રાજકોટએક કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટની મહાત્મા ગાંધી સ્કૂલને ગાંધી મ્યુઝિયમમાં પરિવર્તિત કરાયા બાદ મુલાકાતીઓની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ત્યારે જુલાઇ મહિનામાં જુદા-જુદા દેશનાં 14 વિદેશી નાગરિકો સહિત કુલ 3894 લોકોએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. અને મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવી હતી. જેમાં જુદી-જુદી 13 સ્કૂલના 1595 વિદ્યાર્થીઓ પણ સામેલ છે. ઓક્ટો. 2018માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યુ, ત્યારથી અત્યાર સુધીમાં દેશ-વિદેશના કુલ 2,67,577 લોકોએ ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ ચુક્યા છે અને તમામ મુલાકાતીઓ દ્વારા ગાંધી મ્યુઝિયમની પ્રશંસા કરવામાં આવી રહી છે.
મનપા સંચાલિત આંગણવાડીમાં ‘સ્તનપાન સપ્તાહ’ની ઉજવણી સંપન્ન
વિશ્વભરમાં ઓગષ્ટ માસના પ્રથમ સપ્તાહને સ્તનપાન સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત તા. 1થી 7 ઓગષ્ટ દરમિયાન જુદા-જુદા વોર્ડની આંગણવાડીમાં સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી. આ દરમિયાન આંગણવાડીમાં ઉપસ્થિત તમામ સગર્ભા અને ધાત્રી માતાઓને સ્તનપાન ન કરાવી શકવાના કારણોની જાણકારી આપી અને પરિસ્થિતિ સાથે અનુકુલન સાધી સ્તનપાન કરાવવા પર ભાર અપાયો હતો. બાળક માટે અમૃત સમાન માતાનુ ધાવણ કેવી રીતે આપવુ તેની પધ્ધતિ વિષે ઉપસ્થીત અધિકારી અને પદાધિકારી દ્વારા સમજૂતી આપવામાં આવી હતી. સ્તનપાન એટલે વધુ પોષણ દુર કુપોષણ જેવી અગત્યની બાબત પર ભાર મૂકીને તમામ માતાઓને શપથ લેવડાવવામાં આવ્યા હતા. વોર્ડ નં -11 ખાતે આઇ.સી.ડી.એસ વિભાગના ચેરેમેન જ્યોત્સનાબેન ટીલાળા, વોર્ડ નં -4 ખાતે વોર્ડનાં કોર્પોરેટર નયનાબેન પેઢડીયા અને કંકુબેન ઉધેરજા તો વોર્ડ નં 13માં જયાબેન ડાંગર અને સોનલબેન સેલારા ખાસ હાજર રહ્યા હતા. તેમજ કુલ 346થી વધુ સગર્ભા અને ધાત્રી માતાઓએ આ ઉજવણીમાં ભાગ લીધો હતો.
શહેરની હોસ્પિટલો અને હાઇરાઇઝ બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટીની મોકડ્રીલ યોજાઈ
રાજકોટ મહાનગરપાલિકાની ફાયર એન્ડ ઈમરજન્સી શાખા દ્વારા ચીફ ફાયર ઓફિસર આઇ.વી.ખેર અને ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાના માર્ગદર્શન હેઠળ શહેરની વિવિધ હોસ્પિટલ, હાઇરાઇઝ બિલ્ડીંગ અને ક્લાસીસ ખાતે ફાયર સેફ્ટીની મોકડ્રીલ યોજાઈ હતી. જેમાં 2 હાઇરાઇઝ બિલ્ડીંગના 50 રહેવાસીઓ, 3 ક્લાસીસનાં 25 વિદ્યાર્થીઓ અને 9 હોસ્પિટલનાં ડોકટર તથા નર્સીંગ સ્ટાફ તેમજ અન્ય સહિત 185 લોકોને આગ લાગે ત્યારે શું કરવું અને શું ન કરવું જોઇએ. તેમજ આગ બુઝાવવા માટેનાં સાધનો તથા ફાયર એક્ષ્સ્ટીંગ્યુસરનો ઉપયોગ કેવી રીતે કરવો અને દર્દીઓને કઇ રીતે બચાવવા તેની પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. તેમજ ફાયર સાધનો અંગેની વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આગામી દિવસોમાં શહેરની અન્ય હોસ્પિટલોમાં આ પ્રકારની મોકડ્રિલ યોજવામાં આવશે.
.