ગાંધીનગર16 મિનિટ પહેલા
- કૉપી લિંક
ગાંધીનગરના વડોદરા ગામની સીમમાં લાઈટના અજવાળે જુગારની બાઝી માંડીને બેઠેલા 12 જુગારીઓને ડભોડા પોલીસે પૂર્વ બાતમીના આધારે દરોડો પાડીને રંગેહાથ ઝડપી પાડી 17 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગર ડભોડા પોલીસ મથકની હદ વિસ્તારમાંથી પ્રોહીબીશન – જુગારની પ્રવૃતિઓ શોધી કાઢવા પીએસઆઇ એમ એસ રાણાએ સ્ટાફના માણસોને સઘન પેટ્રોલીંગ કરી ગ્રામ્ય વિસ્તારના છેવાડાનાં વિસ્તારમાં પણ નજર રાખવાની ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. જે અન્વયે સ્ટાફના માણસો ગઈકાલે રાત્રિના સમયે પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલીંગ અર્થે નીકળ્યા હતા.
આ દરમિયાન બાતમી મળી હતી કે, વડોદરા ગામની સીમ ગુજરાતી શાળાની સામે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા થઇ પોતાના અંગ ફાયદા અર્થે પૈસા પાનાથી હારજીતનો જુગાર રમી રહ્યા છે. જેનાં પગલે પોલીસે બાતમી વાળી જગ્યાએ દરોડો પાડતા કેટલાક ઈસમો લાઈટના અજવાળે ગોળ કુંડાળું વળીને જુગારની બાઝી માંડીને બેઠા હતા. આ તમામને ચારે તરફથી કોર્ડન કરીને પોલીસે જેતે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પૂછતાંછ શરૂ કરી હતી.
જે અન્વયે જુગારીઓના નામ કાનાજી ઉર્ફે ગનાજી સોમાજી ઠાકોર, શૈલેષજી કાળાજી ઠાકોર, કિશોરજી જીવણજી ઠાકોર, બાબુજી ગલાજી ઠાકોર, અરવિંદકુમાર નેનાજી ઠાકોર, કીરીટજી કાનાજી ઠાકોર, મહોતજી કચરાજી ઠાકોર, ભાથીજી કાળાજી ઠાકોર, મહોબતજી ચેહરાજી ઠાકોર, બાબુજી ભીખાજી ઠાકોર, ભરતસિહ લાલસિહ ઠાકોર અને દિનાજી હિરાજી ઠાકોર (તમામ રહે. વડોદરા) હોવાનું જાણવા મળ્યું હતું.બાદમાં પોલીસે જુગારીઓની અંગ ઝડતી અને દાવ પરથી 17 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી તમામની જુગાર ધારા હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.