પોરબંદર24 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજ્યમાં ટેટ, ટાટ પાસ કરેલા હજારો ઉમેદવારોમાં સરકાર સામે વિરોધ જોવા મળ્યો છે. ગુજરાત રાજ્ય પરિક્ષા બોર્ડ દ્વારા 2022ના રોજ પ્રાથમિક શિક્ષક/વિધાસહાયક તરીકે નિમણૂક માટેનું જાહેરનામું બહાર પડાયું હતું, પરંતુ થોડા દિવસો પહેલા રાજ્ય સરકાર તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે, જ્ઞાન સહાયક યોજના લાગુ કરવામાં આવી છે. હવેથી 11 મહિના કોન્ટ્રાકટ પર ટેટ, ટાટ પાસ કરેલા ઉમેદવારોને શિક્ષક તરીકે ભરતી કરવામાં આવશે. TAT,TET વિધાસહાયકોના સમર્થનમાં પોરબંદર જિલ્લા NSUI દ્વારા આશ્ચર્યજન કાર્યક્રમ કરવામા આવ્યો હતો. જેમાં શહેરના મોટા ફુવારા પાસે ‘જ્ઞાન સહાયક યોજના રદ કરો, કાયમી શિક્ષકોની ભરતી કરો’ના નારા સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ નોધાવ્યો હતો. શિક્ષકોની કાયમી ધોરણે ભરતી કરવામાં આવે તેવી માગ સાથે રસ્તા રોકી ચક્કાજામ કરવામાં આવ્યો હતો. જેને લઈને પોલીસ દ્વારા એનએસયુઆઇના 25 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ NSUI મહામંત્રી કિશન રાઠોડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર યુવાનો સાથે મજાક કરી રહી છે. રાજ્ય સરકાર માત્ર ભરતીઓ બહાર પાડીને પરીક્ષા લઇ રહી છે, પરંતુ યુવાનોને નોકરી આપતી નથી. પરીક્ષામાં કૌભાંડો કરી રહી છે, યુવાનોની ઉંમર પુરી થવા આવે છે તૈયારી કરી અને પરિક્ષાઓ આપીને પરંતુ રાજ્ય સરકાર છેલ્લે લોલીપોપ આપી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી 11 મહિના કરાર પર નોકરી આપવાની જાહેરાત કરે છે. પ્રવાસી શિક્ષકનું નામ બદલીને જ્ઞાન સહાયક યોજના કરી હોય તેવુ લાગી રહ્યું છે. ક્યાં સુધી યુવાનો સાથે આવી જ મજાક રાજ્ય સરકાર કરતી આવશે?? આગામી દિવસોમાં જ્ઞાન સહાયક યોજના કાયમી ધોરણે રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં યુવાનો/ઉમેદવારોને સાથે રાખી પોરબંદર જિલ્લા NSUI ઉગ્ર આંદોલન કરશે.

આજે ગુજરાત પ્રદેશ NSUI મહાંમત્રી કિશન રાઠોડ, જયદિપ સોલંકી, રાજ પોપટ, ઉમેશરાજ બારૈયા, દિવ્યેશ સોલંકી, યશરાજ ચુડાસમા, ચિરાગ વદર, ચિરાગ ચાંચિયા, હિતેશ હુંણ, યશ ઓઝા, જયમલ ચેલાર, હિરેન મેઘનાથી, અકિબખાન પઠાણ, ફેઇઝલ, અક્ષય દવે, હરિત શાહ, સાહિલ વાજા, પાર્થ વરવાડિયા, દેવા ઓડેદરા સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.


