પાટણ20 મિનિટ પહેલા
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર
- 6 વર્ષ અગાઉ અપહરણ કરી રાજકોટ ખાતે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું
પાટણ શહેરમાં 6 વર્ષ અગાઉ સગીરાને અપહરણ કરી વિવિધ સ્થળે લઈ જઈ તેની સાથે શરીર સંબંધ કરતાં નોંધાયેલા દુષ્કર્મ અને પોકસોના ગુના અંગેનો કેસ પાટણના સ્પેશિયલ પોક્સો અને ત્રીજા એડિશનલ સેશન્સ જજ સમક્ષ ચાલી જતાં આરોપીને 7 વર્ષ સુધીની સખત કેદ અને રૂ.2 લાખ દંડની સજા ફરમાવી હતી.
આ કેસની હકીકત એવી છે કે, પાટણની 17 વર્ષિય સગીરાને શહેરના ઇન્દ્રપુરી સોસાયટીનો વતની અને બનાવ સમયે અમરેલી ખાતે રહેતો 22 વર્ષિય રીપલકુમાર પ્રમોદભાઈ પરમાર 16 જૂન 2017ના રોજ બપોરે ૧-૩૦ વાગ્યા બાઈક પર બેસાડી અપહરણ કરી ચોટીલા અને રાજકોટ ખાતે લઈ ગયો હતો. રાજકોટ ખાતે મકાન ભાડે રાખી સગીરાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. આ ઘટના અંગે સગીરાની માતાએ પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતાં પોલીસે દુષ્કર્મ અને પોકસો એકટ મુજબનો ગુનો નોંધી તપાસ કરી આરોપીને અટક કરી હતી. સગીરા તથા આરોપીની મેડીકલ તપાસ કરાવી ચાર્જશીટ દાખલ કર્યું હતું. આ કેસ પાટણના ત્રીજા એડિશનલ સેશન્સ જજ અને સ્પેશિયલ પોકસો જજ ગૌરાંગ જી શાહ સમક્ષ ચાલી જતા સરકારી વકીલ રાજેન્દ્ર પી રાવલ અને ગિરીશ પ્રિયદર્શીની રજૂઆતો બાદ આરોપીને આઇપીસી કલમ ૩૬૩માં આ 3 વર્ષની સખત કેદ અને રૂ.30,000 દંડ ,આઇપીસી કલમ 366ના ગુનામાં 5 વર્ષની સખત કેદ અને રૂ.70,000 દંડ જ્યારે આઇપીસી કલમ 376 અને પોક્સોના ગુનામાં 7 વર્ષની સખત કેદ અને રૂ.1 લાખ દંડ ની સજા ફરમાવી હતી. આરોપીએ તમામ સજા એક સાથે ભોગવવાની રહેશે તેમજ દંડની રકમ ભરપાઈ થયે રૂ.2,00,000 ભોગ બનનારને વળતર તરીકે ચૂકવવાની રહેશે .
આરોપીને સુધરવાની તક આપવી જોઈએ
આ કેસમાં આરોપીની નાની ઉંમર અને પરિવારની જવાબદારી ધ્યાને લઈ ઓછામાં ઓછી સજા કરવા વકીલ જી.કે.પંચાલે રજૂઆત કરી હતી જ્યારે સરકારી વકીલે મહત્તમ સજા કરવા દલીલ કરી હતી બંને પક્ષોની રજૂઆત સાંભળીને કોર્ટે ચુકાદો આપતાં નોંધ્યું હતું કે નાની વયમાં અણસમજમાં બંને વચ્ચે પ્રેમ સંબંધ થઈ ગયો હતો અને તેના કારણે આ ઘટના બની હતી ,ત્યારે આરોપીને સુધરવાની તક મળે તે માટે આજીવન કેદની મહત્તમ સજા નહીં કરતા ઓછી સજા કરવાનું ન્યાયોચિત્ત લાગે છે.
.