અમદાવાદએક કલાક પહેલાલેખક: વિજય ઝાલા
- કૉપી લિંક
- ભાજપના જિમિત શાહ સામે SOGની કાયદા વિરુદ્ધ કાર્યવાહી, નકલી રબર સ્ટેમ્પ કેસમાં કંપનીના માલિકને બદલે PSI જાતે ફરિયાદી બની ગયા
- મૌખિક સૂચનાથી SOGએ ભાજપના જિમિત શાહના ઘરે દરોડો પાડ્યો હતો
ભાજપના નેતા પ્રદીપસિંહના પત્રિકાકાંડ મામલે એસઓજીએ ભાજપના જ જિતિમ શાહના ઘરે દરોડો પાડીને તપાસ હાથ ધરી હતી. જેમાં પત્રિકાને લઈને કંઈ ન મળ્યું પરંતુ વટવાની એક કંપનીના રબર સ્ટેમ્પ મળી આવતા એસઓજીએ કંપની માલિકને ફરિયાદી બનાવવાના બદલે એસઓજીના જ પીએસઆઈ નિકુલસિહે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદી બની જતાં ભારે વિવાદ સર્જાયો છે. નિષ્ણાંત વકીલોના કહેવા મુજબ આવા કેસમાં ભોગ બનનાર એટલે કે કંપની માલિક જ ફરિયાદી બની શકે સરકાર તરફે થયેલી આ પ્રકારની ફરિયાદ કાયદાની વિરુદ્ધ ગણી શકાય.
આ મામલે સિનિયર એડવોકેટ અયાઝ શેખે જણાવ્યું હતું કે, એસઓજીનું કામ નાર્કોટિક્સ, બનાવટી ચલણી નોટ અને ત્રાસવાદી પ્રવૃતિઓ અંગે તપાસનું છે. સામાન્ય ગુનાઓમાં તેમણે કામગીરી હોતી નથી. આ કેસમાં ખરેખર એસઓજીએ અરજી ઝીરો નંબરથી નોંધી જે તે હકુમત માં ગુનો બન્યો હોય ત્યાંની પોલીસ સ્ટેશને ફરિયાદ ફોરવર્ડ કરી દેવી જોઇએ. આ ગુનામાં પ્રથમ ખબર આપનાર દિનેશ પટેલ છે. તો તેઓ જ ફરિયાદી બની શકે પીએસઆઇ ફરિયાદી ના બની શકે. કાયદા મુજબ તે ગેરકાયદેસર છે.
ભોગ બનનાર જ ફરિયાદી બની શકે
કાયદાની જોગવાઇ મુજબ ભોગ બનનાર વ્યકિત ફરિયાદ કરે તો પોલીસ ફરિયાદ તરીકે તે વ્યક્તિજ બની શકે છે, તેના બદલે પોલીસ કર્મમચારી ખુદ ફરિયાદી ના બની શકે.> ભરત શાહ, સિનિયર એડવોકેટ
કેસમાં આરોપીને ફાયદો મળી શકે છે
લેખિતમાં અરજી આપી હોય ત્યારેે તે વ્યક્તિ ફરિયાદી બની શકે,આ કિસ્સામાં પોલીસ ખુદ ફરિયાદી બની તે કાયાદની વિરુદ્ધ છે. આવા કેસમાં આરોપીને લાભ મળી શકે છે. > પ્રવિણ પહાડિયા, એડવોકેટ
વિધાનસભા ચૂંટણી પહેલા વાઘેલાને મોટા નેતા સાથે અંતર પડી ગયું હતુંં
ટિકિટ ન મળતાં સંગઠનનું કામ કર્યું, વિવાદોએ પીછો ન છોડ્યો
ગાંધીનગર
ભાજપના પ્રદેશ મહામંત્રી પદેથી રાજીનામું આપનારા પ્રદીપસિંહ વાઘેલાને ગત વિધાનસભા ચૂંટણીને લઇને જ ભાજપના એક મોટા નેતા સાથે આંટી પડી ગઇ હોવાનું ભાજપના સૂત્રો જણાવે છે. પ્રદીપસિંહ આમ તો આ નેતાના વિશ્વાસુ જ રહ્યા છે, પરંતુ ચૂંટણી વખતે બનેલી અમુક ઘટના તેમને નડી ગઇ. સાણંદ અને વેજલપુર બેઠક પરના વિવાદને કારણે તેમના પ્રત્યે પૂર્વગ્રહ બંધાયો હતો.
વાઘેલાને 2022માં ચૂંટણી લડવાની ઇચ્છા હતી. જો ચૂંટણીના ઘણાં સમય પહેલા સાણંદના જાહેર સભા પર ટિકિટ બાબતે થયેલી જાહેરાતથી તેમની ટિકિટ કપાઈ હતી.
ઉલ્લેખનીય છે કે સાણંદ પ્રદીપસિંહનું વતન છે અને તેઓ ત્યાંના ઉમેદવાર હોવા જોઇએ તેવી રાજપૂત ક્ષત્રિય સમાજે માગ જેતે સમયે માગણી પણ કરી હતી. આ પાછળ વાઘેલાનો હાથ હોવાનું ચિત્ર ઉપસ્યું કે ઉપસાવાયું હતું. તે પછી વેજલપુર બેઠક માટે પ્રદીપસિંહનું નામ ચર્ચામાં આવ્યું પરંતુ તેમને ટિકિટ મળી ન હતી.
વનરાજસિંહે રાજીનામું આપ્યાની વાત ફેલાઈ
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રદીપસિંહના નિકટના ગણાતા વનરાજસિંહ ચાવડાએ પણ સિન્ડિકેટ સભ્ય તરીકે રાજીનામું આપી દીધું હોવાની વાત ફેલાઈ હતી. આ અંગે કુલપતિ નીરજા ગુપ્તાએ સ્પષ્ટતા કરી હતી કે,વનરાજસિંહે રાજીનામું આપ્યું નથી. ઉલ્લેખનીય છે કે, વનરાજસિંહ યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિ વિભાગના વડા અને વિભાગમાં તેઓ એક માત્ર અધ્યાપક છે.
પત્રિકાકાંડમાં મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીના પુત્રની સંડોવણીની ચર્ચા
અધિકારીએ રાજીનામાની તૈયારી દર્શાવી
દિનેશ જોષી ગાંધીનગર
ભાજપમાં પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું લઇ લેવામાં આવ્યું. આ રાજીનામાં પાછળના અનેક કારણો છે. હવે તેના તાર મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચ્યાની ચર્ચા છે. પત્રિકા છાપવામાં મુખ્યમંત્રી કાર્યાલયના એક અધિકારીના પુત્રની ભૂમિકા સામે આવતા આ અધિકારી લાચાર બની ગયા અને તેમણે રાજીનામું આપવાની તૈયારી દર્શાવી હતી, પણ આ અધિકારીના ટોચના એક અધિકારી ગોડફાધર હોવાથી તેમણે રાજીનામું આપવાથી રોકી રાખ્યા છે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા અધિકારીઓ આમ તો કોઇ વિવાદમાં આવતા નથી. તેમને ખ્યાલ હોય છે કે, તેમણે ચોક્કસ પ્રકારની સાવધાની રાખીને કામ કરવાનું હોય છે, પણ ભૂતકાળમાં પરિવારને કારણે કે પરિવારના વ્યકિતના કારણે મુખ્યમંત્રી કે મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓ વિવાદમાં આવ્યા હોય તેવા અનેક દાખલા છે.
આ પત્રિકા કાંડમાં અધિકારીના પુત્રને પણ અંદાજ હતો નહીં કે, તેના પિતા પણ મુશ્કેલીમાં મુકાશે. પુત્રએ તો સંબંધમાં મદદરૂપ થવા પત્રિકા છાપી દીધી, પણ તપાસમાં અધિકારીના પુત્રનું નામ આવતા મામલો અધિકારી સુધી પહોંચ્યો હતો. આ અધિકારીના પુત્રનું પત્રિકા છાપવામાં નામ આવતા અધિકારીની કોઇ ભૂમિકા ન હોવા છતા તેઓ લાચાર થઇ ગયા હતા.
.