સિહોર38 મિનિટ પહેલા
- કૉપી લિંક
- વલભીપુર તાલુકાની 45 ગ્રામ પંચાયતો જયારે સિહોર તાલુકામાં 60 ગામોમાં વહીવટદારથી રોડવાતું ગાડું : અન્ય તાલુકાઓમાં પણ આ જ પરિસ્થિતી
- ભાવનગર જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંંટણી દોઢ વર્ષથી પાછી ઠેલાતા તલાટી કમ મંત્રીઓને વધારાના વહિવટદારના ચાર્જથી કામકાજનું વધતુ ભારણ
વલભીપુર તાલુકાના 45 ગ્રામ પંચાયતોમાં વહીવટદારોનું રાજ લાંબા સમયથી ચાલે છે. ઓ.બી.સી.અનામતનો નિર્ણય થતા સ્થાનીક સ્વરાજની ચુંટણીઓ દોઢ વર્ષથી થઇ નથી જેથી હાલમાં તો ગ્રામ પંચાયતોની ચુંટણી દોઢ વર્ષથી પાછી ઠેલાતા તલાટી કમ મંત્રીઓ પર વધતુ ભારણ વધ્યુ છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ આવી જ પરિસ્થિતી ઉભી થઇ છે.
ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના 45 ગ્રામ પંચાયતો જેમાં કલ્યાણપુર,ચાડા,જુના રતનપુર,મેવાસા,આણંદપુર,વિરડી,કાળાતળાવ રતનપુર(ગા), દાત્રેટીયા, માલપરા, મોટીધરાઇ, લુણધરા, જલાલપુર, તોતણીયાળા,નશીતપર,પીપળી,લોલીયાણા,લાખણકા,શાહપુર,મોણપુર,રાજપરા(ભાલ),અને લીમડા ગ્રામ પંચાયતોની એપ્રીલ-22 માં ટર્મ પૂર્ણ થતી હતી.
તેવામાં ચુંટણી પંચ દ્વારા સ્થાનીક સ્વરાજની ચુંટણી અંગેનું સમયસર રીતે જાહેરનામુ પ્રસીધ્ધ નહીં કરવામાં આવતા નિયમ મુજબ સરપંચો અને બોડી દ્વારા વહીવટ ન કરી શકે માટે આ તમામ ગ્રામ પંચાયતોમાં વહીવટદારો તરીકે તલાટી કમ મંત્રીઓ વહીવટ સંભાળી રહ્યાં છે.
તો તાલુકાના ચમારડી, હળીયાદ, રંગપર, પાણવી ગામોએ તાલુકા પંચાયતના કર્મચારીઓ વહીવટદાર તરીકેની કામગીરી સોંપાય છે તેના કારણે કર્મચારીઓના રૂટીન કામગીરી ઉપર કાર્યબોજની અસર પડે છે. ચુંટણી પંચ દ્વારા છેલ્લાં 13 માસ જેટલો સમય પૂર્ણ થઇ ગયો છતાં જાહેરનામુ પ્રસિધ્ધ થયેલ નહીં ત્યાં પંચાયતની ચુંટણીઓમાં ઓ.બી.સી.અનામત બેઠકો રાખવા માટેનું કોકડુ ગુંચવાતા હજુ સ્થાનીક સ્વરાજની ચુંટણીઓ યોજાશે કે કેમ તે અંગે તર્ક વિર્તક સર્જાયા છે.
વિધાનસભાની ચૂંટણી પુરી થયાને પણ અડધું વર્ષ થયુ
વર્ષ-2022 નાં અંતે રાજય વિધાનસભાની ચુંટણી જાહેર થતા પંચાયતોની ચુંટણી પાછી ઠેલાણી હતી. અલબત્ત હવે તો વિધાનસભાની ચુંટણી પુરી થયાને પણ અડધું વર્ષ થયું અને હવે અનામત મુદ્દે છતા સ્થાનીક સ્વરાજની ચુંટણીઓ લંબાઇ રહી છે તે રાજકીય ચર્ચાનો વિષય
બન્યો છે.
સિહોર તાલુકાના 78માંથી 60 ગામોમાં વહીવટદારથી રોડવાતું ગાડું
સિહોર તાલુકાના ગામડાઓમાં ગ્રામ પંચાયતની બોડીની મુદ્દત પૂરી થતાં હાલમાં ગ્રામ પંચાયતના વિવિધ કામો માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. અને આ વહીવટદાર તરીકે મોટાભાગે તલાટી-કમ-મંત્રી કે તાલુકા પંચાયતના કોઇ અધિકારી હોઇ શકે. છેલ્લાં કેટલાય સમયથી સિહોર તાલુકાના ગામડાંઓનો વહીવટ વહીવટદાર દ્વારા ચાલે છે.ગત ડિસેમ્બર મહિનામાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાઇ હતી. અને ત્યારબાદ ક્રમશ: સિહોર તાલુકાના ગામડાંઓની ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થવા લાગી.
અત્યારે સિહોર તાલુકાના 78 પૈકીના 60 ગામડાંઓમાં વહીવટદારથી ગાડું રોડવાઇ રહ્યું છે.માત્ર 18 ગામડાંઓમાં જ સરપંચ ચાલુ પદ પર છે. કેટલાક ગામડાંઓમાં 6 માસ કરતાં પણ વધુ સમયથી સરપંચની મુદ્દત પૂરી થઇ ગઇ છે. મોટાભાગના તલાટીઓને પોતાનું એક ગામ હોય. ઉપરાંત વધારાનો એક કે બે ગામનો ચાર્જ પણ હોય. આટલું અધૂરું હોય તેમ તેઓને બે કે ત્રણ ગામનો વહીવટદારનો ચાર્જ હોય. આથી જે-તે તલાટી પોતાના કામને જોઇએ એટલો ન્યાય ન જ આપી શકે.
.