રાજકોટ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
રાજકોટની સિટીબસ સેવા અવારનવાર કોઈકને કોઈક કારણોસર વિવાદમાં આવતી હોય છે. સિટીબસો સાવ ખખડધજ હાલતમાં હોવાથી વારંવાર બસો બંધ થવી, ડ્રાઈવર અને કંડક્ટરની દાદાગીરી જેવી ઘટનાઓ જાણે રોજિંદી બની છે. ત્યારે આજે આવી જ વધુ એક ઘટના સામે આવી છે. જેમાં જિલ્લા પંચાયત ચોક નજીક એક સિટીબસ બંધ થતા બીજી બસ વડે ધક્કો મારવો પડ્યો હતો. જોકે આમ છતાં બસ ચાલુ નહીં થતા મુસાફરોએ અન્ય વ્યવસ્થા કરવી પડી હતી. જેને લઈ ભારે આક્રોશ જોવા મળ્યો હતો.
વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડી
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના જિલ્લા પંચાયત ચોક ખાતે રસ્તા વચ્ચે સિટીબસ બંધ થતા ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. સિટીબસ અચાનક બંધ થવાને પગલે પ્રથમ તો સ્થાનિક યુવાનો દ્વારા ધક્કો મારી બસને સાઈડમાં લેવા પ્રયાસ કરાયો હતો. જોકે બાદમાં બીજી બસ દ્વારા ધક્કો મારી બસને મહામહેનતે સાઈડમાં લેવામાં આવી હતી. બીજીતરફ સિટીબસ બંધ પડતા બસમાં સવાર મુસાફરોએ બીજા વાહનની વ્યવસ્થા કરવાની ફરજ પડી હતી. જેમાં કોલેજીયન છાત્રો અને વૃદ્ધોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.
તંત્રએ હવે નવી અને સારી બસો ફાળવવી જોઈએ: મુસાફર
આ અંગે બસનાં મુસાફર ચંદ્રાબેન જાનીએ જણાવ્યું હતું કે, સિટીબસ સેવામાં વારંવાર આવી ખામીઓ સર્જાતી હોય છે. મને પણ બે વખત બસ ખોટવાઈ જવાનો અનુભવ થઇ ચુક્યો છે. ખરેખર બસ આગળ ચાલે તેમ છે કે નહીં તે જોવાની પ્રથમ જવાબદારી ડ્રાઈવરની છે. ત્યાર બાદ તંત્ર ઉપર રોષ ઠાલવતા જણાવ્યું હતું કે, તંત્રએ પણ હવે નવી અને સારી બસો ફાળવવી જરૂરી છે. બસો સાવ ખખડધજ હોવાના કારણે અનેક વખત આવી બસો રસ્તા ઉપર બંધ પડે છે. ત્યારે તંત્રએ આવી બસોને દૂર કરી સારી બસ મુકવી જોઈએ.
.