અમદાવાદ41 મિનિટ પહેલાલેખક: આનંદ મોદી
- કૉપી લિંક
ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જાયા બાદ ગુજરાત યુનિવર્સિટીમાં પણ નબીરાઓ બેફામ ડ્રાઇવિંગ કરી રહ્યા હતા. જેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ મામલે ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગંભીરતા દાખવીને કુલપતિ દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે વિદ્યાર્થી, અધ્યાપક, સ્ટાફ કે કર્મચારીના વાહન પર યુનિવર્સિટી દ્વારા આપવામાં આવેલ સ્ટીકર હશે, તેને જ યુનિ.માં પ્રવેશ આપવામાં આવશે. બિનઅધિકૃત વ્યક્તિઓને પ્રવેશ આપવામાં આવશે નહિ. મુખ્ય 2 દરવાજા જ ખુલ્લા રાખવામાં આવશે, બાકીના બંધ કરી દેવામાં આવશે.
યુનિવર્સિટીમાં સ્ટીકર દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટી રાજ્યની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી છે. જેમાં અલગ અલગ 55 ભવન આવેલા છે. યુનિવર્સિટીમાં 20 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા અગાઉ ન કર્યો હોય તેવો પ્રથમવાર નિણર્ય કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ દ્વારા નિણર્ય કરવામાં આવ્યો છે કે, યુનિવર્સિટીમાં સ્ટીકર દ્વારા જ પ્રવેશ આપવામાં આવશે. યુનિવર્સિટી સાથે જોડાયેલા તમામ વ્યક્તિઓને સ્ટીકર આપવામાં આવશે અને જે વાહનો પર સ્ટીકર હશે તેને જ પ્રવેશ આપવામાં આવશે.

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તા.
દરેક વિભાગો પાસેથી વિગત મંગાવાઈ
ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગૂગલ ફોર્મ મોકલીને અલગ અલગ વિભાગ પાસેથી વિદ્યાર્થીઓની સંખ્યા મંગાવવામાં આવી છે. કુલ આંક મળતાં યુનિવર્સિટીમાં કામ કરતા કર્મચારીઓ, અધ્યાપકો, સ્ટાફના માણસો, વિદ્યાર્થીઓ સહિત તમામ લોકોને સ્ટીકર આપવામાં આવશે. આ સ્ટીકર દરેકે પોતાના વાહન પર લગાવવાનું રહેશે. જેમાં વાહન પર સ્ટીકર હશે, તેને જ અંદર પ્રવેશ આપવામાં આવશે. જે વ્યક્તિ અન્ય કોઈ કામ માટે આવશે તેને વિઝીટર તરીકે એન્ટ્રી કરાવીને પ્રવેશ આપવામા આવશે. આ સિવાય અન્ય વ્યક્તિઓને પ્રવેશ આપવામાં નહિ આવે.

ગુજરાત યુનિવર્સિટીનો વાઈરલ વીડિયો.
ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં આ નિર્ણય પ્રથમ
ઇસ્કોન બ્રિજ પર થયેલ અકસ્માત બાદ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં પણ નબીરાઓ રેસિંગ મેદાનની જેમ ગાડીઓ હંકારી રહ્યા હતા. જે યુનિવર્સિટીના ધ્યાને આવતા યુનિવર્સિટીના કુલપતિની નીરજા ગુપ્તા દ્વારા તમામ વિભાગના વડા સાથે બેઠક કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં ક્યારેય આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો નથી. નીરજા ગુપ્તા દ્વારા પ્રથમ વખત ગુજરાત યુનિવર્સિટીમાં નવો નિયમ લાગુ કરવામાં આવશે.

6માંથી 4 દરવાજા બંધ કરવામાં આવશે
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કરવાના 6 દરવાજા છે, જેમાંથી 4 દરવાજા બંધ કરવામાં આવશે. કે.એસ. સ્કૂલ તરફનો મુખ્ય ગેટ અને એલ.જી એન્જિન્યરિંગ સામેનો ડો. બાબા સાહેબ આંબેડકર દરવાજો જ લોકોની અવરજવર માટે ખુલ્લો રાખવામાં આવશે. હોસ્ટેલમાંથી આવતા વિદ્યાર્થીઓ પણ સ્ટીકર બતાવીને હોસ્ટેલની ગેટથી આવી શકશે. વાહન વિના ચાલીને આવતા વિદ્યાર્થીઓ કે કર્મચારીઓને પણ સ્ટીકર આપવામાં આવશે, જેના આધારે તે પ્રવેશ મેળવી શકશે. વાહન લઇને આવતા રાહદારીઓ એન્ટ્રી કરીને જે તે વિભાગનું નામ લખીને યુનિવર્સિટીમાં જઈ શકશે .યુનિવર્સિટીમાં બિનજરૂરી આવીને બેસી રહેતા બહારના વ્યક્તિઓ તથા રીલ્સ બનાવવા આવતા વ્યક્તિઓ સહિત તમામ લોકોની અવરજવર આ નિર્ણયના કારણે બંધ થશે.


.