પોરબંદર2 કલાક પહેલા
- કૉપી લિંક
પોરબંદરના માછીમારોને દરિયામાંથી મળેલા એક કેનમાં દારૂ છે તેમ માની તેનો નશો કરવો એટલો ભારે પડી ગયો કે બે માછીમારોના મોત થઇ ગયા છે. જ્યારે પાંચ માછીમારોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. આ શંકાસ્પદ કેમિકલ શું છે તેની હાલ પોલીસ દ્વારા તપાસ શરુ કરવામાં આવી છે.
કેમિકલ પીધા બાદ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ વ્યક્તિ
ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ અને નશીલા પદાર્થોના પેકેટ મળ્યાની ઘટનાઓ છેલ્લા કેટલાક મહિનાઓમાં સામે આવી છે. ત્યારે હવે દરિયામાંથી મળેલા એક કેનમાં રહેલું પ્રવાહી દારૂ છે એમ માની પી જતાં બે માછીમારોને જીવ ગુમાવવાનો વારો આવ્યા છે. જ્યારે અન્ય પાંચને હોસ્પિટલમાં દાખલ કરી તેમની સારવાર કરવામાં આવી છે.
પોરબંદરના Dy.SP નિલમ ગોસ્વામી
સમગ્ર ઘટના અંગે પોરબંદરના Dy.SP નિલમ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, ગત 2 જુલાઇના રોજ પોરબંદરના સુભાષનગરમાં રહેતા ચાર લોકો માછીમારી કરવા માટે દરિયામાં ગયા હતા. આ દરમિયાન માછીમારોને 5 લિટરનું એક સિલબંધ કેન મળ્યું હતું. હાર્બર મરિન પોલીસ અને સુપર ગેસથી આગળ માછીમારોને આ કેન 3 માઇલ દૂર દરિયામાંથી મળ્યું હતું. આ કેન માછીમારોએ ખોલીને જોયું તો તેમાં કોઇ કેમિકલ હતું. આ કેમિકલ વિઠ્ઠલ પરમાર તથા સુરેશ જેબરના માછીમારોએ ટેસ્ટ કર્યું હતું. તેમજ અન્ય માછીમારોને પણ પીવડાવ્યું હતું. જેથી અન્ય માછીમારોએ કહ્યું કે આ દારુ નથી પરંતુ અન્ય કોઇ પ્રવાહી છે.
પોસ્ટમોર્ટમ રુમ.
Dy.SP નિલમ ગોસ્વામી ઉમેર્યું કે, માછીમારોના કહેવા છતાં પણ વિઠ્ઠલ પરમાર અને સુરેશ જેબરએ બે દિવસ સુધી થોડા થોડા પ્રમાણમાં એ કેમિકલ પીધું હતું. જેથી ગત રાત્રે સુરેશ જેબર અને આજે સવારે વિઠ્ઠલ પરમાર નામના વ્યક્તિના મોત થયા હતા. આ બંનેએ જેટલા લોકોને કેમિકલ પીવા માટે આપ્યું હતું તે લોકોનું હાલ પોલીસ પ્રોએક્ટિવ થઇને સર્ચ કરાવી રહી છે. તેમજ સામેથી બોલાવીને સારવાર કરાવી રહી છે. આવા પાંચ લોકોની હાલ ઓળખ થઇ છે. આ તમામ લોકોની ડોક્ટરે તપાસ કરી છે અને તેઓની સ્થિતિ સારી છે. કેમિકલને તપાસ અર્થે જપ્ત કરી જાણવાજોગ ફરિયાદ દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યા છે.
પોરબંદર સરકારી હોસ્પિટલ
આ કેમિકલ ટેસ્ટ કરનાર અને પોરબંદર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા વ્યક્તિએ જણાવ્યું હતું કે, મેં થોડું કેમિકલ ગઇકાલ સવારે 11 વાગ્યે ટેસ્ટ કર્યું હતું. આ કેમિકલનો રંગ સફેદ હતો. આ કેમિકલ ભરેલું કેન દરિયામાં માછીમારી દરમિયાન મળ્યું હતું. મેં તો થોડુંક જ ટેસ્ટ કર્યું હતું પરંતુ સુરેશભાઇ અને વિઠ્ઠલભાઇએ પ્રવાહી વધુ પીધું હતું જેથી તેમના મોત થયા છે.
.