- Gujarati News
- Local
- Gujarat
- Gir somnath
- Una
- On The Banks Of The River Machhundri, Which Originates From The Middle Of The Gir Forest, The Green Flora Flourished, And Tourists Flocked To Witness The Nature.
ઉના3 કલાક પહેલા
- કૉપી લિંક
સમગ્ર ગુજરાતમાં અને વિશેષ સૌરાષ્ટ્રના ગીર વિસ્તારમાં અનરાધાર વરસાદથી ગીરના નદી-નાળાઓ છલકાતા પાણી વહેતા થયા છે. નદી ડેમ સહીત જળાશયોમાં નવા નીર આવી ગયા છે. ત્યારે આ નયનરમ્ય દૃશ્ય જોતાં લાગે કે ધરતીએ લીલી ચુંદડી ઓઢી લીધી છે. શ્રીકાર વરસાદ વરસ્યા બાદ દ્રોણેશ્વર ડેમ અને મચ્છુન્દ્રી નદીના કિનારે લીલી વનરાઈ સોળે કળાએ ખીલી ઊઠી છે. જેથી અધિક માસમાં દ્રોણેશ્વર મહાદેવના દર્શાનાર્થે અને પ્રકૃતીને નીહાળવા બહોળી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે.
અધિક માસમાં દ્રોણેશ્વર મહાદેવના દર્શાનાર્થે ભક્તો ઊમટ્યા
ગીર જંગલના મધ્યમાંથી નિકળી સમુદ્રને મળતી મચ્છુન્દ્રી નદીના કિનારે એક બાજુ દેવાધિદેવ દ્રોણેશ્વર મહાદેવજીનું મંદિર છે અને બીજા કિનારે એસજીવીપી ગુરુકુળ આવેલી છે. દ્રોણેશ્વર પાસે કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર પણ આવેલું છે. ત્યારે હાલ અધિકનું શ્રાવણ માસ ચાલતો હોવાથી મોટી સંખ્યામાં ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શાનાર્થે ઉમટ્યા છે.
શ્રીકાર વરસાદ બાદ મચ્છુન્દ્રી નદી બે કાંઠે વહી
દ્રોણેશ્વર ડેમનો અદભુત અને નયનરમ્ય નજારો જોવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. ત્યારે આ ડેમ અને તેની આસપાસની લીલી વનરાઈને નિહાળી પર્યટકો અનેરો આનંદ લઇ રહ્યા છે. જ્યારે શનિવારના દીવસે કષ્ટભંજન હનુમાનજીના મંદીરે ઉના-ગીરગઢડા પંથકના લોકો મોટી સંખ્યામાં અહીં દર્શાનાર્થે આવતા હોય છે. તેમજ ઉના, દિવ, તુલસીશ્યામ, જમજીરનો ધોધ તથા સોમનાથ જેવા સ્થળોએ પર્યટકો આવતા જતા હોય છે ત્યારે દ્રોણેશ્વર ખાતે પણ પર્યટકો અચૂક મુલાકાત લેતાં હોય છે. આ દ્રોણેશ્વર ડેમ ઉપરથી પડતા પાણીના પ્રવાહનો અદભુત નજારો નીહાળી પર્યટકો આનંદ અનુભવે છે.
આવું મનમોહક દૃશ્ય જોઈ ગીરના નવયુવાન લાલજી બોસરીયાને મન એક પંક્તિ સ્ફુરી…
“કોળાણી વન વેલી મચ્છુન્દ્રી તીર, પ્રકૃતિ પ્રભુએ નેહે ભર્યા ક્ષીર,
લાલ આંખે જીવન એ લીલી ગીર, અનંત આનંદ અણમોલ હિર”
સૌરાષ્ટ્ર વિસ્તારના સોમનાથ જિલ્લામાં આવેલી મછુન્દ્રી નદી પર દ્રોણેશ્વર ડેમ આવેલો છે. ઉના-ગીરગઢડામાં સાંબલેધાર વરસાદ વરસતા ગીર જંગલમાં દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. જેને લઈ મછુન્દ્રી નદીમાં બે કાંઠે વહેતી થઈ છે. આ દૃશ્ય ડ્રોન કેમેરામાં ચિરાગ વેકરીયાએ કેમેરામાં કેદ કર્યું હતું.