આહવા36 મિનિટ પહેલા
- કૉપી લિંક
- આહવાના આંબેડકર ભવનમાં મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ
મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રનાં સંયુક્ત ઉપક્રમે ‘નારી વંદન ઉત્સવ’ સપ્તાહની ઉજવણી પ્રસંગે આહવા સ્થિત આંબેડકર ભવનમાં નાયબ દંડક તેમજ ડાંગના ધારાસભ્ય વિજયભાઇ પટેલની ઉપસ્થિતિમા મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ હતી.
આ પ્રસંગે વિજયભાઇ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લામાં મહિલા નેતૃત્વના કારણે આજે કુંટુંબમા આર્થિક સદ્ધરતા આવી છે. મહિલા સંચાલિત દુધ મંડળીઓના કારણે આજે જિલ્લામા શ્વેત ક્રાંતિ આવી છે. દુધ ઉત્પાદન તેમજ સ્વ સહાય જુથોના કારણે મહિલાઓ આજે આર્થિક પગભર બની છે. વિધવા બહેનો પણ પોતાનુ જીવન કુંટુંબ માટે સમર્પિત કરીને પોતાના બાળકોને/કુંટુંબને આગળ લાવે છે. તેમજ જિલ્લામા જિલ્લા અને તાલુકા તેમજ સરપંચ, સભ્યોમા આજે મહિલાઓનુ પ્રતિનિધિત્વ જોવા મળે છે જે ખુબ જ સરાહનીય બાબત છે.
ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, આજે ગુજરાત પોલીસમા 30%થી વધુ મહિલાઓનુ નેતૃત્વ છે તેમજ મહિલાઓની ‘સી’ ટીમ તૈયાર કરવામા આવી છે. જે મહિલાઓને લગતા તેમજ અન્યો પ્રશ્નો અંગે કાઉન્સેલિંગ દ્વારા કૌટુંબિક પ્રશ્નોનુ નિરાકરણ લાવે છે. વધુમાં તેઓએ જણાવ્યુ હતુ કે, ડાંગ જિલ્લામાં ‘સી’ ટીમને વધુ એક્ટીવ કરીને સમાજની તમામ મહિલાઓને જાણકારી મળી રહે તે માટે પ્રયત્નો કરાશે.
કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના અધ્યક્ષા નિલમબેન ચૌધરી, આહવા તાલુકા પંચાયત પ્રમુખ કમળાબેન રાઉત તેમજ વઘઇ તાલુકા પ્રમુખ શકુંતલાબેને પ્રાસંગિક વક્તવ્યો રજૂ કર્યા હતા. મહિલા નેતૃત્વ કાર્યક્રમમાં નાટક દ્વારા મહિલાઓમા જાગૃતિનો સંદેશો અપાયો હતો. આ કાર્યક્રમમાં આહવા તા.પં. સદસ્યો, ગ્રા.પં. સભ્યો, મહિલા પોલીસ કર્મીઓ તેમજ અભયમ ટીમની મહિલાઓ ઉપસ્થિત રહ્યાં હતા.
.