સુરત26 મિનિટ પહેલા
- કૉપી લિંક
સ્વાભિમાની સંસ્થા દ્વારા આજે સુરત જિલ્લા સેવા સદન ખાતે પહોંચીને સૂત્ર તૈયાર કરી વિરોધ નોંધાવ્યો હતો. સંસ્થાના હોદ્દેદારો દ્વારા અર્ધનગ્ન અવસ્થામાં જિલ્લા સેવા સદન ખાતે પહોંચ્યા હતા. સરકાર અને વહીવટી તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની અટકાયત કરી લીધી હતી.
મહિલાઓ સાથે થતા દુષ્કર્મને લઈને રોષ
તાજેતરમાં મણિપુરમાં બનેલી ઘટનાની જેમ જ ઉત્તરપ્રદેશ, હરિયાણા અને ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં આદિવાસી મહિલાઓ અને યુવતીઓ સાથે કરવામાં આવતા દુષ્કર્મને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સ્વાભિમાની સંસ્થાના હોદ્દેદારો જિલ્લા સેવા સદન ખાતે પહોંચીને પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવી જિલ્લા કલેકટરને આવેદન આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ, તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી.
દલિત આદિવાસી સમાજ સાથે અન્ય થતો અટકાવવો જોઈએ
સ્વાભિમાની સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ કિરીટ વાઘેલાએ જણાવ્યું કે, દેશમાં દલિત અને આદિવાસીઓ સાથે સતત અન્યાય થઈ રહ્યા છે. ક્યાંક દલિત ઉપર પેશાબ કરવાની ઘટના બની રહી છે તો ક્યાંક મહિલાઓને નગ્ન કરીને તેમની સાથે દુષ્કર્મ કરવાની ઘટનાઓ સામે આવી રહી છે. ગુજરાત રાજ્યમાં પણ અનેક જગ્યાએ આ પ્રકારના કિસ્સાઓ સામે આવ્યા બાદ પણ વહીવટી તંત્ર દ્વારા નક્કર પગલાં લેવાઈ રહ્યા નથી. રાજ્ય અને દેશની અંદર ભાઈચારાનું વાતાવરણ રહે અને દલિત અને આદિવાસી સમાજને સ્વમાનભેર જીવવા મળે તે પ્રકારનું વાતાવરણ હોવું જરૂરી છે પરંતુ, હાલ તમામ સ્તરે શોષણ થતું હોવાનું જણાઈ રહ્યું છે અને અન્યાય થઈ રહ્યો છે. મહિલાઓ સાથે જે પ્રકારે છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે, તે દેશ અને રાજ્ય માટે શરમજનક ઘટનાઓ છે. આ પ્રકારની ઘટનાઓ સામે ન આવે તેના માટે કડક પગલાં લેવા ખૂબ જ જરૂરી છે.
.