અમદાવાદએક કલાક પહેલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
ગુજરાતીઓ દેશ કે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈને વસે, પરંતુ તેઓ પોતાનું ‘ગુજરાતીપણું’ ક્યારેય વીસરતા નથી. આપણે આજે આવી જ ‘ગુજરાતી અસ્મિતા’ની ખુમારીવાળા એક ગુજરાતી પરિવારની વાત કરવી છે. એ ગુજરાતી પટેલ પરિવાર છેલ્લા ત્રણ દાયકાથી અમેરિકામાં રહે છે. એમણે વેસ્ટર્ન કલ્ચરનાં અનેક વાવાઝોડાં વચ્ચે પણ ભારતીય સંસ્કાર અને ગુજરાતીપણું ટકાવી રાખ્યાં છે. અમેરિકા સ્થિત આ પટેલ પરિવારના દીકરા નિક પટેલે જ્યારે 10 કરોડની રોલ્સ રોય્સ કાર ખરીદી, ત્યારે તેમણે કારની નંબર પ્લેટ પર પોતાની માતાનું નામ લખાવ્યું અને આ રીતે વિદેશમાં ગુજરાતી સંસ્કાર ઉજાગર કર્યા. ત્યારે આ ગુજરાતી પરિવાર કેવા સંજોગોમાં અમેરિકા સ્થાયી થયો? અમેરિકા જઈને કેવા કેવા સંઘર્ષો સામે ઝઝૂમવું પડ્યું? અને આ બધા સંઘર્ષો વચ્ચે આ પરિવારને પ્રમુખસ્વામી મહારાજે કેવા આશીર્વાદ આપ્યા અને બળ પૂરું પાડ્યું તે તમામ વાતો જાણવા ‘gnews24x7’ એપે ગુજરાતી પરિવાર સાથે વાત કરી. સૌથી પહેલાં એ ગુજરાતી પરિવારના મોભી હરિહરભાઈ પટેલ સાથે અને પછી તેમના પુત્ર નિક પટેલ સાથે વાત થઈ. પિતા-પુત્ર બંનેએ પોતાના શરૂઆતના સંઘર્ષભર્યાં દિવસોથી માંડીને અપાર સફળતાની વાત મોકળા મને કરી.
‘બાપુજીને કારણે અભ્યાસ અધવચ્ચે પડતો મૂક્યો’
સૌથી પહેલાં નિક પટેલના પિતા હરિહરભાઈ પટેલ એ સંઘર્ષભર્યા દિવસોને યાદ કરતાં કહે છે, ‘નડિયાદની બાજુમાં આવેલું ઉત્તરસંડા અમારું વતન છે. હું નાનો હતો ત્યારે આ વિસ્તારનો આટલો વિકાસ થયો નહોતો. ત્યારે એકદમ ખુલ્લું હતું. ગામમાંથી જ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. પછી નડિયાદની આઇ.વી. પટેલ કોમર્સ કોલેજમાં એડમિશન લીધું. અમારી સાબરકાંઠા બાજુ જમીન હતી. તે સમયે વરસાદ પડે ત્યારે ખેતરમાં 20-25 કિ.મી ચાલીને જવું પડતું. પછી NMC એક્ટ આવ્યો. એટલે જો અમે અમારી જમીન પર ધ્યાન ન આપીએ તો તે બીજાને જતી રહે તેવા સંજોગો ઊભા થયા. જો જમીન બીજાને જતી રહે તો અમારે ગુજરાન કેમ ચલાવવું? એક તરફ આ મૂંઝવણ અને બીજી તરફ મારા બાપુજીની મોટી ઉંમર. તેઓ આટલું ચાલીને ખેતરે જઈ શકે તેમ નહોતા. મને આજે પણ એ ઘટના યાદ છે કે મારા બાપુજીએ લાચાર નજરે આંખોમાં ઝળઝળિયાં સાથે મને રિક્વેસ્ટ કરી હતી, ‘તું ખેતર પર ધ્યાન આપે તો સારું.’ બાપુજીની અસહાય હાલત જોઈને મેં કોલેજમાં છ મહિના ભણીને અભ્યાસ છોડી દીધો. મારા ભાઈ-બહેનો નાનાં હતાં. હું મહિનામાં 10-15 દિવસ સાબરકાંઠા જાઉં. ખેતર સુધી 20-25 કિ.મી. ચાલુ અને મેં આ રીતે 20 વર્ષ સુધી ખેતી સંભાળી હતી.’
નિક પટેલ પરિવાર સાથે
‘અમેરિકા પહોંચ્યાં ત્યારે ખિસ્સામાં એક ડૉલર નહોતો’
હરિહરભાઈ સંતાનોને અમેરિકા મોકલતાં પહેલાની વાત કરતાં કહે છે, ‘અમારી પાસે જમીન ખરી, પરંતુ અમે ‘દેવાદાર’ માણસો હતા. અમારી ખેતી કુદરત પર આધારિત હતી અને આવકનાં બીજાં કોઈ સાધન નહોતાં. 1962માં હું 21 વર્ષનો હતો ત્યારે 20 વર્ષીય કુમુદ સાથે મારાં લગ્ન નક્કી થયાં હતાં. મોટો દીકરો મયૂર 1963માં જન્મ્યો અને નાનો દીકરો નિમેષ 1965માં. દીકરાના મામા અમેરિકામાં રહેતા હતા. તેમણે વિઝા માટે અરજી કરેલી હતી. વિઝા મળ્યા, પરંતુ મારા બાપુજી ઉંમરલાયક હતા, આથી તેમને સાચવવા માટે હું ભારતમાં જ રહ્યો. પત્ની કુમુદ બંને દીકરાઓ સાથે 1982માં અમેરિકા ગઈ હતી. તે સમયે મેં દેવું કરીને અમેરિકાની ટિકિટ લીધી હતી. જ્યારે એ ત્રણેયે અમેરિકાની ધરતી પર પગ મૂક્યો, ત્યારે તેમના ખિસ્સામાં એક ડૉલર નહોતો.’
‘મારા બાપુજીની જેમ જ મારાં સંતાનોએ શૂન્યમાંથી સર્જન કર્યું’
‘પછી ઘરના સંસ્કાર કહો કે બંને દીકરાઓની મહેનત ને પ્રામાણિકતા કહો. તેમણે શૂન્યમાંથી અમેરિકામાં પોતાની દુનિયા ઊભી કરી. મારા બાપુજીએ પણ આવું જ કર્યું હતું. મારા બાપુજી જ્યારે 12 વર્ષના હતા ત્યારે મારા દાદા ગુજરી ગયેલા. જેમ હું ઘરમાં મોટો છું, તેમ મારા બાપુજી મોટા હતા. ઘરમાં એક બળદ હતું અને દોઢ વીઘા જમીન. આ વાત 1912ની છે. દાદા ગુજરી ગયા ત્યારે 500 રૂપિયાનું દેવું હતું. મારા બાપુજીના મામાઓ તેમને સાવલી લઈ ગયા અને અહીંયા તેમને પગભર કરવાનો પ્રયાસ કર્યો હતો. મારા બાપુજીની મહેનત ને ધગશ જોઈને મામાએ તેમને 1918 કે 1919માં છ હજાર રૂપિયા એ સમયે જમીન ખરીદવા આપ્યા હતા. મારા બાપુજીએ સાબરકાંઠાના જંગલોમાં જમીન ખરીદી ને બહારવટિયા, લૂંટારાઓ, જંગલી પશુઓ વચ્ચે રહીને ખેતી કરી હતી. મારા બાપુજીએ 500 રૂપિયાના દેવા સાથે પોતાનો સંસાર અલગ વસાવ્યો હતો. અમે ચાર જનેશન સાથે રહેતા હતા. મારી બા, હું, મારા પત્ની, દીકરાઓ અને પૌત્ર-પૌત્રીઓ. હું છેલ્લાં 30 વર્ષથી અમેરિકામાં રહું છું, પરંતુ મારા બંને દીકરાઓ વચ્ચે ક્યારેય ઊંચા અવાજે વાત થઈ નથી. મારાં પત્ની તો 2019માં ગુજરી ગયા. મને ખ્યાલ નથી કે સ્વર્ગ હોય છે કે નહીં, પરંતુ મારા માટે આ સ્વર્ગથી સહેજેય ઓછું નથી.’
નિક પટેલ માતા કુમુદબેન તથા ભાઈ મયૂર સાથે
‘મારી પત્ની મારાં ઘરની ભગવાન હતી’
ગુજરાતના નાનકડાં ગામડાંના એક ખેતરથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી થવા સુધીની સફર ખૂબ જ સંઘર્ષભરી હતી. એ સંઘર્ષો વચ્ચે હરિહરભાઈનાં પત્ની કુમુદબેને પરિશ્રમ અને સહનશીલતા અને ત્યાગની મૂર્તિ બની પોતાની ફરજ નિભાવ્યે રાખી. ત્યારે પરિવાર માટે પોતાનાં પત્નીના બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને એકદમ ગળગળા ને ભાવુક સાદે હરિહરભાઈ કહે છે, ‘એ અમારા ઘરની ભગવાન હતી. એણે પરિવાર માટે જેટલું કર્યું, તેટલું તો કોઈ સ્ત્રી ન કરી શકે. મારાં બાએ મને જન્મ આપેલો, એટલે મને મારા બા માટે મને કોઈ દુર્ભાવ ન હોય, પરંતુ મારા બાનો સ્વભાવ ઘણો જ કડક, ગુસ્સાવાળો અને ઘણો જ ઉગ્ર. મારી પત્ની મારાં બા સાથે જ રહી અને મારાં બા 108-109 વર્ષની ઉંમરે ગુજરી ગયાં. મારાં બા અમારી સાથે અમેરિકામાં જ રહેતાં હતાં. અમેરિકામાં ગુજરાતી સમાજ કહે છે કે કુમુદબેને જે રીતે તેમના સાસુની સેવા કરી તેવી કોઈ ન કરી શકે. આટલી કડવાશ, આટલા ઉગ્ર સ્વભાવની વચ્ચે રહીને મારાં બાનો આટલો બધા આકરો તાપ વેઠ્યો. મારી, મારા બાપુજીની, મારા બાની, ઘરની સેવા કરીને બંને છોકરાઓને મોટાં કર્યાં. આખું ઘર એનાથી જ ઊભું થયેલું છે. તે અમારા ઘરનો ‘મોભ’ હતો.’
‘દીકરાએ બહુ મોટી સરપ્રાઇઝ આપી’
નાના દીકરા નિકે રોલ્સ રોય્સ પર ‘કુમુદ’નું નામ લખાવ્યું તે મારા માટે તો એક સરપ્રાઇઝ જ હતી. અમારી પાસે તો બળદગાડું હતું. અમે અમારી યાત્રા બળદગાડાથી શરૂ થયેલી. તમે આને ભગવાનની કૃપા કહો કે મારા દીકરાઓની મહેનત કે પછી અમારું અહો ભાગ્ય કહો આ એનું જ પરિણામ છે.’
આ તો વાત થઈ નિક પટેલના પિતાના સંઘર્ષની, પરંતુ અમેરિકા આવ્યા બાદ નિક પટેલે કેવો સંઘર્ષ કર્યો અને શિકાગોમાં કેવી રીતે પોતાની આગવી ઓળખ બનાવી. તે સંઘર્ષ અને સફળતાની વાત હવે ખુદ નિકના શબ્દોમાં…
મોસાળમાં જન્મેલા નિક પટેલ ઉર્ફે નિમેષ પટેલે ભારતના દિવસો યાદ કરીને કહ્યું હતું, ‘મારા પપ્પા બહુ જ કડક હતા. તે મને ક્યારેય ફિલ્મ જોવા જવા દેતા નહીં. જોકે, હું ચોરીછૂપે ફિલ્મ જોઈ આવતો. ઉત્તરસંડાની સ્કૂલમાં હું 10 ધોરણ સુધી ભણેલો. ગામમાં મારા અઢળક મિત્રો હતા. મને ક્રિકેટ રમવાની ઘણી જ મજા આવતી. હું ભણવામાં પણ હોંશિયાર હતો. મને યાદ છે કે 14 વર્ષની ઉંમરે મેં એક સ્ક્રિપ્ટ લખી હતી અને એ કંઈક દૂરદર્શન ગુજરાતી પર રિલીઝ થઈ હતી. મારી સ્ક્રિપ્ટ ટીવી પર આવી પછી બધાને નવાઈ લાગતી કે આટલા નાના છોકરાએ કેવી રીતે લખ્યું. મધ્યમવર્ગીય પરિવારમાં મારો જન્મ એટલે મધ્યમ વર્ગીય પરિવારને જે સ્ટ્રગલ આવતી તે મેં કરી હતી. હું મસ્તી પણ ઘણી જ કરતો. અમેરિકા આવીને ઈચ્છા થઈ હતી કે મૂવી બનાવીશું ને બીજું બધુંય કરીશું. મેં મારાં સપનાંઓ અમેરિકામાં પૂરાં કર્યાં.
નિમેષમાંથી ‘નિક પટેલ’ કેવી રીતે બન્યા?
‘મેં જ્યારે મારો પહેલો વીડિયો સ્ટોર શરૂ કર્યો ત્યારે કસ્ટમરને મારા માટે ઘણો જ પ્રેમ હતો. હું વેજીટેરિયન છું તો તેઓ મારા માટે ખાસ વેજ ફૂડ બનાવીને લાવે. આજેય મારા ઘરના તમામ સભ્યો વેજીટેરિયન જ છે. તો સ્ટોરમાં જ્યારે અમેરિકન્સ આવે ત્યારે તેઓ મને પૂછતા અમે તારા નામનો ઉચ્ચાર કેવી રીતે કરીએ?. મને મારું નામ ઘણું જ વ્હાલું છે. મારા નામ ‘નિમેષ’નો અર્થ ‘આંખના પલકારા જેટલી ક્ષણ’ એવો થાય છે, પરંતુ મારા કસ્ટમરને મારું નામ યાદ રાખવામાં ઇશ્યૂ થતો હતો, આથી મેં મારું નામ સરળ અને યાદ રહી જાય તેવું રાખવાનું નક્કી કર્યું. તે સમયે મારા લેન્ડલોર્ડનું નામ નિક કાટ્રાનીસ હતું, તો મેં મારું નામ ‘નિક’ કર્યું. બધાને યાદ રહી ગયું અને અધૂરામાં પૂરું મને પણ આ નામ વિચિત્ર નહોતું લાગ્યું અને ગમી ગયું અને હવે તો હું નિક પટેલથી જ અમેરિકા અને ભારતમાં ઓળખાઉં છું.
નોવાથી રોલ્સ રોય્સની સફર…
‘અમેરિકામાં રહીને મેં સૌ પહેલાં 300 ડૉલરમાં નોવા કાર ખરીદી હતી. મને ગાડીઓનો ઘણો જ શોખ છે અને હું ગાડીઓ લેતો રહેતો હોઉં છું. મારી પાસે હાલમાં ત્રણ રેન્જ રોવર છે. મર્સિડિઝ, BMW પણ છે. રોલ્સ રોય્સ કુલીનનની વાત કરું તો મેં માર્ચ, 2022માં ઓર્ડર આપ્યો હતો, પરંતુ કોરોનાને કારણે કંઈક શોર્ટેજ ચાલતી હતી અને મને સપ્ટેમ્બર-ઓક્ટોબર, 2022માં ડિલિવરી મળશે તેમ કહ્યું. પછી ડિસેમ્બર, 22 કહ્યું. પછી ફાઇનલી મને 2023માં ‘મધર્સ ડે’ની આસપાસ કારની ડિલિવરી મળી અને મારી આ કાર $500,000 (ભારતીય ચલણ પ્રમાણે અંદાજે 10 કરોડ રૂપિયા)ની છે. જ્યારે મેં કાર બુક કરાવી હતી ત્યારે જ નક્કી હતું કે મારી કાર પર મારાં મમ્મીનું નામ જ હશે અને પપ્પાને હું સરપ્રાઇઝ આપીશ. મારી દીકરીનાં લગ્ન પણ આ વર્ષે છે અને મારી દીકરી દાદીને રોલ મોડલ માને છે એટલે મેં નક્કી કર્યું કે મારી દીકરીને આ ગાડીમાં સાસરે વિદાય કરીશ.’
શાહરુખ પાસે પણ સેમ મોડલ છે
નિક પટેલે અમેરિકામાં રોલ્સ રોય્સ ખરીદી તો ભારતમાં શાહરુખ ખાને આ જ બ્રાન્ડની અને એ જ રંગની રોલ્સ રોય્સ ‘પઠાન’ સુપરહિટ ગયા પછી ખરીદી હતી. નિક પટેલે ‘પઠાન’ હિટ ગયા બાદ શાહરુખ ખાન સાથે વાત કરી હતી. નિક પટેલ બોલિવૂડ સ્ટાર્સ સલમાન ખાન, સિંગર સોનુ નિગમ, ગુરુ રંધાવા સાથે કોન્ટેક્ટમાં હોય છે. કમલ હાસન તથા નિક પટેલ બિઝનેસ પાર્ટનર છે.
‘મારે નંબર પ્લેટ માટે અલગથી પૈસા આપવા પડ્યા નથી’
‘અમેરિકામાં બે અક્ષરોની પર્સનલાઇઝ્ડ નંબર પ્લેટ મળવી મુશ્કેલ છે. મારી એક કારની નંબર પ્લેટ મારા દાદી દિવાળી બા પટેલના નામ પરથી ‘DP’છે. એક મારા નામ નિક પટેલ એટલે કે ‘NP’છે. બીજી એક કાર મારા ભાઈ મયૂર પટેલ અને દીકરી મીરાં પટેલ ‘MP’, બીજી દીકરી સોનાલી પટેલ પરથી ‘SP’, જાનકી પટેલ પરથી ‘JP’છે. અમેરિકામાં પણ તમે નંબર પ્લેટ ખરીદી શકો છો અને તેની કિંમત વધારે હોય છે. મેં દુબઈમાં આ પ્રકારની કાર જોઈ હતી. ત્યાં ‘2’ નંબરની નંબર પ્લેટ માટે બહુ જ પૈસા માગવામાં આવે છે. જોકે, મારે અમેરિકામાં પૈસા આપીને નંબર પ્લેટ ખરીદવી પડી નથી. અહીંયા તમારી રેપ્યુટેશન સારી હોય, સંબંધો સારા હોય તો તમને ઇઝિલી મળી શકે છે.’
નિક પટેલની રોલ્સ રોય્સની નંબર પ્લેટ પર માતાનું નામ
‘મમ્મી અમારા માટે જ જીવતી…’
‘મારા મમ્મીએ હંમેશાં પોતાની ચિંતા કે પોતાનો ફાયદો જોયા વગર જ જીવન જીવ્યું હતું. તે હંમેશાં અમારા માટે જીવતી. મારા દાદીની અંતિમ ઈચ્છા હતી કે તે કોઈ દવાખાને કે રિટાયર હોમમાં અંતિમ શ્વાસ લેશે નહીં. તેમને ઘરે જ રહેવું હતું. તેમણે અમારા ઘરમાં જ દેહત્યાગ કર્યો. તે સમયે મારાં મમ્મીએ ઘણી જ સેવા કરી હતી. મને લાગ્યું કે મારા મમ્મીની પણ ઉંમર થઈ છે તો તે દાદીની સેવા કરવામાં પહોંચી વળશે નહીં તો અમે બે પ્રોફેશનલ નર્સ રાખી હતી. મારા દાદીનું જ્યારે અવસાન થયું ત્યારે આખો પરિવાર સાથે હતો. તેમને કોઈ બીમારી નહોતી, પરંતુ એજ ફેક્ટરને કારણે અવસાન થયું.’
‘મમ્મી સાથે વિતાવેલી એક એક ક્ષણ કિંમતી’
પોતાની સફળતા પાછળ બહુમૂલ્ય યોગદાન આપનારા પોતાની માતાને યાદ કરતાં નિક કહે છે, ‘મમ્મી સાથે વિતાવેલી દરેક ક્ષણ મારા માટે તો અમૂલ્ય છે. હું મમ્મી સાથે મોસાળ બસમાં જતો. મારી મમ્મીને ઊભાં ન રહેવું પડે એટલે હું રુમાલ મૂકી દેતો. જો કોઈ એ રુમાલ હટાવીને બેસી જાય તો હું મમ્મી માટે તેની સાથે ઝઘડો કરતો. મારા મમ્મીને પૈસાની ઘણી જ કિંમત હતી. તે હંમેશાં બચત પર ભાર મૂકતી. હું તેને કહેતો પણ ખરો કે આવું ના હોય.પછી એક દિવસ મને ગુસ્સો આવ્યો તો મેં મમ્મીની સામે કેટલાક ડૉલર ફાડી નાખ્યા ને દૂધની કેટલીક બોટલ સિંકમાં ઢોળી દીધી. મને દુઃખ પણ થયું. પછી મેં મમ્મીને કહ્યું હતું કે, પૈસાની કિંમત હોવી સારી બાબત છે, પરંતુ જીવનમાં આનંદ પણ જરૂરી છે. તમે દિલથી પૈસા વાપરશો તો ભગવાન વધારે આપશે.’
શિકાગોમાં નિક પટેલ પરિવાર સાથે અહીંયા રહે છે
‘ઇન્ડિયામાં ક્યારેય ક્લિનિંગનાં કામ નહોતાં કર્યાં, પણ અમેરિકામાં પહેલી નોકરી એ જ કરી’
‘1982માં હું અમેરિકા આવ્યો હતો. 17 વર્ષની ઉંમર સ્કૂલે જવાની હતી. મને અંગ્રેજી પણ આવડતું નહોતું. જોકે, ખિસ્સામાં એકેય ડૉલર નહોતો એટલે નોકરી કરવાનું જ નક્કી કર્યું. અમેરિકામાં મારી સૌ પહેલી જોબ ‘કિચન ક્લિનિંગ’ની હતી. તે સમયે મિનિમમ 3 ડૉલર્સ અને 25 સેન્ટ્સ મળતા, પરંતુ મને કલાકનો એક ડૉલર મળતો. હું મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો, મેં ક્યારેય ક્લિનિંગનાં કામો કર્યાં નહોતાં અને અમેરિકામાં આવીને આ કામ કર્યું. હું સ્પષ્ટ રીતે માનું છું કે કોઈ કામ નાનું હોતું નથી અને તેથી જ મેં કિચન ક્લિનિંગનું કામ પણ સ્વીકારી લીધું હતું. આ નોકરી કરવાથી તમારામાં વિનમ્રતા આવી જાય. આ રીતે હું એક વર્ષ સુધી જે કામ આવે તે કરી લેતો અને 1983માં 18 વર્ષની ઉંમરે મેં મારો પહેલો બિઝનેસ શરૂ કરેલો.’
શિકાગોમાં આગવી બ્રાન્ડ ઊભી કરી
અમેરિકામાં બિઝનેસમાં સક્સેસફુલ થવા અંગે નિક પટેલ જણાવે છે, ‘1983માં અમેરિકામાં મેં હિંદી ફિલ્મના વીડિયોનો પહેલો સ્ટોર શરૂ કર્યો, જેમાં હું બધાને કેસેટ ભાડે આપતો. પછી મેં હોલિવૂડ ફિલ્મના વીડિયો સ્ટોર ચાલુ કર્યા હતા. મારા કુલ 60 સ્ટોર હતા. ‘લાયન વીડિયો’ તરીકે મારું નામ બહુ જ મોટું હતું. અમેરિકામાં તે સમયે 50 હજારની આસપાસ વીડિયો સ્ટોર હતા, તેમાં ટોપ 20માં અમારા વીડિયો સ્ટોરનો નંબર 17મો હતો. હોલિવૂડના ટોચના સ્ટુડિયો વોર્નર બ્રધર્સ, ડિઝની, પેનોરોમાના સ્પેશિયલ પર્ચેઝ પાવર અમારી પાસે હતા. પ્રોડ્યુસરનો મૂવી થિયેટર પછી આવકનો સૌથી મોટો હિસ્સો વીડિયો સ્ટોર પાસેથી આવે અને આ જ કારણે અમારી પાસે આ સ્પેશિયલ પાવર હતા. એક વાત હું અહીંયા ખાસ કહેવા માગીશ કે મારી સાથે જે પણ કામ કરે તે તમામ માટે મારી એક જ ભાવના હોય કે, તે મારો ભાઈ છે, તે મારા પરિવારનો સભ્ય છે. મને એમ જ હોય કે તેને હું કેવી રીતે બિઝનેસમેન બનાવું. મેં મનથી કંઈ નક્કી કરીને નહોતું રાખ્યું કે હું 60 વીડિયો સ્ટોર ખોલીશ. મેં જ્યારે વીડિયો સ્ટોરનો બિઝનેસ શરૂ કરેલો ત્યારે હું એક માત્ર એમ્પ્લોયી હતો. સાતે દિવસ 12-12 કલાક કામ કરતો હતો. આજે મારા વિવિધ બિઝનેસમાં 800-900 કર્મચારી છે.’
મહંત સ્વામી સાથે નિક પટેલ
1989માં ભારતની યુવતી સાથે લગ્ન કર્યાં
‘અમે જ્યારે અમેરિકા આવ્યા ત્યારે મારાં મમ્મીને નોકરી કરવી હતી. તેણે ભારતમાં ક્યારેય નોકરી કરી નહોતી. તે સમયે મેં મારા મમ્મીને કહ્યું હતું કે, જો તમારે કામ કરવું હોય તો તમે પાછાં ઇન્ડિયા જતાં રહો. તે અમારી સાથે એક વર્ષ રહ્યાં અને બંને ભાઈઓની સંભાળ રાખી. એક વર્ષ પછી મારા મમ્મી ઇન્ડિયા પાછાં ગયાં. લગ્નની વાત કરું તો મારી એવી ઈચ્છા હતી કે મારાં પેરેન્ટ્સની ઈચ્છા હોય ત્યાં જ મારે લગ્ન કરવા અને લગ્ન કરતાં પહેલાં એવું નક્કી કર્યું કે, હું મારી પત્ની અને પેરેન્ટ્સને સારી રીતે રાખી શકું તેટલા પૈસા કમાઈ લઉં. એ બધું થયા પછી મેં 1989માં લતા સાથે લગ્ન કર્યાં. તે પછી તો અમારા વીડિયોના 12 જેટલા સ્ટોર થયા અને અમે ઘર લીધું પછી મેં ’93-’94માં પેરેન્ટ્સ અને દાદીને સ્પોન્સરશિપથી અમેરિકા બોલાવી લીધાં.
‘ટાઇટેનિક’ મૂવી જોઈને નવું કરવાની ઈચ્છા થઈ’
મેં ‘ટાઇટેનિક’ ફિલ્મ જોઈ અને તેમાં શિપ ડૂબે છે. બસ એ જ રીતે વીડિયો ઇન્ડસ્ટ્રીની પડતી શરૂ થઈ ત્યારે મને થયું કે મારે હવે કંઈક નવું કરી જોઈએ. આ સમયે હું ઇટલી પણ ગયો અને પછી મેં એક ‘શૂ લાઇન’ પણ શરૂ કરી હતી. મને લાગ્યું કે મને આમાં સારી સફળતા મળશે. આ દરમિયાન જ મેં અમેરિકામાં ટૅનિંગ જોયું હતું. ટૅનિંગ એટલે ધોળા લોકોનો સ્કિન ટૉન ડાર્ક કરવો હોય. ભારતમાં આપણને બધાને ગોરા થવું છે, પરંતુ અમેરિકન્સને આપણા જેવી સ્કિન જોઈએ છે. આ જ કારણે અમેરિકામાં આપણા સ્કિન કલરની વેલ્યુ વધારે છે. ભારતીય તરીકે હું ટૅનિંગ બિઝનેસને એ રીતે જોઉં છું કે આપણે સૂર્યને ભગવાન માનીને પૂજા કરીએ છીએ. સૂર્ય તરફથી મળેલા રંગને મારે વેસ્ટર્ન કલ્ચરને આપવો છે. એકથી શરૂ કરેલો સ્ટોર મેં એક સમયે 180એ પહોંચાડ્યો હતો, જેમાં અમેરિકાના પાંચ રાજ્ય ફ્લોરિડા, ઓહાયો, ઇલિનોય, વેસ્ટ પામ તથા બીજા સ્ટેટમાં ખોલ્યા હતા. ટૅનિંગના બિઝનેસમાં મારું નામ ટૉપ પર છે અને આજે પણ મારા ટૅનિંગનો સ્ટોર ટોપ થ્રીમાં આવે છે.’
‘મોટેલમાં વધુ રોકાણ કરવું પડે એટલે એ ન કરી’
ટૅનિંગ બિઝનેસ શરૂ કરવા પાછળું લૉજિક સમજાવતાં નિક કહે છે ‘અમેરિકામાં ભારતીયોની ઘણી જ મોટેલ્સ છે અને તેમાં ઘણું જ રોકાણ કરવું પડે. આ ઉપરાંત એક-એક રૂમની સાફ સફાઈ કરવાનું કામ વધી પડે. જો ટૅનિંગનો બિઝનેસ હોય તો તેમાં બેડશીટ ના હોય, પણ એક્રેલિકનું મટિરિયલ હોય અને તેના પર લોકો સૂઈ જાય. 10 મિનિટનો ચાર્જ 20- 30 ડૉલર થાય એટલે આ બિઝનેસમાં રેવન્યુ અને પ્રોફિટ માર્જિન ઘણો જ રહેલો હતો. આ ઉપરાંત મને એક વાત સમજમાં આવી કે ટૅનિંગનું કામ મશીન સર્વિસથી થતું હોવાથી માણસથી જે ભૂલ થવાની શક્યતા રહે તે મશીનથી ભૂલ થવાની શક્યતા ઘણી જ ઘટી જાય છે. આ જ કારણે કસ્ટમર ખુશ થઈ જાય. કસ્ટમર ખુશ રહે તો ધંધો સારો જ ચાલે આ તો બેઝિક વાત છે.’
નિક પટેલના ઘરનું મંદિર
‘જ્યારે કાકા કંઈક ઊંધું જ સમજ્યા….’
‘ટૅનિંગ સ્ટોરનું નામ ‘લા ટૅન’ રાખવા પાછળનું કારણ એ છે કે, લોસ એન્જલસ ફેશન અને ગ્લેમરનું હબ છે એટલે ‘લા ટૅન’ રાખ્યું. મારી પાસે જ્યારે પોર્શે કાર હતી ત્યારે મેં તેની પર ‘લા ટૅન’ લખાવ્યું હતું. તો મારા કાકાએ મને કહ્યું કે, તે તો તારી પત્નીનું નામ લખાવી દીધું. મને ત્યારે તો ખબર જ ન પડી કે કાકા શું કહે છે. પછી મને ખ્યાલ આવ્યો કે મારી પત્નીનું નામ ‘લતા’ છે અને મારી કાર પર ‘LA TAN’ હતું. મેં તો બ્રાન્ડિંગ પર્પઝથી કાર પર મારા સલોનનું નામ લખાવ્યું હતું.’
‘સલોનના 100થી વધુ સ્ટોર અને નવો બિઝનેસ શરૂ કર્યો’
જુદા જુદા વ્યવસાય પર હાથ અજમાવનાર ગુજરાતી અમેરિકન નિક કહે છે, ‘અત્યારે મારા સલોનના 100થી વધુ સ્ટોર છે. હવે મેં મેક્સિકન રેસ્ટોરાંનો બિઝનેસ શરૂ કર્યો છે. આ રેસ્ટોરાંનું નામ ‘ટાકો માયા’ છે. માયાનો અર્થ બે રીતે થાય છે, મેક્સિકન કલ્ચરને ‘માયા’ કહે છે અને આપણે ભારતીયો આપણને જે વસ્તુ પ્રત્યે આપણને ‘મોહ’ હોય તેને ‘માયા’ કહીએ છીએ. ખાવાની માયા પણ આપણને હોય છે. તો આ બે અર્થ વિચારીને મેં મારી રેસ્ટોરાંનું નામ ‘ટાકો માયા’ રાખ્યું છે. મેં એક બ્રાન્ચથી આ રેસ્ટોરાં બિઝનેસ શરૂ કર્યો હતો. શરૂઆતમાં સ્ટ્રગલ તો હોય જ છે. શરૂઆતમાં ખબર પણ ન પડે, મેક્સિકન ફૂડ આપણું નથી, પરંતુ હાલમાં આ રેસ્ટોરાંની 10 બ્રાન્ચ છે. માર્ચ, 2019માં ‘ટોપ 20 ટાકોઝ ઇન અમેરિકા’માં અમારી રેસ્ટોરાંનું નામ હતું. આપણે જે કરવા માગીએ, શીખવા માગીએ તે કરી શકીએ તે ગુજરાતી તરીકે આપણા લોહીમાં છે. મેક્સિકન ફૂડ ભલે આપણું નથી, પરંતુ ગુજરાતી હોવાને નાતે એટલી આવડત તો હોવી જ જોઈએ કે, સારા માણસોને ભેગા કરી શકીએ. ભગવાન સાથ આપે એટલે તમારું કામ થઈ જાય.’
‘દીકરી માટે ‘ટકીલા’ બ્રાન્ડ શરૂ કરી’
‘મારી ડૉટરે ગ્રેજ્યુએશન પૂરું કરીને મને કહ્યું કે હું નોકરી કરું કે બિઝનેસ? તો મેં જવાબ આપ્યો કે મારી સાથે મેક્સિકોની એક મોટી ફર્મ છે અને તેમને ટકીલાની એક બ્રાન્ડ બનાવી છે. તું એમની સાથે બિઝનેસ શરૂ કર, હું તને ગાઇડન્સ આપીશ. મારી દીકરીએ ‘વીનો ટકીલા બ્રાન્ડ’ને લોકપ્રિય બનાવી. કેલિફોર્નિયામાં ‘સિપીંગ એવૉર્ડ’ કરીને બેસ્ટ ટકીલા બ્રાન્ડનો અવૉર્ડ આપવામાં આવે છે. 2019માં 940થી વધુ બ્રાન્ડે ભાગ લીધો હતો. સિલેક્શન થયું ત્યારે ‘જી વોટ’ કરીને બ્રાન્ડ છે તેને ‘ગોલ્ડ’ તથા ‘એવિયાન’ બ્રાન્ડને ‘સિલ્વર’ અને અમારી બ્રાન્ડને ‘પ્લેટિનમ’ અવૉર્ડ મળ્યો. હું સ્પષ્ટ માનું છું કે, તમારા ઈરાદા સારા હોય તો ભગવાન તમારી સાથે જ છે. પૈસાને ક્યારેય પ્રથમ સ્થાને ન રાખો. જે કામ કરો તેને એ રીતે કરો કે તમારાથી સારું બીજું કોઈ કરી જ ન શકે. તમે આ રીતે જીવનમાં કામ કરશો તો હંમેશાં સફળતા તમને જ મળશે. અન્ય બિઝનેસની વાત કરું તો મારી પાસે બહુ બધા આઇડિયા છે. સ્પાનો આઇડિયા છે. ભારતને ગર્વ થાય તે માટે અમેરિકામાં સ્પોર્ટ્સની ટીમ બનાવવી છે.’
શિકાગોમાં પ્રમુખસ્વામી સાથે નિક પટેલ તથા મયૂર પટેલે પૂજા કરી તે સમયની તસવીરો
‘જ્યારે પ્રમુખસ્વામીએ કહ્યું, ‘ભગવાન તમારા જીવનના દરવાજા ખોલશે…’
‘હું નિયમિત રીતે મંદિરે તો નથી જતો, પરંતુ શિકાગોનાં દરેક મંદિર સાથે મારે કનેક્શન છે. પછી તે હનુમાન મંદિર હોય કે સ્વામિનારાયણ કે હરે કૃષ્ણા. મને આ મંદિરમાં જ્યારે પણ કોઈ સંત બોલાવે એટલે હું જાઉં છું. આ ઉપરાંત હું જન્માષ્ટમી, દિવાળી કે મોટા તહેવારો હોય તો મંદિરે જાઉં છું. આમ તો હું મંદિર દિલમાં રાખીને વધારે ફરતો હોઉં છું. મારું નસીબ એટલું સારું છે કે, જ્યારે પ્રમુખસ્વામીએ શિકાગોમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાનું નક્કી કર્યું ત્યારે ખબર નહીં કેમ તેમણે સ્પોન્સરશિપ માટે મને પૂછયું અને મને હજી સમજાતું નથી કે કોઇ અગમ્ય શક્તિએ મારી પાસે ‘હા’ પડાવી દીધી. જ્યારે મંદિરનો ‘મયૂર ગેટ’ ઓપન કરવાનો હતો ત્યારે તે ઓપન કરવાની તક અમને મળી. અમારા શિકાગોમાં ઘણાં જ ભક્તિભાવવાળા સમૃદ્ધ લોકો રહે છે, પરંતુ અમને જ્યારે આ તક મળી ત્યારે લાગ્યું કે, આ ભગવાને મોકલ્યા છે. મેં તથા મારા ભાઈએ પ્રમુખસ્વામી સાથે રહીને પૂજા કરી અને તેમની સાથે રહીને નાળિયેર વધેર્યું. તે સમયે પ્રમુખસ્વામીએ કહેલા શબ્દો આજે પણ મારા મનમાં અંકિત થયેલા છે. તેમણે કહ્યું હતું, ‘તમે આ મંદિરના દરવાજા ખોલ્યા છે, ભગવાન તમારા જીવનના દરવાજા ખોલશે.’ આ બહુ મોટી વાત હતી. મને લાગ્યું કે આને નસીબ કહેવાતું હશે. જ્યારે તમે ભગવાનને દિલમાં રાખીને કામ કરો ત્યારે તમે મહત્ત્વની ઇવેન્ટના હિસ્સેદાર આપોઆપ બની જતા હો છો.’
‘તમામને મારાં સંતાનો જ ગણું છું, ભેદભાવ કરતો નથી…’
‘હાલમાં મારા પપ્પા, મારો ભાઈ, ડૉટર સોનાલી, મીરા, જાનકી તથા મારો દીકરો હરિ છે. મારા ઘરમાં બે અલગથી રૂમ બનાવીને રાખ્યા છે. જ્યારે પણ કોઈ ગુજરાતથી અહીંયા આવે અને તેની પાસે રહેવાની સગવડ ન હોય તો હું તેમને મારા ઘરમાં રાખું છું. હાલમાં મારા એક ફ્રેન્ડના બહેનની ડૉટર શ્રદ્ધા આવી છે. એને જોબ કરવાની ઈચ્છા છે. એને ‘ટાકો માયા’ બહુ જ ગમે છે. બની શકે વર્ષમાં તે ટાકો માયાની ઑનર પણ બની જાય. હજી તેને આવ્યે બે વીક પણ થયાં નથી. મને મારા ભાઈની દીકરી પણ ડેડ કહે છે. મારા સાળાનો દીકરો વૈભવ પણ મારા દીકરા જેવો જ છે.હું એમ ક્યારેય નથી કહેતો કે આ મારાં છોકરાં ને આ તમારાં. મારી સાથે જે પણ રહે છે તે તમામને એક સરખો પ્રેમ કરું છું. તે તમામને ગ્રો થવાની એક સમાન તક આપું છું. જો તમારામાં કામ કરવાની દૃઢ શક્તિ હોય તો તમે આગળ વધી જ શકો છો. આમ પણ પ્રેમ આપવાથી ઘટી જતો નથી. મને એવું પણ નથી કે હું તમારા પ્રત્યે જેટલી લાગણી, ભાવના રાખું તમે તેટલું જ સામે મને આપો. મારે એ જોઈતું પણ નથી. મારો તો એક જ મંત્ર છે કે જેને મદદની જરૂર હોય તેને કરવાની.’
ઉત્તરસંડામાં નિક પટેલે તળાવ ને વૉક વે બનાવ્યો તેની તસવીર
‘ગુજરાતીને હંમેશાં મદદ કરવા તત્પર હોઉં છું’
‘ગુજરાતી હોવાને કારણે હું હંમેશાં બીજા ગુજરાતીને મદદ કરતો રહેતો હોઉં છું. મારા વીડિયોના 60 સ્ટોર થયા ત્યારે મારા જે પણ પાર્ટનર હતા, તેમાં ગુજરાતી ફ્રેન્ડ્સ હતા. તેઓ મારી સાથે નોકરીમાં જોડાયા અને પછી એક વર્ષની અંદર તેઓ બિઝનેસના માલિક બની જાય છે. ટાકો માયામાં પણ ગુજરાતી અને મેક્સિકન પાર્ટનર છે. હું મારા અનુભવો, સંબંધો, કોન્ટેક્ટ્સની મદદથી નવી આવનાર વ્યક્તિને બિઝનેસ પ્લેટફોર્મ પૂરું પાડું છું. આ મોટી વાત છે. તમે કેટલા પૈસા બનાવ્યા તે તો સેકન્ડરી છે. હું તેમને મારા બિઝનેસમાં પાર્ટનર તરીકે ઇન્વોલ્વ કરું છું. હું માનું છું કે કામ તમને બનાવી શકે છે.’
‘મમ્મીનાં અસ્થિ વિસર્જન ગુજરાતમાં કર્યાં’
નિક કહે છે, ‘કોરોના પહેલાં હું દર વર્ષ એકવાર અચૂક ગુજરાત આવતો હતો. 2019માં મારા મમ્મીના અવસાન પછી 2020માં અસ્થિ વિસર્જન માટે આવ્યો હતો. આ વર્ષના એન્ડમાં હું ગુજરાત આવવાનો છું. મારા ગામના તળાવ આગળ ઘણી જ ગંદકી રહેતી હતી. એટલે મેં ત્યાં વૉક વે અને તળાવ વ્યવસ્થિત કરાવ્યું. એટલું જ નહીં, સરપંચ સાથે પણ નિયમિત રીતે સંપર્કમાં રહેતો હોઉં છું.
‘મોદી ભારત માટે સતત કામ કરી રહ્યા છે’
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં નિક પટેલ કહે છે ‘વડાપ્રધાન મોદીએ માત્ર અમેરિકામાં જ નહીં, પરંતુ આખા વિશ્વમાં ભારતનું નામ બનાવ્યું છે. તેમણે પોતાની નરેન્દ્ર મોદીની પણ બ્રાન્ડ સારી બનાવી છે. જાપાનના લોકોને આપણા માટે બહુ માન છે. ઓસ્ટ્રેલિયા, રશિયા, અમેરિકા, બ્રાઝિલ સહિતના વિવિધ દેશો ભારત સાથે સંબંધો બનાવવા આતુર છે. ભારતનું નસીબ એટલું સારું છે કે તેમને નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન મળ્યા. હું તો માનું છું કે, તેમને 100માંથી 100 વોટ મળવા જોઈએ, કારણ કે હું બિઝનેસમેન છું. હું મારા ઘર માટે જે પણ કરું છું તે તો સમજી શકાય તેવી વાત છે, પરંતુ મોદી તેમના ઘર એટલે કે ભારત દેશ માટે કરી રહ્યા છે. તે તન, મન તથા ધનથી દેશની સેવા કરે છે. આજ સુધી કોઈ નેતાએ આવું કર્યું નથી. જ્યારે કામમાં તમારો ધ્યેય, ઈરાદો અને ભાવ સારો હોય ત્યારે પરિણામ હંમેશાં સારું જ આવે છે અને મોદી પરિણામ સારું લાવી રહ્યા છે. મોદીમાં એક અલગ જ એનર્જી જોવા મળે છે. આ એનર્જીથી દેશને ફાયદો થઈ રહ્યો છે. મોદીની અમેરિકાની વિઝિટથી માત્ર અમેરિકાને નહીં, પરંતુ ભારતને પણ ફાયદો થશે. મોદીના એક ફંક્શનમાં મને પણ આમંત્રણ હતું, પરંતુ કેટલાંક કારણોસર મારાથી જઈ શકાયું નહોતું, પરંતુ ભવિષ્યમાં ક્યારેક તો મળાશે તેમ હું માનું છું. હું એવી ઈચ્છા રાખું છું કે, અમેરિકામાં આપણા બિઝનેસ એટલા મોટા ફૂલેફાલે કે ભારતને ગૌરવ થાય.’
દાદી સાથે નિક પટેલ
‘મને લાગે છે કે કોઈ ‘પટેલ’ એક દિવસ અમેરિકાનો ‘પ્રેસિડેન્ટ’ બનશે..’
‘મેં અમેરિકામાં પગ મૂક્યો તે દિવસથી વિચાર્યું હતું કે તમે મનથી નક્કી કરો કે સંકલ્પ લો તે બધું જ તમે કરી શકો છો. અમેરિકામાં રહીને પરિવાર, મિત્રો, ગામની યાદ આવતી હતી, પરંતુ જો તમે તમારા મનને મક્કમ કરીને સંકલ્પ અને વિશ્વાસ કરો અને સાથે શ્રદ્ધા પણ રાખો, તો તમને એ બધું મળે જ છે. હું તો જે દિવસે અમેરિકા આવ્યો તે દિવસથી જ અહીંયાનો થઈ ગયો છું. અહીંયા તો મને એમ જ લાગે કે આ મારું ગામ છે. અહીંયા મારા લોકો છે. આ જ કારણે હવે તો અમેરિકાના રાજકારણમાં ભારતીયો છે. ભારતીયો માટે ગર્વની વાત છે કે, હવે મોટી મોટી કંપનીના CEO ભારતીયો છે.’ નિક પટેલે પછી હળવા મૂડમાં કહ્યું હતું, ‘મને ક્યારેક એવું પણ થાય છે કે ક્યારેક તો પટેલ કે કોઈ ભારતીય અમેરિકાનો પ્રેસિડેન્ટ બનશે.’
‘મારો સત્સંગ કંઈક આવો છે…’
‘મારા ડેઇલી રૂટિનની વાત કરું તો હું સાડા સાત-આઠની આસપાસ ઊઠતો હોઉં છું. હું ઊઠીને તરત જ ક્યારેય મીટિંગ કરતો નથી. સવારે મારા ફોનમાં દર સેકન્ડે એક મેસેજ હોય છે. જે લોકોને સમસ્યા હોય તે મને મેસેજ કરતા હોય છે. હું બધાના પ્રોબ્લમ્સ સોલ્વ કરું. તે બધું કામ 10 સુધી કરું. પછી એક કલાક રોજ વર્કઆઉટ કરું. ફ્રેશ થઈને 11 વાગ્યે મારી સેકન્ડ શિફ્ટ શરૂ થાય, જેમાં 12 વાગ્યા થી સાંજના છ સુધી હું ઓફિસમાં નોન સ્ટોપ મીટિંગ કરતો હોઉં છું. સાત વાગ્યા પછી હું કોઈ સારી રેસ્ટોરાં કે કેફેમાં કેટલાંકને મળતો હોઉં છું. હું માનું છું કે વાતાવરણ બદલાય તો પ્રોડક્ટિવિટી વધે છે. અમે સાથે બેસીને વાતો કરીએ. મારો સત્સંગ આ રીતનો હોય છે, અમે બિઝનેસની અને નોલેજ વધે તેવી વાતો કરીએ. બીજાનું શું સારું થઈ શકે તેની પણ ચર્ચા કરીએ.’
શિકાગોમાં પોતાના રૂફટૉપ પર પાર્ટી માણતા નિક પટેલ
‘નેટવર્થ કંઈ ગણવાની વસ્તુ નથી…’
‘મારા સલોનનું ટર્ન ઓવર 35 મિલિયન ડૉલર અને ‘ટાકો માયા’નું ટર્ન ઓવર 20 મિલિયન ડૉલર વાર્ષિક છે. હું નેટવર્થ ક્યારેય ગણતો નથી, કારણ કે બધું જ ઝીરો અને બધું જ અનંત છે. મારા મતે તો તમારી એનર્જી જ તમારી નેટવર્થ છે. તમે જન્મ પહેલાં કંઈ જ નહોતા. જન્મ થાય છે, તમારું નામ બને છે. બસ, તો કંઈક બનો, એ જ તમારી નેટવર્થ છે, પરંતુ એ પણ તમારી સાચી નેટવર્થ નથી. તમે બીજા માટે કંઈક કરી શકો અથવા તો બીજાને હાઇ સ્પિરિટ એનર્જી આપી શકો એ તમારી સાચી મૂડી છે. હું ક્યારેય પૈસા પાછળ દોટ મૂકતો નથી અને બીજાને પણ પૈસા પાછળ દોટ મૂકવાની સલાહ આપતો નથી. તમે તમારી આસપાસના લોકોનું સારું ઈચ્છીને જેટલું વધારે કામ કરશો તે તમારી નેટવર્થ બનશે. ભગવાન શ્રીકૃષ્ણે અનંત કોટિ બ્રહ્માંડ હોવાની વાત કહી છે. તેમ તમે નેટવર્થ ગમે તેટલી મેળવી શકો છો અને જ્યારે તમે મેળવો ત્યારે તેનો આનંદ લો.’
‘ગોલથી એજન્ડા બને પણ તેનાથી કર્મનું ફળ ન મળે’
‘એજન્ડા’ અને ‘ગોલ’ વિશેને પોતાની આગવી ફિલસૂફી સમજાવતાં નિક પટેલ કહે છે ‘મેં મારા જીવનમાં ક્યારેય કોઈ લક્ષ્ય રાખ્યાં જ નથી. મેં મારો પહેલો વીડિયો સ્ટોર શરૂ કર્યો ત્યારે સપનેય વિચાર્યું નહોતું કે તે 60 થશે. તમે ગોલ કે સપનું નક્કી કરો અને તે પૂરું થાય પછી તમને આગળ કંઈ કરવાનું મન ન થાય. શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે તેમ સતત કર્મ કરવાનું. ક્યારેય અટકવાનું નહીં. જે પરિણામ આવે તે સંભાળી લેવાનું, તેમાં આનંદ કરવાનો. તમે ગોલ નક્કી કરો તો તે તમારો એજન્ડા બની જાય છે અને જ્યારે એજન્ડા બને ત્યારે તમને કર્મનું ફળ ન મળે.’
‘જાન હૈ તો જહાન હૈ…’
ડૉલર કમાઈ લેવાની લાલચે અમેરિકામા જીવના જોખમે ઘૂસવા ઘેલા થઈ રહેલા ગુજરાતીઓને સલાહ આપતાં નિક પટેલ જણાવે છે કે, ‘ગુજરાતીઓ અમેરિકા પાછળ ઘેલા છે. હું એટલું જ કહીશ કે જીવ પહેલાં અને બીજું બધું પછી. કેનેડાથી જે લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા આવતા હોય છે, તે લોકો એ સમજતા નથી કે, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચમાં અહીંયા પુષ્કળ ઠંડી મળે છે. હું કોઈને એવી સલાહ નથી આપતો કે તમે આ રીતે જીવને જોખમમાં મૂકીને અમેરિકા આવો. જ્યારે લોકો જીવ ગુમાવે છે, ત્યારે દુઃખ થાય છે. કાયદેસર રીતે પણ અમેરિકા આવી શકાય છે. તમારે ધીરજ રાખવી જરૂરી છે. ગુજરાતીઓના લોહીમાં વિકાસ છે. ગુજરાતીઓ પહેલેથી જ ઉત્સાહિત છે. જો તેઓ અમેરિકાના આવવાના ઉત્સાહમાં જીવ જ ગુમાવી દેશે તો બીજું કંઈ જ કરી શકશે નહીં. તમે તમારાં છોકરાંઓનાં સુખી જીવનનાં સપનાં આંજીને અમેરિકા તરફ દોટ મૂકો છો, પરંતુ તમે તો જીવ ગુમાવી દો છે. તમે કાયદેસર રીતે કોઈ સ્પોન્સરશિપથી પણ આવી શકો છો. જીવ જાય તેવું કોઈ કામ ન કરો. જાન હૈ તો જહાન હૈ….’
બોલિવૂડ-હોલિવૂડ સ્ટાર્સ સાથે નિક પટેલ
‘કમલ હાસન સાથે મળીને ફ્રેગ્રન્સ લાઇન શરૂ કરીશ’
જાણે અમેરિકન માર્કેટને મૂઠીમાં કરી લેવા આગળ વધી રહ્યા હોય તેમ પોતાના ભાવિ પ્લાન વિશે જણાવતા નિક કહે છે, ‘હું તથા કમલ હાસન ફ્રેગ્રન્સ લાઇન શરૂ કરવાના છીએ. આ ઉપરાંત અમે સાથે મળીને આપણી ખાદીને અમેરિકામાં લાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ફ્રેગ્રન્સનો પ્લાન્ટ શિકાગોમાં છે. અમે શેમ્પુ, કન્ડિશનર, બૉડી લોશન, બૉડી ઓઇલ, ડિઓડરન્ટ તથા બૉડી રિલેટેડ બધી જ બ્યૂટી પ્રોડક્ટ બનાવીએ છીએ. મારી આ કંપનીનું નામ ‘ડેલ્ટા બ્યૂટી લેબ’ છે અને તે મારી બીજી દીકરી મીરાં તથા તેના ફ્રેન્ડ્સ સંભાળી રહ્યાં છે. અહીંયા ઇન્ડિયન સ્ટાર્સની ઘણી જ લોકપ્રિયતા છે. મારી ઈચ્છા છે કે અમેરિકામાં ભારતીય સેલેબ્સનું અલગ માર્કેટ ઊભું કરું. જોકે, સ્ટાર્સને આ વાત સમજાવવામાં ઘણી જ વાર લાગે છે. એક-બે સ્ટાર્સ સફળ થશે, પછી બીજા સ્ટાર્સ વિચારશે કે અહીંયા તો મારી બ્રાન્ડ બને છે. એક સમયે હું બોલિવૂડ સ્ટાર્સ સાથે અમેરિકામાં વિવિધ શો કરતો હતો, પરંતુ થોડો સમય બાદ મેં શો કરવાનું બંધ કરી દીધું હતું અને આ રીતે મારે સ્ટાર્સ સાથે ઓળખાણ થઈ.’
Violet & Daisy, a captivating action-comedy directed by Geoffrey Fletcher, revolves around the lives of…
MBC's latest release, the trailer for episode 5 of "Wonderful World," showcases the captivating performances…
Deadpool 3 & Wolverine Super Bowl Trailer Easter Eggs The Deadpool 3 Super Bowl trailer…
The Nagi Nagi no Mi is a Paramecia-type Devil Fruit with the unique ability to…
Recent images from the set of a canceled Game of Thrones spin-off have surfaced, showcasing…
The forthcoming installment in the Jurassic World movie series has been slated for release, along…