વડોદરા43 મિનિટ પહેલા
- કૉપી લિંક
અમદાવાદ-મુંબઇ નેશનલ હાઈવે પર વરણામા પાસે હોટલના કમ્પાઉન્ડમાં ચાલતા કેમીકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વરણામા પોલીસે રેડ પાડીને ટેન્કર સહિત કુલ 35.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બે આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
કેમીકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ
વરણામા પોલીસને બાતમી મળી હતી કે, વરણામા ગામ પાસે નેશનલ હાઈવે પર દુર્ગા હોટલની પ્રીમાઇસીસમાં એક ટેન્કરનો ચાલક દુર્ગા હોટલના સંચાલક સાથે મળીને ટેન્કર માંથી કેમિકલ ચોરી કરે છે. જેથી વરણામા પોલીસે રેડ પાડી હતી અને આ સમયે હાજર 3 આરોપીમાંથી એક ભાગી છુટ્યો હતો અને મિથુન ઉર્ફે મિતેશ પ્રતાપભાઈ મેઘવાળ (રહે. સાંઇનાથ સોસાયટી, દરબાર ચોકડી, માંજલપુર, વડોદરા) અને અરવિંદ યદુનાથ યાદવ (રહે.થાણે, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડ્યા હતા અને એક આરોપી આકાશ મિથુનભાન મઘવાળને વોન્ટેડ જાહેર કર્યો હતો.
100 લિટર કેમિકલ ચોરી કરવામાં આવ્યું
પકડાયેલા ટેન્કરમાં 15 લાખની કિંમતનું 18.540 મેટ્રિક ટન કેમિકલ ભરેલ હતું. જેમાંથી 8200 રૂપિયાની કિંમતનું 100 લિટર કેમિકલ ચોરી કરવામાં આવ્યું હતું. વરણામા પોલીસે કેમિકલ અને ટેન્કર મળીને કુલ 35.22 લાખ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને પકડાયેલા બે આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.