રાજકોટ5 મિનિટ પહેલા
- કૉપી લિંક
- રાજકોટ રેલવે પોલીસમાં ફરજ બજાવતાં હેડ કોન્સ્ટેબલને ટ્રેનમાંથી ઉતરતી વેળાએ અકસ્માત નડ્યો
સવારની ડ્યૂટી હોવા છતાં મધરાત્રે પોલીસ સ્ટેશને પહોંચીને સાથી કર્મચારીને કહ્યું કે, મોબાઇલ ચોરીનો આરોપી ટ્રેનમાં આવી રહ્યો છે, તેને પકડવા જાવ છું, જરૂર પડશે તો બોલાવીશ અને દશ મિનિટમાં જ સમાચાર મળ્યા કે જે ટ્રેનમાં આરોપીને પકડવા ગયા હતા તે હેડ કોન્સ્ટેબલનું એજ ટ્રેનની ઠોકરે મોત નીપજ્યું છે અને લાશના બે કટકા થઇ ગયા છે.
રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને માંડાડુંગર પાસેના તિરુમાલાપાર્કમાં રહેતા મનસુખભાઇ વિરજીભાઇ જીંજરિયા (ઉ.વ.42) શનિવારે રાત્રે બે વાગ્યે જંક્શનમાં આવેલા રેલવે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. તેમની ડ્યૂટી રવિવારે સવારે હતી. રાત્રીના બે વાગ્યે પોલીસ સ્ટેશને આવેલા મનસુખભાઇને જોઇને સાથી કર્મચારી એએસઆઇ પરેશભાઇ ડોડિયાએ મધરાત્રે આવવાનું કારણ પૂછતાં મનસુખભાઇએ કહ્યું હતું કે, મોબાઇલ ચોરીની તપાસ તેમની પાસે છે. ચોરીનો આરોપી અમદાવાદ-સોમનાથ ટ્રેનમાં આવી રહ્યાની માહિતી મળી છે. ટ્રેન જંક્શન સ્ટેશન પર આવી ગઇ છે. આરોપીને પકડવા જાવ છું, જરૂર પડશે તો તમને મદદ માટે બોલાવીશ. તેમ કહીને ટ્રેનમાંથી પકડવા માટે ગયા હતા.
જો કે, મનસુખભાઇના નીકળ્યાની દશ મિનિટ બાદ પોલીસ સ્ટેશનમાં સમાચાર આવ્યા હતા કે, એક વ્યક્તિ અમદાવાદ-સોમનાથ ટ્રેન નીચે કપાઇ ગઇ છે જાણ થતાં જ એએસઆઇ ડોડિયા સહિતની ટીમ સ્ટેશન પર પહોંચી હતી. લાશના બે કટકા હતા તે ઉઠાવીને સ્ટેશન પર મુક્યા તો રેલવે પોલીસનો સ્ટાફ ચોંકી ગયો હતો. લાશના તે બે કટકા તેમના સાથીદાર હેડ કોન્સ્ટેબલ મનસુખભાઇ જીંજરિયાના હતા. આ વેળાએ તમામ સ્ટાફ સ્તબ્ધ થઈ ગયો હતો.
ફરજનિષ્ઠ કર્મચારીનું ટ્રેનની ઠોકરે મૃત્યુ થતાં રેલવે પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી ટ્રેનમાં હોવાની મળેલી માહિતીની ખરાઇ કરવા મનસુખભાઇ ટ્રેનમાં ચડ્યા હતા અને ટ્રેન ચાલુ થઇ જતાં તેમાંથી ઉતરતી વખતે પગ લપસતા તેઓ ટ્રેન નીચે આવી ગયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. મનસુખભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. ફરજ પર ગયેલા મનસુખભાઇનું ટ્રેનની ઠોકરે મૃત્યુ થયાના સમાચાર મળતાં જીંજરિયા પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. તેમના પરિવારજનોએ કરેલા આક્રંદથી ત્યાં હાજર તમામની આંખ ભીની થઇગઇ હતી.
હેડ કોન્સ્ટેબલ મનસુખભાઇ જીંજરિયા ચોરીના ગુનાના આરોપીને પકડવા ટ્રેનમાં ચડ્યા હતા. આરોપી હાથ આવી ગયો હતો? આરોપીને લઇને નીચે ઉતરતી વખતે આરોપીએ ધક્કો માર્યો હતો કે કેમ?, કે આરોપી હાથ લાગે તે પહેલા ટ્રેન ચાલુ થઇ જતાં ટ્રેનમાંથી ઉતરતી વખતે આ અકસ્માત થયો હતો તે સહિતના મુદ્દે પણ રેલવે પોલીસે તપાસ શરૂ કરી હતી. ઘટનાસ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
.