ફ્રેન્ડશીપ ડેના દિવસે ડુમસ દરિયામાં નાહવા પડેલા બે મિત્રોમાંથી એક તણાઈ ગયો; મોડી રાત સુધી પત્તો ન લાગ્યો | Strained in front of friends

Spread the love

સુરત15 મિનિટ પહેલા

  • કૉપી લિંક

ગતરોજ રવિવારની રજા અને ફ્રેન્ડશિપ ડેના દિવસે ભાઠેના વિસ્તારમાંથી પાંચ મિત્રો ફરવા માટે ડુમસ બીચ ગયા હતા. ડુમસ દરિયામાં ગણેશ મંદિર પાછળ નાહવા પડેલા બે મિત્રો પૈકી એક કિશોર લાપતા થયો છે, જ્યારે બીજા મિત્રનો ચમત્કારિક બચાવ થયો હતો. મોડી રાત સુધી ફાયરના જવાનોએ કિશોરની શોધખોળ ચાલુ રાખી હોવા છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. આજે સવારથી ફરી શોધખોળ હાથ ધરવામાં આવી છે.

પાંચ પૈકી બે મિત્રો દરિયામાં નહાવા પડ્યા હતા
સુરતના ભાઠેના વિસ્તારના ખોડીયાર નગર, પુષ્પા નગરમાં રહેતા પાંચ મિત્રો રવિવારની રજા હોવાને કારણે ફરવા માટે સાંજે ડુમ્મસ દરિયા કિનારે ગયા હતા. બીચ ઉપર દરિયા ગણેશ મંદિરની પાછળ પાંચ મિત્રો પૈકી 13 વર્ષીય કિશોર પિયુષ સંજયભાઈ યાદવ અને 17 વર્ષીય સત્યમ ચૌહાણ દરિયામાં નાહવા માટે ઉતર્યા હતા. આ સમયે દરિયામાં ભરતીના પાણી ફરી વળતા પિયુષ પાણીમાં તણાવા લાગ્યો હતો. જ્યારે સત્યમ પાણીમાંથી બહાર આવી ગયો હતો.

જોતજોતામાં દરિયાના પાણીમાં તણાઈ ગયો
કોઈ પાણીમાં તણાઈ રહ્યું છે તેવું લાગતા દરિયા કિનારે સહેલાણીઓની ભીડ પણ મોટા પ્રમાણમાં એકત્ર થઇ હતી. ત્યારબાદ ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવતા વેસુ ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ઓફિસર મારુતિ સોનવણેએ જણાવ્યું હતું કે, પિયુષ જ્યારે પાણીમાં નાહવા પડ્યો હતો તે સમેયે દરીયાની લહેરો ઉંચે સુધી ઉઠી હતી. આ જોઈને બહાર બેઠેલા અન્ય મિત્રોએ બૂમાબૂમ કરી દીધી હતી. આ દરમિયાન સત્યમ ચૌહાણ ત્વરિત દોડીને બહાર આવી ગયો હતો, જો કે, પિયુષના કમર સુધી પાણી આવી ગયા હોવા છતાં તે પાણીમાંથી બહાર નીકળ્યો ન હતો. જોતજોતામાં તે દરિયાના પાણીમાં તણાઈ ગયો હતો.

મોડી રાત સુધી શોધખોળ કરી પણ પત્તો ન લાગ્યો
વેસુ ફાયર સ્ટેશનના જવાનોએ લગભગ દોઢ કિલોમીટર અંદર સુધી તેની શોધખોળ મોડી રાત સુધી ચાલુ રાખી હતી તેમ છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ઘટનાની જાણ પિયુષના પરિવારને થતા તેનો આખો પરિવાર શોકમગ્ન થઇ ગયો હતો. આજે સવારે ફરી શોધખોળ હાથ ધરવામાં આવી છે. દરિયા ઉપ૨ મૌજુદ કોસ્ટગાર્ડ અને પોલીસની ટીમે અન્ય સહેલાણીઓને દરિયામાંથી બહાર આવી જવાની સૂચના પણ આપી હતી. હાલ તો ડુમસ પોલીસે ઘટના અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *