયો પહેરી લે છે, બાદમાં કોઈ પ્લેટફોર્મ ૫૨ ઊભા રહી જાય છે અને છેલ્લે હાથ બાંધી દે છે અને આત્મહત્યા કરી લે છે. નયનાબહેને માત્ર ઝેર પીધું હતું. તેઓએ કોઈ વસ્તુ સાથે ઝેર લીધું નથી, જેથી કહી શકાય કે, તેમણે ઝેરની બોટલ પી લીધી હશે.
.