નવસારીમાં 6 દિવસમાં બીજીવાર આકાશી સુનામી | Sky Tsunami for the second time in 6 days in Navsari

Spread the love

નવસારી28 મિનિટ પહેલા

  • કૉપી લિંક

શહેરનો પ્રકાશ ટોકિઝ, બંદર રોડ વિસ્તાર પાણીમાં ગરક

  • 22 તારીખે બે કલાકમાં 10 ઇંચ વરસાદ પડ્યો હતો, આજે 28 તારીખે 4 કલાકમાં 10 ઇંચ ખાબકતા શહેર જળબંબાકાર
  • શુક્રવારે સવારે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતાં નવસારી પંથકમાં 1600 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવવું પડ્યું

નવસારી ઉપરાંત ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી પૂરના પાણી નવસારી પંથકમાં અનેક વિસ્તારોમાં ફરી વળતાં 1600 જેટલા લોકોને સ્થળાંતર કરાવાની ફરજ પડી હતી.નવસારીમાં 6 દિવસ અગાઉ ગત 22મીને શનિવારે સવારે પડેલા ભારે વરસાદના કારણે શહેર આખુ જળબંબાકાર બની ગયું હતું. હજુ તો અઠવાડિયુ પુરું થયું નથી ત્યાં બીજી વખત ગુરૂવારે રાત્રિથી શુક્રવારે દિવસભર શહેર જળબંબાકાર સ્થિતિમાં જોવા મળ્યું હતું.

નવસારી નજીકના વિરાવળ પુલ પાસે ગુરુવારે સાંજે જ પૂર્ણા નદીની સપાટી 5 ફૂટ વધી 10થી 15 ફૂટ થઈ ગઈ હતી ત્યાં રાત્રે નવસારીમાં ભારે વરસાદ ઉપરાંત ડાંગ, મહુવા, વાલોડ પંથકમાં પણ ભારે વરસાદ પડતાં પૂર્ણા નદીની નવસારીમાં સપાટી રાત્રે વધુ વધતી રહી અને સવારે 7 કલાક બાદ ભયજનક સપાટી 23 ફૂટ વટાવી દિવસે 25.5 ફૂટ સુધી થઈ જતા નદીના પૂરના પાણી શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી જતા અનેક ઘરોમાં પણ પાણી ભરાયાં હતા.

જેમાં શહેરના 1400 જેટલા લોકોના ઘરોમાં અને નજીકના પિનસાડ અને કસ્બાપાર ગામના પણ 200 લોકોના ઘરોમાં પાણી પ્રવેશતા કુલ 1600 લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરાવાની ફરજ પડી હતી. પાલિકાએ અસરગ્રસ્ત વિસ્તારોમાં 4400 ફુડ પેકેટનું વિતરણ કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે ગુરુવારે રાત્રે 10થી 2 સુધીના 4 કલાકમાં 9.5 ઇચ જેટલો અતિભારે વરસાદ ઝીંકાતા શહેરના મહત્તમ વિસ્તારો રાત્રે જ જળબંબાકાર થઈ ગયા હતા,જોકે ઘણા વિસ્તારોમાં સવારે પાણી ઉતરી ગયા હતા. શુક્રવારે સાંજે 4 વાગ્યા બાદ પૂર્ણાની સપાટી ક્રમશ: ઘટવા લાગી હતી.

પૂરના પાણી ફરી વળતા ગુરુકુળ સુપાના બન્ને પુલ ઉપર અવરજવર બંધ થઇ
નવસારી તાલુકાના પૂર્ણા કાંઠે આવેલા સુપા ગામનો કુરેલ બ્રિજ ઉપર તો પાણી ફરી વળતા અવરજવર બંધ થઇ ગઇ હતી પરંતુ બારડોલી રોડ પરનો બ્રિજ પણ શુક્રવારે તકેદારીરૂપે પાંચેક કલાક બંધ કરવામાં આવતા સુપા, કુરેલ સહિતના અનેક ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.

નવસારી જિલ્લાનો વરસાદ
તાલુકો- 24 કલાકનો – (ઇંચમાં) નવસારી 11, જલાલપોર 7.5, ગણદેવી 3.5, ચીખલી 3, વાંસદા 4.5 , ખેરગામ 3

મુસીબતમાં મુકાયેલ 6 જણાંને બચાવાયા
નવસારીમાં અનેક જગ્યાએ પાણી ભરાતા મોટાભાગના લોકો સલામત સ્થળે સ્થળાંતર કરી ગયા હતા. જોકે રામજી ખત્રી નાળ વિસ્તારમાં બે ઘરના 6 જેટલા લોકો નીકળી શક્યાં નહીં અને ગળા સુધીના પાણી હોય મુશ્કેલીમાં મુકાયા હતા. આ બાબતની જાણ નવસારી પાલિકાની ફાયરની ટીમને થતા ફાયરના જવાનોએ સ્થળ પર પહોંચી લાઇફ રીંગ મારફત તમામ 6 જણાંને રેસ્ક્યૂ કરી દીધા હતા.

નવસારી એપીએમસીમાં કામકાજ અસરગ્રસ્ત
નવસારી એપીએમસી વિરાવળમાં આવેલી હોય પૂર્ણાના પાણી અહીં પણ પ્રવેશી ગયા હતા. અહીંના માર્કેટયાર્ડમાં થોડુ જ (50 ટકા) કામકાજ ખેતીપેદાશોની લે-વેચનું થઇ શક્યું હતું. બાદમાં થઇ શક્યું નહીં હોવાનું જાણવા મળ્યું હતું.

નવસારીના આ વિસ્તારોમાં પુન: પૂર્ણાનાં પૂરના પાણી…
જલાલપોર મકાટીવાડ, બંદર રોડ, રાયચંદ રોડ, નવીનનગર, રંગુનનગર, શાંતાદેવી રોડ અને તેને લાગુ તમામ વિસ્તારો, રીંગ રોડને લાગુ મહત્તમ વિસ્તારો, ગધેવામ, કમેલા રોડ, કાછીયાવાડી નજીકનો વિસ્તાર, વિરાવળ, ભેંસતખાડા નજીકનો વિસ્તાર વિગેરેનો સમાવેશ થાય છે. લગભગ દરેક વર્ષે આ જ વિસ્તારો પૂર્ણા નદીના પૂરમાં અસરગ્રસ્ત બની રહ્યાં છે.

57 માર્ગ બંધ કરવા પડ્યાં
શુક્રવારે પૂર્ણા નદીમાં આવેલા પૂર ઉપરાંત સ્થાનિક પણ ભારે વરસાદ પડતા નવસારી પંથક ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ માર્ગો થોડો સમય બંધ કરવા પડ્યાં હતા. કુલ 57 માર્ગ બંધ કરવા પડ્યાં, જેમાં 4 માર્ગ સ્ટેટ હાઇવે અને અન્ય 53 પંચાયતના માર્ગ હતા. નવસારી શહેરના રીંગરોડ જેવા મહત્વના માર્ગો પર પણ પાણી ફરી વળતા શહેરમાં પણ અવર-જવર અસરગ્રસ્ત થઇ હતી.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *