નર્મદા (રાજપીપળા)14 મિનિટ પહેલા
- કૉપી લિંક
નર્મદા જિલ્લા મહેસુલ વિભાગમાં નાયબ મામલતદારોની સાગમટે જિલ્લા બહાર બદલીઓ થતાં મહેસુલ વિભાગમાં 54 જેટલા નાયબ મામલતદારોની ઘટ પડી હતી. જે આજે નવી નિમણૂકો થતાં તંત્રને રાહત પહોંચી છે.
પ્રાપ્ત માહિતી મુજબ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરીના લગભગ 26 જેટલા નાયબ મામલતદારોને વતનનો લાભ મળે તે માટે સરકારે સાગમટે જિલ્લા બહાર બદલીના હુકમ કર્યા હતા. જેને કારણે જિલ્લાના નાયબ મામલતદારોના મહેકમમાં 54 નાયબ મામલતદારોની ઘટ પડતા વહીવટી તંત્ર પાંગળું બન્યું હતું. અને તેની અસર લોકોના કામો પર થય હતી. આ બાબતે ઘણા કામ માટે આવતા લોકોને હાલાકી પણ ભોગવી પડી હતી.
આ વાતને ધ્યાન પર લઈને તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે જગ્યા ભરાઈ તેમ જણાવાયું હતું. ત્યારે સરકારે આજે જિલ્લાના 24 જેટલા કારકુન વર્ગ-3 ને નાયબ મામલતદાર તરીકે બઢતીના હુકમો કરતા અને અન્ય જિલ્લામાંથી પણ 11 જેટલા નાયબ મામલતદારોની બદલીના હુકમ થતાં જિલ્લા તંત્રને રાહત પહોંચી છે.
મામલતદાર ડિઝાસ્ટરની ખાલી જગ્યાએ પણ નિમણૂક કરવામાં આવી
જ્યારે ચોમાસાની ઋતુમાં પણ ડિઝાસ્ટર મામલતદારની જગ્યા પણ ખાલી હતી જે પણ બદલીથી નિમણૂક થતાં હવે તે જગ્યા પણ ભરાઈ છે. નર્મદા જિલ્લાની સ્થાપના બાદ સૌપ્રથમવાર ખુબ જ ઝડપી નિર્ણય લઇ તંત્રની ખાલી જગ્યાઓ પર નવી નિમણૂકો કરી છે. જેથી કામ અર્થે આવતા લાભાર્થીને બીજા અન્ય લોકોને રાહત મળશે.