બાયડ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
- બાયડ હાઈસ્કૂલ દ્વારા ગરીબ પરિવારની દીકરીનું બહુમાન કરાયું
બાયડમાં કોઈપણ ટ્યૂશન વગર ગરીબ પરિવારમાંથી આવતી ખેત મજૂરની દીકરીએ હિંમતનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવી પરિવારને નવી દિશા આપવી દીધી છે. જેનું બાયડ હાઇસ્કૂલના સ્ટાફ દ્વારા સન્માન કરાયું હતું.
બાયડમાં ખેત મજૂરી લારી ચલાવી ગુજરાન ચલાવતા રમેશ બાબુભાઈ વસાવા તથા સવિતાબેન બાબુભાઈ વસાવાની પુત્રી વસાવા સુશીલા ભણવામાં શરૂઆતથી જ ખૂબ હોંશિયાર હતી. પરિવારમાં આર્થિકથી માંડી અનેક સમસ્યાઓ વચ્ચે તેને ભણતર પ્રત્યે એકાગ્રતા મેળવી હતી. ધો- 10માં સુશીલાએ 97.50 ટકા પર્સન્ટાઈલ રેન્ક મેળવ્યો હતો. ધો. 12 માં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી તાજેતરમાં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં 93.82 ટકા પર્સન્ટાઇલ રેન્ક મેળવ્યો હતો.
ત્યારબાદ નીટ ની પરીક્ષામાં પણ 311 ઉપરાંત માર્ક મેળવી જીએમઇઆરએસ મેડિકલ કોલેજ હિંમતનગરમાં પ્રવેશ મેડિકલમાં મેળવી પરિવારનું નામ રોશન કરી દીધું હતું કોઈપણ ટ્યૂશનક્લાસ કે કોચિંગ ક્લાસમાં પ્રવેશ લીધા વિના જ ધો. 12 સાયન્સ તથા નીટમાં ઉત્તિર્ણ થતાં બાયડ હાઇસ્કૂલમાં આનંદ છવાઈ ગયો હતો.
બાયડ હાઈસ્કૂલના આચાર્ય સુનિલભાઈ પટેલ કેળવણી મંડળના ચેરમેન મોતીભાઈ પટેલ સેક્રેટરી વિનુભાઈ પટેલે આ ગરીબ પરિવારની વિદ્યાર્થિનીને મેડિકલમાં પ્રવેશ મેળવવાને લઈ બહુમાન કર્યું હતું. દિવસમાં ઘરકામ કરી શાળામાં જઈ સતત છ કલાક મહેનત કરતાં તેને સફળતા મળી હતી. હિંમતનગરમાં મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવનાર સુશીલાનો એક ભાઈ ટ્રેક્ટર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે.
.